Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

રાજકોટ, તા.૪: છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને બે વર્ષની સખત કૈદની સજા તથા રૂ.૧૦૦૦નો દંડ અદાલતે ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે તા.૨૭/૧૦/૨૦૧૩ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઇ ભીખુભાઇ પરમારે આરોપી દિલીપભાઇ ચંદુલાલ રાખૈયા વિરૂધ્ધ આઇ.પી.સી.કલમ ૩૨૪, ૫૦૪, તથા જી.પી.એકટની કલમ ૧૩૫ અન્વયે ફરીયાદ નોંધાવેલ.

પુર્વઆયોજીત કાવતરૂ હોય પોતાની  પાસે રહેલી છરી લઇ અને કલ્પેશભાઇ ઉપર જીવલેણ હુમલો કરતા કલ્પેશભાઇએ ભાગવાનો પ્રયત્ન કરેલ પરંતુ દિલીપે દોડી અને કલ્પેશભાઇ ઉપર ધારદાર છરી વડે ઘાતક હુમલો કરેલ અને છાતીમાં તથા પડખાના ભાગે ગંભીર ઇજાઓ કરેલ જેથી ઘણા બધા માણસો ભેગા થઇ જતા આરોપી ભાગી ગયેલ અને કલ્પેશભાઇને તેમના મિત્ર સંજયભાઇ તથા અન્ય વ્યકિતએ લોહીલુહાણ હાલતમાં સ્ટર્લીગ હોસ્પિટલમાં દાખલ કરેલ જયાં ફરજ પરના ડોકટર શ્રી મયુરભાઇ હરિભાઇ વાઘેલાએ કલ્પેશભાઇની સારવાર કરેલ. આ બનાવ અંગે ફરીયાદ નોંધાતા માલવીયાનગર પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.આર. મુછાળ સાહેબે તપાસ કરી સાહેદોની નીવેદનો લઇ તથા પંચનામાઓ કરી અને કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

સદરહું કેસ તાજેતરમાં કોર્ટમાં ચાલેલ અને આરોપીએ પોતાનો ગુનો કબુલ રાખેલ નહીં જેથી કોર્ટ દ્વારા ફરીયાદીને સમન્સ કરી હાજર થવા ફરમાન કરતા મુળ ફરીયાદી તરફે રાજકોટના વકીલશ્રી પીયુષભાઇ કારીયા રોકાયેલ હતા. મુળ ફરીયાદીએ તેની ફરીયાદ અનુસાર કોર્ટમાં જુબાની આપેલ અને બનાવ સમયે હાજર સાહેદ સંજયભાઇ ગોહેલ એ  પણ ફરીયાદીની ફરીયાદને સંપુર્ણ સમર્થન આપેલ.

આ ઉપરાંત સાહેદ તરીકે સ્ટર્લીગ હોસ્પિટલના ડોકટર શ્રી મયુરભાઇ વાઘેલાએ પણ ફરીયાદીને સમર્થન આપતી જુબાની આપેલ. આ તમામ સાહેદોની જુબાની તથા રેકર્ડ પરના તમામ પુરાવાઓને ધ્યાને લઇ તથા મુળ ફરીયાદી તરફે સરકારી વકીલશ્રી તથા એડવોકેટ શ્રી પિયુષભાઇ કારીયાની દલીલો તથા ફરીયાદ પક્ષે રજુ રાખેલ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઇ રાજકોટના જજ શ્રી એમ.એ.મકારાણીએ આરોપી દિલીપ કાનજીભાઇ રાખૈયાને આઇ.પી.સી. કલમ ૩૨૪ મુજબ તકસીરવાન ઠરાવી અને ૨ વર્ષની સખત કૈદ અને રૂ.૧૦,૦૦૦/નો દંડ ફટકારેલ છે.

આ કામે મુળ ફરીયાદી તરફે વકીલ શ્રી પિયુષ જે.કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા, સચીન એમ. તેરૈયા તથા કેવલ જે.પુરોહીત રોકાયેલ હતા.

(3:15 pm IST)