Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ડાન્સ રિયાલીટી શો વધુને વધુ થતાં જ રહેવા જોઇએઃ બોલીવૂડ કોરિયોગ્રાફર ધર્મેશ યેલાન્ડે

રિયાલીટી શો થકી દરેકને સપનુ પુરૂ કરવાની તક મળે છે... : ગ્લોબલ સ્કીલ એકેડેમીના માધ્યમથી રાજકોટના ૯૮ છાત્રોને સતત ત્રણ મહિના ડાન્સનું શિક્ષણ આપ્યું: રાજકોટમાં અનેક એવા સ્ટુડન્ટસ છે જેનામાં ડાન્સની ભરપૂર ટેલેન્ટ

તસ્વીરમાં ડો. મેહુલ રૂપાણી, કોરીયોગ્રાફર ધર્મેશ યેલાન્ડે તથા રોમાંચ વોરા અને શગુન વણઝારા સહિતના જોઇ શકાય છે (અહેવાલઃ ભાવેશ કુકડીયા, ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: ટીવી પર આજના યુગમાં એક પછી એક અલગ-અલગ પ્રકારના રિયાલીટી શો આવતાં રહે છે. આવા શો થકી કોઇપણ બાળકો, યુવાનો, યુવતિઓ અને મોટેરાઓને પોતાની અંદર રહેલી ગાયન, ડાન્સ અને અભિનયની ક્ષમતાને દુનિયા સમક્ષ ઉજાગર કરવાની તક મળે છે. આવા રિયાલીટી શો વધુને વધુ થવા જ જોઇએ, જેથી કોઇપણ વ્યકિત આવા શો થકી પોતાનું સપનુ પુરૂ કરી શકે...આ વાત કહી હતી બોલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને અનેક ડાન્સ રિયાલીટી શોમાં ભાગ લઇ ચુકેલા તેમજ હાલમાં જ આવા જ એક શોમાં જજ તરીકે જોવા મળતાં ધર્મેશ યેલાન્ડેએ. તેને લોકો ધર્મેશ સર કે ધર્મેશ 'ડી' તરીકે પણ ઓળખે છે. રાજકોટની ગ્લોબલ સ્કીલ એકેડેમી દ્વારા શહેરના છાત્રો અંદર રહેલી કોઇપણ પ્રકારની પ્રતિભાને ઉજાગર કરવા માટેના પ્રયાસ રૂપે સંસ્થા ચલાવવામાં આવે છે. હાલમાં આ એકેડેમીએ ત્રણ માસ માટે ડાન્સનો વર્કશોપ યોજ્યો હતો. જેમાં સતત દરરોજ બે કલાક સુધી ધર્મેશસરે ડાન્સ શીખવ્યો હતો અને આજે પત્રકારોને માહિતી આપી હતી.

ગ્લોબ સ્કીલના મેહુલ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં અને સોૈરાષ્ટ્રમાં રહેતાં છાત્રો ભણતરની સાથે ગણતરમાં પણ અવ્વલ રહે અને તેનામાં રહેલી અભ્યાસ સિવાયની બીજી પ્રતિભાઓ પણ ઉજાગર થાય એ માટે અમારી એકેડેમી સતત નવા નવા પ્રયાસો કરે છે. તે અંતર્ગત ત્રણ મહિનાનો ડાન્સીંગ વર્કશોપ યોજાયો હતો. જેમાં બુગી વુગી ટીવી શોના વિનર અને ડાન્સ ઇન્ડિયા ડાન્સ-૨ના રનર્સ અપ તથા  હાલમાં ડાન્સ પ્લસ શોમાં જજ તરીકે કામ કરતાં મુળ દક્ષિણ ગુજરાતના ધર્મેશ સરે દરરોજ બબ્બે કલાક સુધી ૯૮ સ્પર્ધકોને ડાન્સનું પ્રશિક્ષણ આપ્યું છે. આ વર્કશોપ ૨૫મીએ પુરો થશે.

ધર્મેશ સર તેની અનોખી હિપહોપ સ્ટાઇલને કારણે ખુબ જાણીતા છે. તેણે એબીસીડી- એબીસીડી-૨, નવાબજાદે, બેન્જો નામની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. ડાન્સ પ્લસ શોમાં તે મેન્ટર તરીકે પણ રોલ અદા કરી રહ્યા છે. ફિલ્મ તિસમારખાંમાં તેણે કોરિયોગ્રાફી પણ કરી હતી. વડોદરામાં તે ડી-વાયરસ ડાન્સ એકેડેમી ચલાવે છે. તેણે ગ્લોબલ સ્કીલ એકેડેમના નોલેજ પાર્ટનર તરીકે સેવા આપી છે. આજે બપોર બાદ તેણે એક ખાસ વર્કશોપમાં છાત્રોને ડાન્સ ટીપ્સ આપી ડાન્સીંગ ક્ષેત્રે કઇ રીતે કારકિર્દીનું ઘડતર થઇ શકે તેની માહિતી આપી હતી. રાજકોટના લોકો સ્કીલફૂલ બને તે માટે ગ્લોબલ સ્કીલ એકેડેમીના ફાઉન્ડર ડો. મેહુલ રૂપાણી, શ્રીમતિ શગુન વણઝારા, શ્રી રોમાંચભાઇ વોરા અને સમગ્ર ટીમ સતત પ્રયત્નશીલ રહે છે.

ધર્મેશ યેલાન્ડેએ જણાવ્યું હતું કે પોતે જે ૯૮ છાત્રોને ત્રણ મહિના સુધી ડાન્સની તાલિમ આપી છે તે જોતાં એક લાગે છે કે રાજકોટમાં એવી અનેક પ્રતિભા છે જે ડાન્સીંગ ક્ષેત્રે અને કોરિયોગ્રાફી ક્ષેત્રે આગળ વધવા સક્ષમ છે. પરંતુ આ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ખુબ મહેનત કરવી પડે છે. મેં પોતે ૧૮ વર્ષ સુધી સખ્ત પરિશ્રમ કર્યો છે ત્યારે આજે સફળતા મળી છે. હજુ પણ હું સંઘર્ષ કરી રહ્યો છું. ધર્મેશ સર તરીકે ખ્યાતિ મેળવનારા આ કોરિયોગ્રાફરે આગળ કહ્યું હતું કે રાજકોટમાંથી કોઇ ડાન્સીંગ ક્ષેત્રે આગળ વધશે અને પોતાની સંપુર્ણ ક્ષમતા દેખાડશે તો હું મુંબઇમાં તે કારકિર્દી ઘડી શકે તેમાં ચોક્કસ માર્ગદર્શન આપીશ. રિયાલીટી શો બાબતે તેણે કહ્યું હતું કે આવા શો વધુને વધુ થવા જોઇએ. કેમ કે તેના થકી કોઇપણ વ્યકિત પોતાની પ્રતિભા ક્ષમતા દુનિયા સમક્ષ મુકી શકે છે.

(3:35 pm IST)