Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સિવિલમાં ડોમ ઉભો કરી નવી કોવિડ ઓપીડી ચાલુ કરાઇઃ ૮ વધારાની એમ્બ્યુલન્સની સુવિધા

ઓપીડીમાં કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ બેસશેઃ સામાન્ય લક્ષણો હશે તો સીધા દર્દીને સમરસમાં મોકલાશેઃ વોર્ડ ૭, ૧૦,૧૧માં અને બાદમાં જરૂર જણાયે કોવિડમાં દાખલ કરાશેઃ આરોગ્ય સચિવ જયંતિ રવિની સુચના મુજબ ધમધમાટ : કુલ ત્રણ કેસ બારી શરૂ થઇઃ સુરક્ષા માટે વધારાના પાંચ નિવૃત આર્મીમેન મુકાયા

કોવિડના એન્ટ્રી ગેઇટ પાસે જ વિશાળ ડોમ ઉભો કરી નવી ઓપીડી ચાલુ કરવા તૈયારી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૪: શહેરમાં કોવિડના વધી રહેલા દર્દીઓ અને વધી રહેલા મૃત્યુઆંકને પગલે આરોગ્ય સચિવ જયંતિ રવિ પાંચ દિવસથી રાજકોટમાં છે. દરરોજ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર, કલેકટર તંત્ર, સિવિલ હોસ્પિટલ તંત્ર અને જીલ્લા આરોગ્ય તંત્રવાહકો સાથે બેઠકો યોજી કોરોના મહામારીનું સંક્રમણ કાબુમાં લેવા બેઠકો યોજી તે મુજબના પગલા લેવડાવી રહ્યા છે.  અનલોક-૪માં વધુ છુટછાટો આપવામાં આવી હોઇ અને ટેસ્ટનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું હોઇ એ જોતાં કેસ વધવાની શકયતા છે. સિવિલ હોસ્પિટલમાં જેટલા બેડની સુવિધા છે એ સામે વધુ ૫૦૦ બેડની હોસ્પિટલ અગાઉ સમરસ હોસ્ટેલમાં પણ શરૂ કરી દેવામાં આવી છે. સિવિલના કોવિડના એન્ટ્રી ગેઇટ સામે જ વિશાળ ડોમ ઉભો કરીને ત્યાં જ નવી ઓપીડી આજથી ચાલુ કરી દેવામાં આવશે. જેમાં નવા દર્દીઓનું પરિક્ષણ કરાશે અને જો પોઝિટિવ આવ્યે પ્રાથમિક લક્ષણો જણાશે તો સીધા સમરસ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

જાણવા મળ્યા મુજબ આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ કોવિડની વારંવાર મુલાકાત લઇ જરૂરી સુચનાઓ આપવાની સાથે ખુટતી સુવિધાઓની નોંધ પણ લીધી હતી. ઓપીડી એક જ હોઇ અને કેસ બારી પણ એક જ હોઇ વધારાની ઓપીડી કોવિડ સેન્ટરના મુખ્ય એન્ટ્રી ગેઇટ બહાર વિશાળ ખાલી જગ્યામાં ચાલુ થઇ શકે કે કેમ? તેની માહિતી મેળવી હતી અને રાતોરાત ડોમ ઉભો કરાવી નવી ઓપીડી ચાલુ કરવા સુચના આપતાં આજે આ ડોમ ઉભો કરી દેવામાં આવ્યો છે. બપોર બાદ નવી ઓપીડી પણ અહિ શરૂ થઇ જવાની શકયતા છે.

કોવિડમાં પહેલા એક જ કેસ બારી હતી તેની સંખ્યા પણ વધારીને ૩ કરી દેવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ કોવિડ કેમ્પસમાં ઉભી કરાયેલી ઓપીડીમાં મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ તેમજ સિવિલના તબિબો અને લેબોરેટરી ટેકનીશિયન તથા આસીસ્ટન્ટ સહિતની ટીમ બેસશે. આ ટીમ નવા આવતાં શંકાસ્પદ દર્દીઓની ચકાસણી કરી જરૂર જણાયે ટેસ્ટ કરશે અને જો પોઝિટિવ આવે અને સાવ સામાન્ય લક્ષણ હોય કે લક્ષણો જ ન હોય તો ડાયરેકટ સમરસ હોસ્પિટલમાં જે તે દર્દીને મોકલવામાં આવશે. એ પછી જરૂર જણાયે સિવિલના વોર્ડ નં. ૭, ૧૦ અને ૧૧ કે જેને કોવિડ વોર્ડમાં તબદિલ કરાયા છે તેમાં દાખલ કરાશે. કોવિડની અંદરની ઓપીડી તો ચાલુ જ રહેશે.

આ ઉપરાંત દર્દીઓની સુવિધા માટે બે નવી અને છ બહારથી મળી વધારાની ૮ એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે અને સિકયુરીટીની ટીમ, પોલીસની ટીમ ઉપરાંત વધારાના પાંચ નિવૃત આર્મીમેનને પણ અહિ ફરજ પર મુકવામાં આવ્યા છે. તબિબી અધિક્ષક ડો. પંકજ બુચ, એડી. સુપ્રિ. ડો. મુકેશ પટેલ, આરએમઓ ડો. મહેન્દ્ર સી. ચાવડા અને તમામ ટીમો આરોગ્ય સચિવશ્રી તથા કલેકટરશ્રીની સીધી દેખરેખ હેઠળ દર્દીઓને વધુને વધુ સુવિધા મળે અને દર્દીઓ વધુ સાજા થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

રાજકોટ સિવિલમાં દર્દીઓ વધતાં તબિબોની ખેંચ દૂર કરવા બહારના જીલ્લામાંથી ૩૦ તબિબને બોલાવાયા

રાજકોટ તા. ૪: સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં પાંચસો જેટલા દર્દીઓ અને અન્ય હોસ્પિટલમાં ત્રણસો જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સિવિલમાં જેટલા દર્દીઓ છે તેની સામે તબિબી સ્ટાફની ખેંચ ઉભી થાય તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિ સમક્ષ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ રજૂઆત કરતાં તાકીદે અન્ય જીલ્લાઓમાંથી તબિબોને રાજકોટ સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં મુકવા આદેશ કર્યો હતો.

અન્ય જીલ્લાઓમાંથી ત્રીસ તબિબોને રાજકોટ કોવિડની ફરજમાં પહોંચવા ઓર્ડર કાઢવામાં આવ્યા હતાં. જેમાં ચાર ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર (સીડીએચઓ) પણ સામેલ છે. બહારથી જે તબિબોને બોલાવવામાં આવ્યા છે તે મોટા ભાગે દક્ષિણ ગુજરાતના છે. ત્યાં કોરોના ઘણો કન્ટ્રોલમાં છે.

(11:39 am IST)