Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અ...ર...ર...કાળમુખા-કોરોનાએ હદ કરીઃ સ્મશાને અગ્નિ સંસ્કાર માટે કન્ટ્રોલ રૂમ શરૂ કરવો પડયો

રામનાથપરા સ્મશાને લાઇનો લાગી રહી હોઇ મ્યુ.કોર્પોરેશને તાત્કાલીક કંટ્રોલ રૂમ શરૂ કર્યોઃ ખાસ અધિકારીને ફરજ સોંપી : શહેરના ૪ મુખ્ય સ્મશાનોમાં જયાં ઓછી સંખ્યા હશે ત્યાં મૃતદેહ લઇ જવા કોવિડ હોસ્પીટલોને સુચના અપાશે

રાજકોટતા. ૪ : શહેરમાં કોરોનાથી મૃત્યુ દર અચાનક વધ્યો હોવાની પ્રતિતિ અંગે તંત્ર વાહકોને થવા લાગતા હવે સ્મશાન માટે ખાસ અધિકારીની નિમણુંક કરી અને કંટ્રોલ રૂમ શરૂ કરાયાનું સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ સિવિલ તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દરરોજ ૧પ થી વધુ રાજકોટના કોરોના દર્દીઓનો કોરોના ભોગ લઇ રહ્યો છે. ત્યારે શહેરના ૪ જેટલા મુખ્ય સ્મશાનોએ મૃતદેહોની લાઇનો લાગે છે.

રામનાથપરા મુકિતધામ કે જયાં મોટાભાગના લોકો અંતિમ વિધી માટે જતા હોય છે તેથી આ સ્મશાનમાં મૃતદેહોનું ભારણ વધી ગયું છે.

દરમિયાન આવી પરિસ્થિતિમાં અંધાધૂંધી સર્જાય નહી તે માટે સ્મશાનોમાંઅંતિમ વિધી માટે મ્યુ.કોર્પોરેશનેે ઇતિહાસમાં પહેલી વાર ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવો પડયો છે

આજથીજ સ્મશાન માટે ખાસ કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે. આ માટે ખાસ અધિકારીની પણ નિમણુંક કરાઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોવિડ હોસ્પિટલમાં જે કોઇ કોરોના દર્દીનું મૃત્યુ થશે તે દર્દીની અંતિમ વિધી માટે કોવિડ હોસ્પીટલો  એ મ્યુ.કોર્પોરેશનના કંટ્રોલરૂમનો સંપર્ક કરવો પડશે અને કંટ્રોલ રૂમ દ્વારા શહેરના ૪ મુખ્ય સ્મશાનો જેમ કે (૧) રામનાથપરા (ર) ૮૦ ફુટ રોડ સરદાર પટેલ સ્મશાન ગૃહ(૩) મવડી સ્મશાન (૪) મોટામૌવા સ્મશાન આ ચાર પૈકી જયા મૃતદેહોની સંખ્યા ઓછી હશે ત્યાંજ કોરોનાથી મૃત્યુ પામેલ વ્યકિતની સુચના અપાશે અંતે તે મુજબજ કોરોના મૃતકોની અંતિમ વિધી થશે.

આમ હવે શહેરમાં હવે મૃતદેહોની અંતિમવિધી માટે પણ ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવો પડયો તેટલી હદે કોરોના બેકાબુ બન્યો છે.

(2:54 pm IST)