Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

નવરાત્રી એટલે નવચેતના જગાવવાનો અવસર : સ્વામિ વિશ્વરૂપજી

આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા કાલથી બે દિ' વૈદિક હવન : નિર્મલા રોડ પારસ હોલ ખાતે આયોજન : તમામને પ્રવેશ

રાજકોટ તા. ૪ : 'નવરાત્રી એટલે નવી ચેતના જગાવવાનો અવસર છે. મંત્ર શકિત અને ધ્યાનથી આ ચેતના જાગૃત કરી નવી ઉર્જા મેળવી શકાય છે' તેમ આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા શનિ-રવિ રાજકોટમાં યોજાયેલ વૈદીક યજ્ઞ પ્રસંગે પધારેલા સ્વામિ વિશ્વરૂપજીએ 'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે કોઇ કામ કરવા માટે ચેતન હોવુ જરૂરી છે. આ ચેતના મંત્ર શકિતથી મળે છે. આપણા વૈદીક મંત્રોમાં એવી તાકત છે કે જે આપણને અંતરયાત્રા કરાવે છે. ધ્યાનમાં લઇ જાય છે. એટલુ જ નહીં જળને પણ મંત્રથી અસરકારક બનાવી શકાય છે. વળી તમામ ધર્મમાં જળનું મહત્વ આંકવામાં આવ્યુ છે. મંદીર હોય, મસ્જિદ હોય, ગુરૂદ્વારા હોય કે ચર્ચ હોય પણ પૂજા સમયે જળની આવશ્યકતા અચુક રહે છે.

તનાવમાંથી બહાર આવી પ્રસન્નતા મેળવવા જે સકારાત્મક ઉર્જાની જરૂર હોય છે તે વૈદીક હવન કરવાથી પ્રાપ્ત થાય છે. નવરાત્રીમાં કરાતા આવા વૈદીક હવનથી પર્યાવરણ પણ શુધ્ધ થાય છે.

રાજકોટમાં તા. ૫ અને ૬ શનિ-રવિ બે દિવસ પારસ હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ ખાતે બેંગ્લોરથી પધારેલા શ્રી સ્વામી વિશ્વરૂપજીના સાનિધ્યમાં વૈદીક હવનનું આયોજન કરાયુ છે.

કાલે શનિવારે સવારે ૮.૩૦ વાગ્યે ગણપતિ પૂજન, હોમા, મહાલક્ષ્મી હોમા, બપોરે ૧૨ વાગ્યે પુર્ણાહુતી અને મંગલ આરતી, સાંજે પ.૩૦ વાગ્યે શ્રી ચંડી હોમા, રાત્રે ૮.૩૦ વાગ્યે પૂર્ણાહુતી મંગલ આરતી અને પ્રસાદ તેમજ બીજા દિવસે તા. ૬ ના રવિવારે સવારે ૭ વાગ્યે શ્રી ચંડી હોમા, શ્રી દ્વાર પુજા, કન્યા પૂજા, બપોરે ૧૨.૩૦ વાગ્યે મહાપૂર્ણાહુતી, મંગલ આરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

સર્વે ધર્મપ્રેમીજનોએ પધારવા આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વૈદીક હવનની વિગતો વર્ણવતા સ્વામી શ્રી વિશ્વરૂપજી અને બાજુમાં અશોકભાઇ કાથરાણી (મો.૯૮૨૫૨ ૨૨૮૫૨), તુષારભાઇ વંકાણી (મો.૯૯૭૪૦ ૨૧૦૦૫), પ્રકાશભાઇ ઉપાધ્યાય નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:44 pm IST)