Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોના સામે જંગ જીતવા મ.ન.પા. મેદાને : ૧૨૦૦ ટીમ દ્વારા ઘેર-ઘેર સર્વે : ખાનગી શાળાના શિક્ષકો જોડાયા

રાજકોટ : કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવાના પ્રયાસો વધુ સતેજ કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી અધિકારીઓ અને કર્મચારીઓની બનેલી કુલ ૧૨૦૦થી વધુ ટીમોને શહેરમાં ઉતારવામાં આવી છે. આ ટીમો ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી રહી છે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, આ ટીમો દ્વારા દરેક વોર્ડને આવરી લેવામાં આવી રહયા છે. દરેક વોર્ડમાં આ ટીમો ઘેર ઘેર જઈને સર્વે કરી રહી છે. જે તે ઘરમાં કેટલા સદસ્યો રહે છે અને તેમાં ૬૦ વર્ષથી મોટા અને ૧૦ વર્ષથી નાની ઉમરના કેટલા સભ્યોની તેની માહિતી પણ મેળવે છે. ઘરમાં કોઈને શરદી કે તાવ, કે ઉધરસ કે પછી અન્ય કોઈ મોટી બીમારી છે કે કેમ તેની જાણકારી પ્રાપ્ત કરે છે. આ સર્વેલન્સની કામગીરીમાં શહેરની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકોનો ખુબ મોટો ફાળો મળ્યો છે. જેમાં દરેક શિક્ષકે ૧૦ ઘરની જવાબદારી ઉઠાવી છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્રોની ઓ.પી.ડી., સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી., ઉપરાંત ૧૦૪ સેવા રથ, ૧૦૮ અને પ્રાઈવેટ તબીબો પાસેથી ઇન્ફેકશન ધરાવતા વ્યકિતઓની માહિતી મેળવવામાં આવી રહી છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

(3:56 pm IST)