Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સરકારની માનસિકતા નાગરીકોને ગુલામ બનાવવાની, જનતાનો સવિનય કાનુન ભંગ માટે લલકાર : હેલ્મેટ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી : ઈન્દ્રનીલ રાજયગુરૂ

રાષ્ટ્રીય શાળા ખાતે હેલ્મેટ વિરોધી લડત સમિતિના જનસંમેલનમાં માનવ મહેરામણ ઉમટ્યો : શહેરીજનોએ આક્રોશ વ્યકત કર્યો, તંત્રને લડત આપશે : હેલ્મેટ તો ન જોઈએ તેવો સૂર વ્યકત

રાજકોટ, તા. ૩ : શહેરમાં હેલ્મેટ વિરોધી લડત સમિતિ દ્વારા ગાંધી જયંતી નિમિતે યોજાયેલ 'જન સંમેલન'માં હજારો ભાઈઓ-બહેનોએ સ્વયંભૂ હાજરી આપી સરકારના જુલ્મી કાયદા સામે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.

ટ્રાફિક નિયમનના કેન્દ્ર સરકારે લાદેલા અસુસંગત કાયદાનો વિરોધ કરવા રાજકોટ ખાતે ફરજિયાત હેલ્મેટ વિરોધ લડત સમિતિના બેનર હેઠળ ઈન્દ્રનિલભાઈ રાજગુરૂના નેતૃત્વમાં વિરોધને સમર્થન આપવા નાગરિક જનસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં હજારો નાગરિકોએ ઉપસ્થિત રહીને આક્રોરભેર વિરોધ નોંધાવ્યો હતો.

રાષ્ટ્રીય શાળામાં પાંચના ટકોરે યોજાયેલ સંમેલનનું નેતૃત્વ કરતા ઈન્દ્રનિલ રાજગુરૂ સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારની માનસિકતા નાગરિકોને ગુલામ બનાવવાની છે, તેવું સરકારના નિર્ણયો પરથી જણાય રહ્યું છે. નવો ટ્રાફિક નિયમન કાયદો અસુસંગત છે અને લોકોને માનસિક તેમજ આર્થિક નુકસાન પહોંચાડનાર કાયદો છે. જેનો નાગરિકોએ લોકશાહી રાષ્ટ્રમાં નાગરિકને મળેલ વિરોધ કરવાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને સરમુખત્યાર માનસિકતા ધરાવતી સરકારને 'રૂક જાવ' કહેવા માટે પ્રચંડ જન આંદોલન કરવું પડશે.

ઈન્દ્રનિલભાઈએ જણાવ્યું હતું કે આ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે લોકોએ રોડ પર આવવું પડશે. માત્ર ઘરમાં બેસીને વિરોધ કરીએ આ સરકારની આંખ નહીં ઉઘડે અને આક્રોશભેર જણાવ્યું હતું કે આ બધી જ પરિસ્થિતિ નિર્માણ થવા પાછળ સરકારનું સંચાલન કરતા સત્ત્।ાધારી પક્ષના મુખીયાઓની ડરપોક વૃતિને કારણે પ્રજાને પીડતા હોય તેવા નિર્ણયો કરે છે. જે વ્યકિત નિડર હોય તે પ્રજા પર અત્યાચાર કરતો હોતો નથી પરંતુ પોતાને નિડર સાબિત કરવા ભોળી પ્રજાને તેનો ભોગ બનવું પડે છે તેની સામે પ્રજાએ સાચા અર્થમાં નિડર થઈને લડત કરવી પડશે.

ઈન્દ્રનિલભાઈએ એમના વકતવ્યમાં કહ્યું હતું કે લોકશાહી કેટલી હદે ખતરામાં છે તે સભા સ્થળ નકકી કરવા બાબતે સંસ્થાના સંચાલકો સાથે થયેલ વાતચીતના આધારે અનુભવ વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે ગુલામી માનસિકતામાંથી દેશને ઉગારનાર મહામાનવ જેમની સત્ય અને અહિંસાની વિચારધારાને સમગ્ર વિશ્વએ સ્વીકારી છે તેવા મહાત્મા ગાંધીજીની સાથે સંકળાયેલ સંસ્થાના આગેવાનોની માનસિકતા પણ અત્યાચાર અને અન્યાય સહન કરવાની થઈ ગઈ હોય તેવું કહીને ટકોર કરી હતી કે ખાદી પહેરવાથી ગાંધીજીના અનુયાયી નથી થઈ જવાતું, ગાંધીજીના સાચા અનુયાયી થવા માટે ગાંધીજીના સત્ય અને નિડરતાના વિચારોને વહેવારમાં આત્મસાત કરવા પડે છે.

હેલ્મેટ લડતના પાયોનિયર અશોકભાઈ પટેલે પોતાના અનુભવો વર્ણવીને તાત્વીક પ્રવચન દ્વારા લોકોને હેલ્મેટનો વિરોધ શા માટે ? અને કઈ રીતે કરલો જોઈએ તે સમજાવ્યું હતું. પીઢ અગ્રણી કાનાભાઈ આહિરે પોતાના વકતવ્યમાં જનસંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે વર્તમાનમાં લોકશાહીના નામે અધિકારશાહી ચાલતી હોય તેવું પ્રતિત થાય છે. તેનો જનતાએ સામૂહિક રીતે વિરોધ કરવો પડશે.

વશરામભાઈ સાગઠીયાએ જન સંમેલનને સંબોધન કરતા જણાવ્યું હતું કે આપ સૌ અમારી સાચી તાકાત છો અને તમારા કારણેજ આ સંમેલન સફળ રહ્યું છે. સમગ્ર રાજકોટમાંથી આપ સૌ વિશાળ સંખ્યામાં આવીને જે શકિત પ્રદર્શન કર્ય છે તેનાથી સરકારે આ જુલ્મી કાયદા વિશે ફરી વિચારવા મજબૂર થવું પડશે. જાણીતા સામાજિક આગેવાન તખુભા રાઠોડે સંમેલનને સંબોધન કરતા લડત સમિતિના આગેવાનોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે લુપ્ત થતી લોકશાહીને બચાવવા માટે કમર કસી છે. તેમાં રાજકોટના નાગરિકોએ પણ હજુ મજબૂતીથી ટેકો આપવો પડશે. ઉપરોકત કાર્યક્રમનું સંચાલન સંકલનકર્તા રાજભા ઝાલાએ કર્યું હતું. જેમાં નિર્ધારીત સમયમાં કાર્યક્રમ શરૂ થવાથી કાર્યક્રમ નિર્ધારીત સમયમાં પુરૂ થવા સુધીમાં તેમણે પોતાની આગવી સૂઝબૂઝ અને કુનેહથી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા. અંતમાં ઉપસ્થિત જનમેદની સમક્ષ પ્રબુદ્ધ આગેવાન જિજ્ઞેશ કાલાવડિયાએ ગાંધીજીની 'અસહકાર આંદોલન'ને યાદ કરી 'સવિનય કાનૂન ભંગ' માટે ફરી એક વખત લોકોને આહવાન કરી તે માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી. ત્યારબાદ કાર્યક્રમનું સમાપન ઉપસ્થિત જનમેદની અને આગેવાનોએ સ્વમુખે રાષ્ટ્રગીત ગાઈને સાચા અર્થમાં રાષ્ટ્ર ભાવના પ્રદર્શીત કરીને કર્યું હતું.

ઉપરોકત લડતમાં ઘણા સામાજિક સંગઠનોએ પોતાનું સમર્થન જાહેર કર્યું છે. જેમાં સિનિયર સીટીઝન ક્રિકેટ કલબના મયુરસિંહ ઝાલા, પ્રહલાદભાઈ દવે, પ્રદિપસિંહ જાડેજા, રોહિત બંદેલા વગેરે ઉપસ્થિત રહીને લડતને ટેકો જાહેર કરેલ તે જ રીતે 'બેડીનાકા યુવક મંડળ' તેમજ સૌરાષ્ટ્ર લિકાસ પરિષદના પ્રમુખ રાજુભાઈ ગોંડલીયા, મહેશભાઈ મહેતા, લાલઝંડા ઝુપડપટ્ટી મંડળના ઈશ્વરભાઈ કાપડી તથા છબીલ ધોળકીયા, ગૌસ્વામી એકતા મંડળમાંથી ડી.બી. ગૌસ્વામી તેમજ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ ભીખાભાઈ બાંભણિયા, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, એડવોકેટ હિમતભાઈ લાબડીયા, દિનેશભાઈ ડાંગર, એડવોકેટ અને ક્ષત્રિય અગ્રણી ઈન્દુભા રાઓલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા અભિષેકભાઈ તાળા, હિંમત વીરડા, અંકુર ગજજર, જયરાજસિંહ જાડેજા, દિગુભા ચુડાસમા, પુષ્પરાજસિંહ જાડેજા, નેમિષ પાટડીયા, ચિરાગ જસાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:47 pm IST)