Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રેષ્ઠ શિક્ષણ એવોર્ડ વિજેતા અને રામકૃષ્ણ મિશનના આજીવન મુકસેવક મનસુખભાઈ મહેતાનું નિધન

અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલતી હતીઃ વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો તેમના વિદ્યાર્થી રહી ચુકયા છે

રાજકોટઃ આંબલા(જિ.જૂનાગઢ)નાં મૂળવતની એવા શ્રી મનસુખભાઈ હરજીવન મહેતા (ઉ. વર્ષ ૮૧)નું તા.૪નાં રોજ અમદાવાદ મુકામે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની ટૂંકી બીમારીના કારણે દુઃખદ અવસાન થયું છે.

તેઓ ઇ.સ.૧૯૬૦માં વિરાણી હાઈસ્કૂલમાં જોડાયા હતા. શિક્ષક અને આચાર્ય તરીકેની તેમની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈ ઈ.સ. ૧૯૯૦ માં રાજય સરકાર તથા ૧૯૯૪ માં કેન્દ્ર સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આજીવન રામકૃષ્ણ મિશનની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યાં હતા. વિવેકાનંદ સાહિત્ય પ્રકાશન, 'રામકૃષ્ણ જયોત' માસિક પત્રિકા, તેમજ અનેક પુસ્તકોનાં સંપાદન કાર્યમાં તેમણે સેવા આપી હતી. ઇ.સ. ૧૯૭૯ માં મોરબી ના જળહોનારત વખતે પણ વિરાણી હાઈસ્કૂલના શિક્ષકો અને સો વિદ્યાર્થીઓની ટુકડી દ્વારા બે માસ સુધી રાહતસેવાનું કાર્ય કરેલું. ઈ.સ.૧૯૮૬-૮૭-૮૮ માં કારમાં દુષ્કાળ વખતે પણ રામકૃષ્ણ આશ્રમ સાથે રહીને દુષ્કાળ રાહત સેવાની કામગીરી બજાવી હતી.

તેઓ છેલ્લા ત્રણ વર્ષથી જ્ઞાતિના પ્રમુખ હતા. અને અનેક સામાજિક પ્રકલ્પોમાં પણ તેઓ વિવિધ હોદ્દા ઉપર રહી આર્થિક સહાય પૂરી પાડતા હતા. કોરોનાની મહામારીમાં સરકારશ્રી તરફથી આર્થિક સહયોગ ની અપીલ થતાં જ તેમણે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેમાં આર્થિક યોગદાન આપ્યું હતું. તેમજ જ્ઞાતિનાં જરૂરિયાતમંદ વ્યકિતઓને પણ આર્થિક સહાય પૂરી પાડતા હતા.

રામકૃષ્ણ આશ્રમમાં તેઓ છેલ્લા પચાસ વર્ષથી અવિરત નિસ્વાર્થ સેવા આપી રહ્યા હતા. આચાર્ય તરીકેની કારકિર્દી દરમિયાન અને નિવૃત્તિ બાદ પણ રામકૃષ્ણ જયોત થી માંડીને પ્રકાશન વિભાગની મોટાભાગની જવાબદારી વર્ષોથી સંભાળી રહેલા મનસુખભાઈ છેલ્લા અઠવાડિયા સુધી સતત પ્રવૃત્તિમય હતા.

તેમને આવી પડેલ આ બીમારીમાંથી ઉગારવા રામકૃષ્ણ આશ્રમ રાજકોટનાં અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી, તેમજ સ્વામિનારાયણ ગુરૂકુળ-રાજકોટ દ્વારા પ્રાર્થનાં માટે અપીલ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક અગ્રણીઓ પણ તેમના વિદ્યાર્થી રહી ચૂકયા છે અને અવારનવાર તેમના સમાચાર મેળવતા રહેતાં હતાં.

તેઓ ભારતભરમાં અને વિદેશમાં પણ તેમના વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં અપાર ચાહના ધરાવતા હતા. સમગ્ર વિરાણી હાઇસ્કુલ પરિવાર તેમની તબિયત અંગે સતત ચિંતિત હતો - પ્રાર્થના કરતો હતો.

રાજકોટના અનેક નામાંકિત ડોકટરો જેવા કે ડો. કમલ પરીખ, ડો. રાજેશ તેલી, ડો. અવિનાશ મારુ, ડો. નિશિથ વ્યાસ, ડો. અનિલ ત્રાંબડીયા વગેરેએ મનસુખભાઈ ને પિતાતુલ્ય આદર આપી જીવનભર તેમનાં સ્વાસ્થ્ય માટે સતત કાળજી રાખી હતી.

(12:22 pm IST)