Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રૂડાની ટી.પી. સ્કીમ નં. ૪૩ (વાજડી-વડ)ની પુનઃ રચનાનો કાલે બોર્ડમાં પરામર્શ

કાલે રૂડાની બોર્ડ બેઠકમાં મટીરિયલ ટેસ્ટીંગ લેબોરેટરી : પરાપીપળિયા, વાજડી ગઢ, શાપર વેરાવળમાં ટી.પી. સ્કીમો બનાવવા રાજકોટ મ.ન.પા.ને ડેવલપમેન્ટ પ્લાન (પાર્ટ) ઝોન સર્ટી, અભિપ્રાય આપવાની સત્તા આપવા સહિતની દરખાસ્તોનો નિર્ણય

રાજકોટ તા. ૪ : આવતીકાલે રૂડા (રાજકોટ રૂરલ ડેવલપમેન્ટ ઓથોરીટી)ની બોર્ડ બેઠક યોજાનાર છે. જેમાં ચાર નવી ટી.પી. સ્કીમો બનાવવા તથા વડ-વાજડીની ટી.પી.-૪૩ની પુનઃ રચનાનાં પરામર્શ કરવા સહિતની ૧૧ દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

આ અંગે રૂડા દ્વારા પ્રસિધ્ધ થયેલ એજન્ડામાં દર્શાવ્યા મુજબ કાલે તા. ૫ના રોજ ૧૧ વાગ્યે રૂડા કચેરી ખાતે બોર્ડ બેઠક યોજાનાર છે.

જેમાં રૂડા દ્વારા તૈયાર કરાયેલી રૂડા વિસ્તારની મંજુર થયેલી ડ્રાફટ ટી.પી. સ્કીમ નં. ૪૩ (વાજડી-વડ)ની પ્રારંભિક યોજનાની ટી.પી.ઓ દ્વારા તૈયાર કરાયેલ કામ ચલાઉ પુનઃ રચનાની દરખાસ્તોને પરામર્શ આપવા બાબત તેમજ સત્તા મંડળના સમગ્ર શહેરીકરણ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજનાઓ (૭૬-પરાપીપળિયા, ૭૭-વાજડીગઢ, ૭૮- શાપર, ૭૯-વેરાવળ) બનાવવા બાબતે.

ઉપરાંત રૂડા બોર્ડ બેઠક નં. ૧૦૮ના ઠરાવ નં. ૧૧૮૯ની જોગવાઇ મુજબ સોઇલ ટેસ્ટીંગ તથા મટીરીયલ્સ ટેસ્ટીંગ લેબોરેટરી અંગેની માન્યતા આપવા સબબની નિમાયેલ કમિટિના મેમ્બર્સમાં સુધારો થવા બાબત તથા સોઇલ ટેસ્ટીંગ તથા મટીરીયલ ટેસ્ટીંગ લેબોરેટરીની માન્યતા આપવા સબબની નિર્ધારીત થયેલ લાયકાત ઉપરાંત એન.એ.બી.એલ.નો ઉમેરો થવા બાબત તથા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર માટેના ડી.પી. પાર્ટ પ્લાન તથા ઝોન સર્ટી, ઝોન અભિપ્રાય વિગેરે જાહેર જનતાને આપવા અંગેની સત્તા રાજકોટ મહાનગરપાલિકાને આપવા બાબતે.

સત્તા મંડળમાં રજુ થતાં લે-આઉટ પ્લાન, બાંધકામ પ્લાન, સબ-પ્લોટીંગ પ્લાન તથા એમાલગમેશન પ્લાન વિગેરેમાં સરકારી - અર્ધસરકારી કચેરીના વાંધા પ્રમાણપત્ર ન મળતા ના-મંજુર થયેલ વિકાસ પરવાનગીના પ્રકરણો એક વર્ષ સુધીમાં પુનઃ રજુ થતાં ચકાસણી ફી ન વસુલવા બાબત.

સત્તામંડળની ૨૪ ગામોની પાણી પુરવઠા યોજનાના પાર્ટ-૨માં સમાવિષ્ટ થતા હેડવર્કસ બનાવવા માટે મુંજકા ગામે ટી.પી.-૧૭ના ફા.પ્લોટ-૮૧ની ફાળવણી કરવા બાબત.

માધાપર અને ઘંટેશ્વર ગામો રાજકોટ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા એસજેએમએમએસવીવાય ગ્રાન્ટ અંતર્ગત રૂડા દ્વારા આયોજીત ૨૪ ગામોની પાણી પુરવઠા યોજના પૈકી ફેરફારો થતા પાંચ ગામો પરાપીપળીયા, ન્યારા, ખંઢેરી, બાધી અને નારણકા ગામો માટે અલગથી પાઇપલાઇન તથા ઇન્ફ્રાસ્ટ્રકચર વિગેરેની કામગીરી કરવાની થતી હોય, મંજુરી આપવા બાબત અને સત્તામંડળ વિસ્તારમાં રીંગ રોડ-૨, ફેઝ-૨ની પથરેખામાં આવેલ ચે. ૮૨૭૫ પરના બ્રીજમાં કરવાની થતી વધારાની કામગીરીને બહાલી આપવા બાબત સહિત ૧૧ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાશે.

(3:12 pm IST)