Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સાહેબ, આ લોકોને છોડતાં નહિ...ભગવતી હોલે બેસીને આવો જ ધંધો કરે છે...હું આપઘાત કરુ છું: જમિલના બળાત્કારનો ભોગ બનેલી યુવતિએ ચિઠ્ઠી લખી જીવ દીધો

હનુમાન મઢી શિવપરાના જમિલે ૨૧ વર્ષની યુવતિને સતત ધમકીઓ દઇ ધરાર સંબંધ રાખવા મજબૂર કરી...રિલેશન કરાર કર્યા...ત્રણ દિવસ ગોંધી રાખી સતત બળાત્કાર ગુજાર્યોઃ યુવતિની સગાઇ થઇ તો તે તોડાવવા તેના મંગેતરને-દિયરને પણ ધમકીઓ દીધી...અસહ્ય ત્રાસથી અંતે યુવતિએ આપઘાત કર્યોં : યુનિવર્સિટી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરીઃ શિવપરાના હાલ દૂધની ડેરી પાસે રહેતાં જમિલ બસીરભાઇ સોલંકી (ઉ.૨૧), તેની માતા અસ્માબેન, જમિલના મિત્ર અને એક વકિલ સામે ધમકી-ગોંધી રાખી બળાત્કાર અને મરી જવા મજબૂર કરવાનો ગુનો નોંધ્યોઃ જમિલ અને તેની માતા અસ્મા સોલંકીની ધરપકડ : યુવતિએ લખ્યું-હું મહેંદી મુકવા બહેનપણી સાથે ગઇ ત્યારે જમીલે મને જોઇ હતી...એ પછી સતત પાછળ પડી ગયો'તો, મારા ભાઇને મારી નાંખવાની સતત ધમકી આપતો હતોઃ મને છેતરીને કોર્ટએ લઇ જઇ ધરાર કરાર કરાવી લીધા'તાઃ બે વર્ષથી મને હેરાન કરતો હતોઃ મારા પિતાજીની રાજકોટમાં સારી આબરૂ છે, તેની આબરૂને ધક્કો પહોંચાડ્યો છે...મારા મમ્મી-પપ્પા કે સાસરિયાનો વાંક નથી : પોલીસે જમિલ અને તેની માતા અસ્મા બસીરભાઇ સોલંકીની ધરપકડ કરી હતી : પોલીસે જેની ધરપકડ કરી તે જમિલનો ફાઇલ ફોટો યુવતિના પરિવારજનોએ આપ્યો હતો

ઘટનાની વિગતો જણાવી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, પી.આઇ. આર.વાય. રાવલ યુનિવર્સિટી પોલીસ મથકની ટીમ સાથે નજરે પડે છે

પરમ દિવસે ગાંધીગ્રામ વિસ્તારમાં ગળાફાંસો ખાઇ ૨૧ વર્ષની યુવતિએ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં ચોંકાવનારો લવજેહાદ જેવો કિસ્સો સામે આવ્યો છે. આપઘાત કરનાર યુવતિના પિતાની ફરિયાદ પરથી પોલીસે હનુમાન મઢી પાસે શિવપરામાં રહેતાં મુસ્લિમ યુવાન, તેની માતા, મિત્ર તથા એક વકિલ સામે ગુનો નોંધી મુસ્લિમ માતા-પુત્રની ધરપકડ કરી છે. આરોપી યુવાને યુવતિના ભાઇને મારી નાંખવાની ધમકી દઇ ધરાર સંબંધ રાખવા મજબૂર કરી  હતી. ધરમનગરના કવાર્ટરમાં લઇ જઇ ત્રણ દિવસ ગોંધી રાખી બળાત્કાર ગુજારતાં અને તેણીની સગાઇ તોડાવી નાંખવા ધાકધમકી આપતાં તેમજ અગાઉ મામલો પોલીસમાં પહોંચ્યો ત્યારે વકિલે પણ ધમકી આપ્યાનું અને મુસ્લિમ યુવાન તથા તેનો મિત્ર કહે તે રીતે નિવેદન આપવા ધમકાવ્યાનો અને છેલ્લે આ બધાના ત્રાસથી તેણી મરી જવા મજબૂર થયાની ચોંકાવનારી વિગતો ફરિયાદમાં જણાવાઇ છે.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે મુળ પાળીયાદના હાલ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં ૫૪ વર્ષના પ્રોૈઢની ફરિયાદ પરથી   રૈયા રોડ હનુમાન મઢી પાસે ભગવતી હોલવાળી શેરીમાં શિવપરા-૨માં રહેતાં જમીલ બસીરભાઇ સોલંકી (ઉ.૨૩-હાલ રહેઠાણ-દૂધ સાગર રોડ લાખાજીરાજ સોસાયટી-૨, ફારૂકી મસ્જીદ પાસે) તથા તેના માતા અસ્માબેન બસીરભાઇ સોલંકી, જમીલનો મિત્ર તથા એક વકિલ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૬, ૩૭૬, ૩૪૩, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ધમકી, બળાત્કાર, ગોંધી રાખી બળાત્કાર ગુજારવાનો અને ધાકધમકીઓ આપી મરી જવા મજબૂર કરવાનો ગુનો નોંધી એક આરોપી જમીલની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

આપઘાત કરનારના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. જેમાં આપઘાત કરનાર દિકરી  સોૈથી નાની હતી. તેની સગાઇ ગયા મે મહિનામાં જ રાજકોટના એક ગામના યુવાન સાથે કરી હતી. સગાઇ બાદ જમાઇએ મારી કિદરીને ફોન લઇ દીધો હતો. અમે આજથી પોણા બે વર્ષ પહેલા મઢી પાછળ શિવપરામાં  રહેતાં હતાં. તે વખતે વિમાના કામ માટે અમે મારા બધા છોકરાઓના ડોકયુમેન્ટ તપાસતાં ફાઇલમાં મારી દિકરીનું લિવીંગ સર્ટીફિકેટ જોવા મળ્યું નહોતું. મારી દિકરીને પુછતાં તેણે રડતા રડતાં જણાવેલ કે હું ઘરકામ માટે જતી ત્યારે પડોશી જમાલ પાછળ પાછળ આવતો હતો અને પરાણે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો. તે એવી ધમકી પણ આપતો હતો કે જો તું પ્રેમસંબંધ નહિ રાખ તો તારા ભાઇને મારી નાંખશી. એ પછી તેણે મારા ડોકયુમેન્ટ માંગતા મેં મારા કાગળો તેને આપ્યા છે. દિકરીએ આ વાત કરતાં અમે જમીલને સમજાવવા તેના ઘરે ગયા હતાં ત્યારે તેના માતા અને જમીલે ઝઘડો કર્યો હતો અને તેની માતાએ કહ્યું હતું કે તમારી દિકરીને મારા દિકરા સાથે પ્રેમસંબંધ છે. તેણે મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

અમે જમીલ અને અસ્માબેનને મારી દિકરી સાથે આવું નહિ કરવા સમજાવ્યા હતાં. પરંતુ જમીલે હેરાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. જેથી અમે ઘર બદલાવીને બીજે રહેવા જતાં રહ્યા હતાં. આ પછી પણ મારી દિકરી કામકાજ માટે બહાર જતી તો જમીલ પાછળ પાછળ આવી હેરાન કરતો હતો અને ધરાર પ્રેમસંબંધ રાખવા હેરાન કરતો હતો. સમાજમાં આબરૂ ન જાય એ માટે અમે ફરિયાદ કરી નહોતી. આજથી ચારેક મહિના પહેલા અમે દિકરીની સગાઇ કરતાં જમીલ મારી દિકરીને સાથે લઇ ગયો હતો. એ વખતે અમે ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરી હતી.  ત્રણ દિવસ પછી દિકરી અને જમીલ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતાં. ત્યારે જમીલની ધાકધમકીથી મારી દિકરીએ રાજીખુશીથી જમીલ સાથે લિવ રિલેશનશીપ કરાર કર્યાનું અને હવે પોતે માવતરને ત્યાં જવા નહિ માગતી હોવાનું કહેતાં તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઇ હતી.

પંદરેક દિવસ પછી નારીગૃહમાંથી ફોન આવ્યો હતો કે તમારી દિકરી તમારા ઘરે પાછી આવવા માંગે છે. જેથી અમે તેણીને તેડી લાવ્યા હતાં. તે વખતે દિકરીએ કહ્યું હતું કે જમીલ અને તેના મિત્રએ ધમકાવતાં તેણે તેના કહેવા મુજબનું નિવેદન આપ્યું હતું. સગાઇ થયા પછી જમીલે અમારા જમાઇને ફોન કરવાનું ચાલુ કરી સગાઇ તોડી નાંખવા ધાકધમકીઓ આપવાનું શરૂ કર્યુ હતું. તે અમારા જમાઇને મારવા માટે પણ ગયો હતો.

ફરિયાદી પિતાએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે છેલ્લે તા. ૨/૯ના રોજ હું ગઢડીયા મંદિરે ગયો હતો ત્યારે સાંજના સમયે મારી દિકરીએ ગળફાંસો ખાઇ લીધાની મને જાણ થતાં હું પરત આવ્યો હતો. ૧૦૮ આવી હતી અને તેના ડોકટરે મારી દિકરીને મૃત જાહેર કરી હતી. એ પછી પોલીસ આવતાં તપાસ કરતાં સિલાઇ કામના હિસાબના ચોપડામાં મારી દિકરીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે- 'પોલીસ કમિશનર તથા ભટ્ટભાઇ આજથી બે વર્ષ પહેલા બહેનપણી હું બહેનપણી સાથે મહેંદી મુકવા ગઇ ત્યારે ત્યાં જમીલ હતો અને મળ્યો હતો. ત્યારથી તે મારી પાછળ પડી ગયો હતો. હું બજારમાં નીકળુ તો મને જોઇને પાછળ આવતો હતો અને કહેતો હતો કે કેમ મારી સાથે વાત નથી કરતી? એ પછી વારંવાર તે મારા ભાઇને મારી નાંખવાની ધમકી આપતો હતો. જેથી હું ડરી ગઇ હતી. તે મને ધમકીઓ આપી ફોન પર વાત કરવા મજબૂર કરતો હતો. બે વર્ષથી મને ખુબ હેરાન કરતો હતો. મારી સગાઇ થઇ ગઇ પછી પણ મારી પાછળ પડી ગયો હતો. મારા ભાઇને એ મારી નાંખશે તેની ખુબ બીક લાગતી હતી. જેથી જમીલે જેમ કહ્યું એમ મેં કર્યુ. ત્યારપછી તમામ ડોકયુમેન સાથે લઇ આવવા કહ્યું હતું અને હું તેની સાથે વાત કરવા ગઇ તો તે અને તેનો મિત્ર ગાડી સાથે ઉભા હતાં. હું વાત કરું એ પહેલા મને ગાડી વચ્ચે બેસાડી કોર્ટમાં લઇ ગયા હતાં અને રિલેશન કરાવી મને ધરમનગર કવાર્ટરમાં ત્રણ દિવસ ગોંધી રાખી વારંવાર મારા પર બળાત્કાર કર્યો હતો. એ પછી ગાંધીગ્રામ પોલીસ ચોકીએ આવ્યા ત્યારે અગાઉથી મને વકિલે કહ્યું હતું કે જમીલ અને તેની મા નિવેદન કહે એ જ રીતે જ લખાવજે નહિતર ૧૦ વર્ષની સજા કરાવીશ. જેથી મને એક બાજુ મારા ભાઇને મારી નાંખવાની ધમકીની બીક લાગતી હતી અને બીજી બાજુ વકિલની બીક લાગતાં એ લોકોએ કહ્યું તેમ મેં કર્યુ હતું અને પોલીસ ચોકીમાં ખોટા નિવેદન લખાવ્યા હતાં. વકિલ, જમીલ અને તેની માએ મજબૂર કરેલ. તેમ ન કરું તો મારા ભાઇના જીવ પર જોખમ હતું. આ બધું થવા છતાં જમીલ અને તેનો મિત્ર મારા સસરા પક્ષમાં મેસેજ અને ફોન કરતાં હતાં. મારા દેરને પણ જમિલ અને તેનો મિત્ર મારવા ગયા હતાં, સગાઇ તોડાવવા. આ બધી શરમથી હું થાકી ગઇ હતી. મારા પપ્પાની રાજકોટમાં ખુબ સારી આબરૂ છે. એમની આબરૂને ધક્કો પહોંચાડેલ છે. અમે મારા ભાઇને પણ ભગવતી હોલ તરફ જવા દેતા નહિ, સાહેબશ્રી આ લોકોને છોડતાં નહિ, ભગવતી હોલે બેસીને આજ ધંધો કરે છે. આમા મારા મમ્મી-પપ્પાનો કોઇ વાંક નથી. હું આપઘાત કરુ છું.મારા સસરા પક્ષનો કોઇનો વાંક નથી. મારા મમ્મી પપ્પાનો દોષ નથી. લી. (યુવતિનું નામ અને અટક.)'

આ પ્રકારનું લખાણ ચિઠ્ઠીમાં લખેલું હતું. આ ચિઠ્ઠી પોલીસે કબ્જે કરી છે. આમ મારી દિકરીને જમિલ, તેની મા, જમિલના મિત્ર અને વકિલે ખુબ હેરાન કરી હોઇ તેમજ જમિલે ડરાવી ધમકાવી રિલેશન કરાર કરાવી તેમજ ધમકાવીને પોલીસ સ્ટેશનમાં પણ ખોટુ નિવેદન આપવા મજબૂર કરી હોઇ અને સગાઇ થઇ ગયા પછી સગાઇ તોડાવી નાંખવા માટે પણ સતત ત્રાસ આપ્યો હોઇ તેમજ મારી દિકરીને ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હોઇ તેણીએ કંટાળીને આપઘાત કરવા મજબૂર થઇ છે....તેમ ફરિયાદીએ અંતમાં જણાવ્યું છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પશ્ચિમ પી. કે. દિયોરા તથા ક્રાઇમ બ્રાંચ એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં ઇન્ચાર્જ પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. વી. રબારી, એચ. જે. બરવાડીયા, હેડકોન્સ. હરપાલસિંહ જસુભા, જયંતિભાઇ મેઘજીભાઇ, કોન્સ. લક્ષમણભાઇ, ગિરીરાજસિંહ, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, બ્રિજરાજસિંહ, પ્રદિપભાઇ સહિતની ટીમે બે આરોપી જમિલ બસીરભાઇ સોલંકી (ઉ.૨૩) અને તેની માતા અસ્મા બસીરભાઇ સોલંકી (ઉ.૬૫) (રહે. હાલ બંને દૂધની ડેરી પાસે લાખાજીરાજ સોસાયટી-૨)ની ધરપકડ કરી છે.  આ બનાવે ગાંધીગ્રામ-હનુમાનમઢી વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

(5:09 pm IST)
  • અંગત કારણોસર અમદાવાદ આવેલા ભારતના હોમ મિનિસ્ટર અમિત શાહ કેડી હોસ્પિટલમાં દાખલ : સામાન્ય સર્જરી કરાવવી પડે તેવી શક્યતા : સાંજે હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે access_time 12:55 pm IST

  • ત્યારે ચૂંટણી લડવાના ચક્કરમાં અલકા લાંબાના થયા હતા છૂટાછેડા :આમ આદમી પાર્ટીના બાગી ધારાસભ્ય અલકા લાંબા ફરીવાર કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળ વચ્ચે તેણીનું અંગત જીવન પણ ચર્ચામાં આવ્યું :કોંગ્રેસ સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર અલકા લાંબા એનએસયુઆઈથી કોંગ્રેસમાં મંત્રી સુધી રહી : 2014માં આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને ચૂંટણી જીતી :સીએમ અંગે એક નિવેદન કરતા કેટલાકે કહ્યું આટલું તો કેજરીવાલની પત્ની પણ અહીં જાણતી હોય :પતિ લોકેશકુમાર પણ રાજકીય મહત્વકાંક્ષા અને પરિવાર પ્રત્યે બેદરકારી અને ઘરને રાજકીય કાર્યાલય બનાવ્યાનો આરોપ લગાવી છૂટાછેડા આપી ચૂકયા છે access_time 12:53 am IST

  • રાત્રે ૯ વાગ્યે અમદાવાદમાં અડધો કલાક થયા અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. access_time 9:21 pm IST