Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કાલે અધ્યક્ષ સામેના કેસની સુનાવણી, પાદરિયાએ બે માસથી મુદત માંગી !

કોરોનાનું કારણ આપ્યું : મુદત ન મળે તો કાલે જ સુનાવણી

રાજકોટ, તા. ૪ : જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ કે.પી. પાદરિયાને લાંચ કેસમાં જેલવાસ ભોગવવા બદલ અધ્યક્ષ પદેથી શા માટે દુર ન કરવા?  તે પ્રકારની નોટીસ વિકાસ કમિશનરે આપી છે. તેની ઓનલાઇન સુનાવણી માટે આવતીકાલે તા. પ બપોરે ૧ર-૩૦ વાગ્યાનો સમય નકકી થયો છે. અધ્યક્ષે ઓનલાઇન જવાબ આપવા માટે બે માસની મુદત માંગી છે. સામાન્ય રીતે વ્યાજબી કારણમાં વ્યાજબી સમયની મુદત અપાતી હોય છે તેવું પંચાયતના વર્તુળોનું કહેવું છે.  અધ્યક્ષે લેખિત જવાબ અગાઉ રજુ કરી દીધો છે.

કારોબારી અધ્યક્ષે ર માસની મુદત માંગવા માટે કોરોનાની પરિસ્થિતિનું કારણ આપ્યું છે. હાલની પરિસ્થિતિમાં કાયદાકીય નિષ્ણાંતોનો સંપર્ક અને ચર્ચા થઇ શકતી ન હોવાથી મુદત જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે. જો વિકાસ કમિશનર એમ. જે. ઠક્કર  આ કારણને માન્ય રાખી મુદત ન આપે તો કાલ જ સુનાવણી થઇ જશે અને ટુંક સમયમાં ચુકાદો આવી જશે તેવા અત્યારના સંજોગો છે. નવેમ્બરમાં પંચાયતની સામાન્ય ચૂંટણી આવી રહી હોવાનું ઉલ્લેખનીય છે.

(3:51 pm IST)