Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

કોંગ્રેસની ભાષા ગુજરાત વિરોધી, જ્ઞાતિવાદ કોમવાદ ફેલાવવાની એની મુરાદઃ નરહરિ અમીન

રાજકોટ જિલ્લા ભાજપની કારોબારીમાં ઉદ્દબોધન : કેન્દ્ર અને રાજયની સરકાર ગરીબોની સરકારઃ જશુબેન કોરાટ : કોંગ્રેસ નર્મદાના નામે ખેડૂતોને ગુમરાહ કરવા નીકળીઃ ગોવિંદભાઇ

રાજકોટ તા. ૪: કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિકાસલક્ષી અભિગમ થકી રાજય અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટી તરફ લોકોને ખુબજ વિશ્વાસ પ્રાપ્ત થયો છે. આ વિશ્વાસ થકી ભાજપા ફરીથી માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ સતા પ્રાપ્ત કરી દેશની ચોતરફ પ્રગતી કરીને વિશ્વમાં ભારતનું નામ ઉજળું કરશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પરિશ્રમ થકી બુથવાઇઝ સંપર્ક અને બુથ જીતવાના પ્રયાસો કરી ૩પ૦+ ચુંટણી જીતવાનો લક્ષ્યાંક પૂર્ણ કરશે. તેવો જીલ્લા ભાજપા પ્રમુખશ્રી ડિ. કે. સખીયાએ વિશ્વાસ વ્યકત કરી જીલ્લા ભાજપા કારોબારી રાજય આયોજના પંચના અધ્યક્ષશ્રી નરહરિભાઇ અમીન કચ્છના પૂર્વ સાંસદશ્રી પુષ્પદાનભાઇ ગઢવી, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જશુમતીબેન કોરાટ, જીલ્લા ભાજપ મહામંત્રી સર્વશ્રી ભાનુભાઇ મેતા, ડો. ભરતભાઇ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રીશ્રી નેહલભાઇ શુકલ, સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, પૂર્વ સાંસદશ્રીઓ વલ્લભભાઇ કથીરિયા, હરિભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ ભાનુબેન બાબરિયા, બાવનજીભાઇ મેતલીયા, સહકારી દૂધઉત્પાદક સંઘના ચેરમેનશ્રી ગોવિંદભાઇ રાણપરીયાના વરદ હસ્તે દિપપ્રાગટય કરી જીલ્લા ભાજપાની કારોબારીને ખુલ્લી મુકવામાં આવી હતી અને ઉપસ્થિત મહેમાનોનું ખેસ પહેરાવીને સહુની સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજકોટ જીલ્લા ભાજપાની કારોબારીનું સંપૂર્ણ સંચાલન જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતાએ કર્તા જણાવ્યું હતું કે, શકિતકેન્દ્રો જ ભાજપની સાચી શકિત છે.

આયોજન પંચના અધ્યક્ષશ્રી નરહરિભાઇ અમીને જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદ-જાતિવાદ-કોમવાદ ફેલાવવાની કોંગ્રેસની મેલીમુરાદ છે. કોંગ્રેસની ભાષા ગુજરાત અને ગુજરાતના નેતૃત્વ વિરોધી છે. કોંગ્રેસ સતા વિહોણી થતા ખોટા આક્ષેપો કરી રહી છે. જેનો ભાજપાનો પ્રત્યેક કાર્યકર આગામી ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.

કારોબારીમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જશુમતીબેન કોરાટએ પ્રસાર કરતા કહ્યું કે ગુજરાત છેલ્લા રર વર્ષથી ભાજપાની સરકાર ગુજરાતના પ્રેમ અને આર્શીવાદથી ગુજરાતના છેવાડાના માનવીની સેવા કરી રહી છે. ખેડૂત, યુવા, મહિલા, એસ.સી., એસ.ટી., ઓબીસી. વગેરે તમામ વર્ગના સર્વાંગી વિકાસ કરીને ખરા અર્થમાં કેન્દ્રની અને રાજયની ભાજપા સરકાર ગરીબોની સરકાર છે. હાલમાં કોંગ્રેસ સહીત વિપક્ષોના અપપ્રચાર સામે પૂરી તાકાતથી પ્રજા સુધી પહોંચીને ભાજપાના પ્રેરણાસ્ત્રોત પં. દીનદયાલજીના વિચારો ઘર-ઘર સુધી પહોંચાડી ર૦૧૯ની આગામી ચૂંટણીમાં ફરીથી નરેન્દ્રભાઇ મોદીને દેશના વડાપ્રધાન બનાવવાની જનતાની આંકાક્ષાઓ પૂર્ણ કરીએ.

આ બેઠકમાં પૂર્વ સાંસદશ્રી ડો. વલ્લભભાઇ કથીરીયાએ ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીજીના નિધન પર દુઃખ અને શોકની લાગણી વ્યકત કરતા શોક પ્રસ્તાવ રજુ કર્યો હતો.

આ જીલ્લા ભાજપાની કારોબારી બેઠકમાં કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપા સરકારને જનકલ્યાણ માટે અનેકવિધ પ્રકારની યોજના હાથ ધરી પ્રજાને વિકાસના ફળ સુશાસન અને પ્રજાલક્ષ્મી વિકાસકાર્યોની હારમાળા રચી છે. તેને પૂર્વ ધારાસભ્ય અને જીલ્લા ભાજપાના મહામંત્રીશ્રી ભરતભાઇ બોઘરાએ અભિનંદન પ્રસ્તાવ મુકયો હતો.

જીલ્લા ભાજપાની કારોબારી બેઠકમાં ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પાયમાલ હતા. કૃષિ બજેટ માંડ ૬૦૦ કરોડનું હતું. ખેડૂતોના દેવા નાબુદી માટે ખેડુતોને આંદોલનો કરવા પડતા વીજળી-લાઇટ પાણીના આંદોલનો કરવા પડતા ત્યારે કોંગ્રેસ ખેડુતો ઉપર લાઠીઓ ગોળીઓ વીંઝી કોંગ્રેસએ ૬૦-૬૦ વર્ષ સુધી ખેડુતોના નામે મત જ માંગ્યા છે ખેડુતોને દેવામાં ડુબાડી રાતા પાણીએ રોવડાવ્યા છે. કોંગ્રેસ કયાં મોઢે ખેડૂતોના વિકાસની વાતો કરે છે.

સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયાએ કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાતો કર્તા કહ્યું હતું કે, ભાજપા ''વાદ નહિ, વિવાદ નહિ, સંવાદ થકી વિકાસ તરફ'' માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની ભાજપા સરકાર આગેકદમ કરી રહ્યું છે.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયાએ કોંગ્રેસના નર્મદા ડેમના કાગારોળનો પર્દાફાશ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસની યુપીએ સરકારે ૧૦ વર્ષ સુધી નર્મદાડેમના દરવાજા મુકવાની મંજુરી ન આપી ખેડુત વિરોધી માનસિકતા છતી કરી હતી. જયારે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા પછી ૧૭માં દિવસેજ મંજુરી આપી દીધી હતી.

આ બેઠકમાં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી નેહલભાઇ શુકલએ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા યુવાનોના શિક્ષણ રોજગારીની તકો વધારી હોવાથી આજનો યુવાન ભાજપા ઉપર વિશ્વાસ વ્યકત કરતો થયો છે.

કાર્યક્રમની વ્યવસ્થા રાજુભાઇ ધારૈયા, હિરેનભાઇ જોશી, અલ્પેશભાઇ અગ્રાવત, દિનેશભાઇ વિરડા, જયેશભાઇ પંડયા, દિપકભાઇ ભટ્ટ, અમૃતલાલ દેવમુરારી, મયુરસિંહ જાડેજા, હરિભાઇ રૈયાણી, વિવેક સાતા, પાર્થભાઇ કાચા, કિશોર રાજપૂત સહીતનાએ કરી હતી. તેમ અંતમાં જીલ્લા મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળ જણાવે છે. (૭.ર૭)

(3:47 pm IST)