Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પુરવઠામંત્રીએ કહ્યું મફત તેલ મળશે..પણ પુરવઠાની સ્પષ્ટતા : એ ભૂલ છે : પ૦ રૂ.ના ભાવે ૧લીટર તેલ અપાશે

સ્પે. પરિપત્ર પણ ઉતારાયો : રાજકોટ શહેર-જીલ્લાના NFSA તમામ કાર્ડ હોલ્ડરોને તેલ-ખાંડનો જથ્થો અપાશે :રાજકોટના ર લાખ પ૯ કાર્ડ હોલ્ડરોને ફાયદો : તેલમાં રૂ. ૩૦ની સબસીડી : NFSA માં આવતા APL-1 કાર્ડ હોલ્ડર પણ આવરી લેવાશે : NFSAમાં ન હોય તેવા BPL કાર્ડ હોલ્ડરોને પણ લાભ

રાજકોટ, તા. ૪ : રાજયના પુરવઠામંત્રી સરકારે ગઇકાલે એવી જાહેરાત કરી કે ગરીબ કાર્ડ હોલ્ડરોને વિનામૂલ્યે ૧ લીટર કપાસીયા તેલ આગામી ર થી ૩ દિવસમાં અપાશે.

પરંતુ આ બાબતે મોટો હોબાળો સજાર્યો  કારણ કે પુરવઠા વિભાગે તા. ૧૭ જુલાઇના રોજ ઉતારેલ પરિપત્રમાં રાહત ભાવે તેલ આપવાની જાહેરાત કરી છે. ગઇકાલે મફત તેલ વિતરણની જાહેરાત થઇ, પરિણામે તમામ જીલ્લાના પુરવઠા અધિકારીઓ વિમાસણમાં આવી ગયા હતા. દુકાનદારોમાં દેકારો બોલી ગયો હતો, કારણ કે આ લોકો પાસે તેલના પૈસા પરમીટરૂપે ભરાવાયા છે.

આ દેકારો મચી જતા આજે બપોરે ૧ર વાગ્યાની આસપાસ અન્ન નાગરિક પુરવઠા નિયામક શ્રી ધોળકીયાએ સૂચના આપી છે કે તેલ વિતરણ મફત નહીં, પરંતુ ૧લીટરનાા રૂ. પ૦ લેખે તેલ વિતરણ થશે.

રાજકોટ પુરવઠાના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે ર થી ૩ દિવસમાં એનએફએસએમાં આવતા તમામ કાર્ડ હોલ્ડરો બીપીએલ, અંત્યોદય અને એપીએલ-  કાર્ડ હોલ્ડરોને તથા એનએફએસએમાં નહિ આવતા બીપીએલ કાર્ડ હોલ્ડરોને રૂ. પ૦ના ભાવે ૧ લીટર તેલ સાતમ-આઠમના તહેવારો સંદર્ભે અપાશે. હાલ બજારમાં કપાસીયા ૧ લીટરનો ભાવ રૂ. ૮૦ આસપાસ છે. આથી રૂ. ૩૦ સબસીડી જાહેર થઇ છે. આવી જ રીતે ઉપરોકત કાર્ડ હોલ્ડરોને તહેવારો સંદર્ભે વધારાની ૧ કિલો ખાંડ રૂ.૧પ અને રપ પૈસા લેખે અપાશે. રાજકોટ શહેર-જીલ્લામાં સાતમ-આઠમના તહેવારો અંગે કુલ ર લાખ પ૯ હજાર કાર્ડ હોલ્ડરોને આનો લાભ મળશે.

(3:53 pm IST)