Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

રાજકોટમાં ચાંદીના દાગીનાનો વેપાર કરતી પેઢીનો દાગીનાની ચોરી અંગેનો લાખો રૂપિયાનો કલેઈમ રદ્દ કરતી ગ્રાહક અદાલત

રાજકોટ, તા. ૪ : રાજકોટમાં ચાંદીના દાગીના બનાવીને વેચવાનો ધંધો કરતી પેઢીનું ચાંદીના દાગીનાની ચોરી અંગે વીમા કંપની પાસેથી નુકશાની વળતર મેળવવાનો કેસ રાજકોટના ગ્રાહક તકરાર નીવારણ ફોરમના મુખ્ય ન્યાયાધીશ શ્રી એમ. પી. શેઠે રદ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટમાં આવેલ એ.બી.એસ. ઓર્નામેન્ટના નામની પેઢીના ભાગીદાર અલ્પેશ દેથરીયાએ ગ્રાહક અદાલત સમક્ષ ફરીયાદ દાખલ કરીને એવી રજુઆત કરેલ કે ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લી.માંથી તેઓએ જવેલર્સ બ્લોક પોલીસી લીધેલ છે અને જેમાં રૂ. ૮,૦૦,૦૦૦નું જોખમ કવર થયેલ છે.

તા.૦૮/૦૧/૨૦૧૩ ના રોજ ફરીયાદી પેઢીએ મધ્યપ્રદેશના ઈન્દોર મુકામે ચાંદીના દાગીના મોકલવા માટે સેઈફ એન્ડ ફાસ્ટ કુરીયર મારફત મોકલવા માટે માલ આપ્યો હતો. આ સેઈફ એન્ડ ફાસ્ટ કુરીયર દ્વારા તેના પોતાના ટ્રકમાં ચાંદીના દાગીનાનો માલ રવાના કરેલ અને મધ્યપ્રદેશના થાંદલા ગામ નજીક ટ્રકનો અકસ્માત થયો અને ટ્રકમાં ભરેલ ચાંદીના દાગીના રસ્તા ઉપર વેરણ-છેરણ થઈ ગયેલા. આ દાગીનાઓ રસ્તા ઉપર પડી જતા ગામના લોકો લુંટીને ચાલ્યા ગયા અને આમ આ ચોરી થઈ ગયેલા ચાંદીના દાગીનાનું રૂ. ૭,૭૦,૦૦૦નું નુકશાની વળતર મેળવવા માટે ધી ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની સામે કલેઈમ નોંધાવવામાં આવેલ હતો.

ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લી.એ પોલીસીને અનુસંધાને તેની શરતો એવી હતી કે જો આવો માલ વાહનમાં હોય અને તેનુ રક્ષણ કરવાને બદલે જો માલને રઝડતો મુકી દેવામાં આવે તો પોલીસીની શરતનો ભંગ થાય અને આવા કીસ્સામાં નુકશાની વળતર ન મળે.

વીમા કંપનીએ કલેઈમ રદ કર્યો અને તેથી એ.બી.એસ. ઓર્નામેન્ટ નામની ભાગીદારી પેઢીએ  રાજકોટ ગ્રાહક તકરાર નીવારણ ફોરમમાં કેસ દાખલ કરેલો.

વીમા કંપની તરફે રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અને ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયાના સ્પે. પબ્લીક પ્રોસીકયુટર શ્રી નરેશ સીનરોજા રોકાયેલ અને તેમણે મુખ્ય એવી રજુઆત કરેલ કે આ ફરીયાદ બોગસ, ઉભી કરેલી અને જુઠી છે, કેમ કે રસ્તા ઉપરના માલની કહેવાતી ચોરી તા.૦૯/૦૧/ર૦૧૩ના રોજ થયેલ અને તે જ સમયે ટ્રકના ડ્રાઈવરે ફોન કરીને કુરીયરના માલીકને બનાવની જાણ કરેલ કે ચાંદીના દાગીનાની રસ્તા ઉપરથી લુંટ થઈ ગયેલ છે. કુરીયરના માલીક સુભાષચંદ્ર ભંડારીએ આ માલની ચોરી/લુંટ અંગે ૯ દિવસ પછી એટલે કે તા.૧૮/૦૧/૨૦૧૩ના રોજ પોલીસમાં ફરીયાદ નોંધાવી. જો ખરેખર રસ્તા ઉપરથી લાખો રૂપીયાના દાગીનાની ચોરી/લુંટ થયેલ હોય તો કુરીયરના માલીકે બનાવના દિવસે જ પોલીસ ફરીયાદ કરેલી હોય પરંતુ આવુ ન થતા ૯ દિવસ બાદ પોલીસ ફરીયાદ દાખલ કરી જે બતાવે છે કે ચાંદીના દાગીનાની ચોરી/લુંટનો બનાવ સાચો નથી.

આ ઉપરાંત વીમા કંપનીના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી નરેશ સીનરોજાએ ફરીયાદી પાસેથી ફોજદારી કોર્ટના કેટલાક દસ્તાવેજો માંગેલા તે રજુ થયેલા નહી. આમ આ કેસમાં ઘણી શંકાશીલ બાબતો છે અને ફરીયાદીએ પોતાનો કેસ સાબીત કરેલો નથી.

બન્ને પક્ષોની દલીલ સાંભળીને રાજકોટ ગ્રાહક તકરાર નીવારણના મુખ્ય ન્યાયાધીશ શ્રી એમ. પી. શેઠે કન્ઝયુમર પ્રોટેકશન એકટની કલમ ૨૬ નીચે ફરીયાદ રદ કરેલ છે. કલમ-ર૬ એવી છે કે જયારે અદાલતને લાગે કે ફરીયાદ Frivolous એટલે કે વ્યર્થ હોય અને Vexatious એટલે કે કષ્ટદાયક હોય ત્યારે અદાલત કલમ - ૨૬ નીચે ફરીયાદ કરી શકે છે.

આ કામે સામાવાળા ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લીમીટેડ વતી રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી અને ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયાના સ્પે. પબ્લીક પ્રોસીકયુટર શ્રી નરેશભાઈ એમ. સીનરોજા  (મો. ૯૮૨૫૦ ૭૬૫૭૫ / ૦૨૮૧- ૨૫૭૦૫૦૮) તથા તેની સાથે એડવોકેટ ચિરાગ જી. છગ રોકાયેલ હતા.

(11:31 am IST)
  • સુરતનાં વરાછા વિસ્તારમાં અત્યારે સાંજે ૫ વાગ્યે જોરદાર વરસાદી ઝાપટું પડી ગયું access_time 8:21 pm IST

  • અમેરિકામાં ઈ સિગારેટ પીવાથી 18 લોકોના મોત : 1080 લોકોના ફેફસા ખરાબ થઇ જવાથી બિમાર : નિકોટીન ,તથા ગાંજો ભરેલી ઈ સિગારેટનું સેવન કરનાર વ્યસનીઓ પૈકી 80 ટકા 35 વર્ષથી ઓછી ઉંમરના : અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સનનો અહેવાલ : ભારતમાં ઈ સિગારેટ ઉપર પ્રતિબંધ access_time 12:11 pm IST

  • મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી :મનસેના 32 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર : પહેલી યાદીમાં 27 ઉમેદવારો જાહેર કર્યા હતા : બીજી યાદીમાં 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ મોડીરાત્રે ત્રીજી યાદી જાહેર કરી : વરલી બેઠક માટે હજુ સુધી કોઈ નામ જાહેર કરાયું નથી : પાર્ટીએ અનેક નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા access_time 1:08 am IST