Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ખાનગી કોવિડ હોસ્પીટલોમાં કલેકટર તંત્ર ત્રાટકયુઃ ઓચિંતુ ચેકીંગ

સ્ટર્લીંગ-દોશી હોસ્પીટલ સહીતના કોવિડ સેન્ટરોમાં, ચાર્જ, સારવાર, સ્વચ્છતા, સાધનો સહીતની બાબતોની ખાનગી રીતે ચકાસણી કરાવતા પૂર્વ મામલતદાર દંગી

રાજકોટ તા.૪ :કોરોના કહેર વચ્ચે શહેરની કેટલીક ખાનગી કોવિડ હોસ્પીટલોમાં દર્દીઓ પાસેથી વધુ ચાર્જ લેવાતો હોવાની ફરિયાદો ઉઠવા પામતા આજે કલેકટર તંત્રએ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓચિંત ચેકીંગ કરાવ્યું હતું.

આ અંગે કલેકટર તંત્રમાંથી પ્રાપ્ત સત્તાવાર માહીતી મુજબ આજે સવારે ૧૧ વાગ્યાથી પૂર્વ મામલતદાર શ્રીદંગી એ સ્ટર્લીંગ હોસ્પીટલ, દોશી હોસ્પીટલ સહીતની ૬ જેટલી ખાનગી કોવિડ હોસ્પીટલ-કોવિડ સેન્ટરોમાં ખાનગી રીતે ડમી વ્યકિતઓને મોકલીને આવી હોસ્પીટલોમાં સારવાર કેવી રીતે થાય છે. હોસ્પીટલોમાં પુરતા સાધનો જેમ કે વેન્ટીલેટર-ઓકસીઝન છે કે નહી, સ્વચ્છતા છે કે નહી, દર્દીને આરોગ્ય પ્રદ ભોજન અપાય છે કે કેમ? વગેરે તમામ બાબતોનું ઝીણવટભર્યું ચેકીંગ કરાવ્યું હતું.

આ ચેકીંગ બાદ તેનો ખાનગી અહેવાલ તૈયાર કરી અને જયાં-જયાં ક્ષતીઓ દેખાઇ હશે તે ખાનગી કોવિડ સેન્ટરોને નોટીસ અને દંડ સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

(3:48 pm IST)