Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

દશેરાએ વિજયભાઇના હસ્તે ર૧૭૬ ગરીબોને ૩ લાખમાં અફલાતુન ફલેટ

મ્યુ.કોર્પોરેશને મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બનાવેલ ૧ બીએચકે સ્માર્ટ ઘર ફલેટ માત્ર ૩ લાખમાં અપાશેઃ લોકાર્પણ સાથેજ કબ્જો આપી દેવાશેઃ મેયર બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ૮મીએ યોજાનારા મુખ્યમંત્રીના આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ

રાજકોટ તા. ૪ : આગામી તા.૮મીએ દશેરાનો પવિત્ર તહેવાર છે ત્યારે અનેક લોકો પોતાના ઘરના ઘરમાં નિવાસ માટે જતા હોય છે. આવા પવિત્ર દિવસે મ્યુ.કોર્પોરેશનની આવાસ યોજનાના લાભાર્થીઓ પણ પોતાના નવા મકાનમાં નિવાસ કરી શકે તેવા શુભહેતુથી મ્યુ.કોર્પોરેશને પણ ૮મીએ મવડીમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે બનાવેલી ૧ બીએચકે ફલેટની સ્માર્ટઘર આવાસ યોજનાના લાભાથીઓને તેઓના ફલેટની ચાવી આપી અને કબ્જો આપવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

આ અંગે મેયર બીનાબેન આચાર્યએ વિસ્તૃત વિગતો આપતા જણાવેલ કે ગરીબોને ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરતી સ્માર્ટ ઘર આવાસ યોજના ૧૬પ કરોડના ખર્ચે વોર્ડ નં.૧૧માં મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટની આસપાસ ૧૩ જેટલા ટાવરમાં ર૧૭૬ ૧ બીએચકે ફલેટનું નિર્માણ કરાયું છે.

આ તમામ ફલેટ જેને ઘરનુ ઘર ન હોય તેનેજ આપવામાં આવનાર છે. આ માટે લાભાર્થીઓની અરજીઓ મંગાવાયેલ જેમાં ૪પ૦૦૦ ફોર્મનું વેચાણ થયેલ પરંતુ માત્ર ૧૧૦૦૦ લોકોએજ ફોર્મ પરત આપ્યા હતા.

હવે ૮મીઅ ે આ ૧૧૦૦૦ લાભાર્થીઓના ફોર્મનો ડ્રો કરાશે અને તેમા પસંદ થયેલ ર૧૭૬ લાભાર્થીઓને કાર્યક્રમના સ્થળેજ ફલેટની ચાવી આપીને દશેરાના પવિત્ર દિવસે કબ્જો આપી દેવાશે.

આ આવાસ યોજના હેઠળ ૧ર માળના બે ટાવરમાં ૩૮૪ ફલેટ, ૭ માળના ૧૧ ટાવરમાં ૧૭૮૭ ફલેટ બનાવાયા છે.

આ ફલેટની બજાર કિંમત રૂ.રપ થી ૩૦ લાખ જેટલી થાય છે છતા મ્યુ.કોર્પોરેશન લાભાર્થીઓને માત્ર ૩ લાખમાં આ ફલેટ આપશે.

સુવિધાઓ

આ ફલેટના ર૭.૯ ચો.મી.નો કાર્પેટ એરિયા છે. વોટર પ્રુફ બારી-દરવાજા, વોશ-એરિયા ટોઇલેટ બાથરૂમમાં ગ્લેઝ ટાઇલ્સ વીટ્રીફાઇડ ટાઇલ્સ ફલોરીંગ આ બિલ્ડીંગ પરિશરમાં બગીચો-ચિલ્ડ્રન પ્લેહાઉસ ૩૭ દુકાનોનું શોપીંગ સેન્ટર સહીતની સુવિધાઓ છે.

કાર્યક્રમની તડામાર તૈયારીઓ

ઉપરોકત સમગ્ર કાર્યક્રમની તૈયારી માટે આજે મેયર બીનાબેન આચાર્ય, ભાજપના પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, શાસક નેતા દલસુખભાઇ જાગાણી ડે. મેયર અશ્વિન મોલીયા, દંડક અજય પરમાર, મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ ત્થા પ્રોજેકટના ઇન્ચાર્જ ઓફીસર અલ્પનાબેન મિત્રા વગેરે બેઠક યોજી અને લોકાર્પણ કાર્યક્રમની રૂપરેખા ઘડી હતી.

સ્માર્ટ ઘરના બિલ્ડીંગની લીફટ-પાણીની મોટર સુર્ય પ્રકાશથી ચાલશેઃ વીજળી ખર્ચ બચશે

ભારતભરમાં રાજકોટ કોર્પોરેશને સૌપ્રથમ  સોલાર એનર્જી-ગ્રીન બિલ્ડીંગ બનાવ્યું : વિદેશી સંસ્થાનું પ્રમાણપત્ર અને કેન્દ્ર સરકારના એવોર્ડ પણ મળ્યા

રાજકોટ તા. ૪ : મ્યુ.કોર્પોરેશનની સ્માર્ટઘર આવાસ યોજનામાં સમગ્ર ભારતભરમાં સૌ પ્રથમ સોલાર એનર્જી અને ગ્રીન બિલ્ડીંગનો કોન્સેપ્ટ અપનાવાયો છે. આ યોજનાના બિલ્ડીંગોમાં સુર્ય પ્રકાશથી લીફટ અને પાણીની મોટર ચાલશે જેથી વિજળીનું બીલ બચશે...આ ઉપરાંત દરેક ફલેટમાં ફુલ હવા ઉજાશ માટે બારીઓ અને કેવીટીવોલ એટલે કે ઉનાળામાં ઘરમાં ઠંડક રહે વરસાદમાં  ભેજ ન આવે ત્થા શિયાળામાં હુંફ આપે તેવી દિવાલો છે.આમ આ ફલેટની સુવિધાઓ અનેરી હોઇ વિદેશની સર્વિસ એજન્સીએ આ યોજનાને ગ્રીન બીલ્ડીગનું પ્રમાણપત્ર આપ્યું છેત્થા કેન્દ્ર સરકારેબે એવોર્ડ પણ આપ્યા છે.

(4:06 pm IST)