Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રામજન્મભૂમિ માટે બલિદાન આપનારા ચારેય પીઠના જગદ્ગુરૂ શંકરાચાર્યજી મહારાજને આમંત્રીત નહિ તે ધર્મદ્રોહ સમાન

રામજન્મભૂમિ અંગે જગદ્ગુરૂ શંકરાચાર્યજીને આમંત્રીત નહિ કરાતા  તેમના રાજકોટના શિષ્યોએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૪ :.. શ્રી પૂજય જગદ્ગુરૂ શંકરાચાર્યજીના રાજકોટના શીષ્યોએ આજે કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, જગદ્ગુરૂ શંકરાચાર્યની પરંપરા રપ૦૦ વર્ષ જુની પરંપરા છે. જેના દ્વારા સનાતન વૈદિક આર્ય હિન્દુ ધર્મની રક્ષા માટે અનેક કાર્યક્રમો અને પ્રકલ્પો ચલાવાય છે. હાલમાં ભારતમાં આવેલી શંકરાચાર્ય સ્થાપિત ચાર પીઠોમાંથી જયોતિષપીઠ અને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય તરીકે અનંત શ્રીવિભૂષિત સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ પીઠાધીશ તરીકે બિરાજમાન થઇ સનાતનધર્મીઓનું માર્ગદર્શન કરે છે. જેમના કરોડો અનુનાયીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. અને સનાતની માન્યતા મુજબ શંકરાચાર્ય સાક્ષાત શિવસ્વરૂપ ગણાય છે. જેથી તેમના માટેની શ્રધ્ધા અને ભકિત સાક્ષાત ભગવાન શિવ જેવી જ હોય છે.

રામ જન્મભૂમિ માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ શ્રીરામ જન્મ પૂનરો દ્વાર સમિતિ બનાવી સુપ્રિમ કોર્ટ સુધી કેસ લડી, કોર્ટમાં પુરાવા રજૂ કરી સાબિત કરેલ છે કે,આ જ રામજન્મભૂમિ છે અને તે રીતે રામજન્મભૂમિ માટે પુરતો પ્રયાસ કરી મોટી લડત આપેલ છે. એટલું જ નહીં તેના માટે આંદોલન કરેલ છે. યાતરા કાઢેલ છે. જેલમાં ગયેલ છે એટલે કે સૌથી વધુ પ્રયત્ન કરનાર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ છે.

આમ સતત અને સળંગ રામજન્મભૂમિ માટે લડત આપનાર જયોતિષ પીઠાધીશ્વર અને દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ સહિત અન્ય બે પીઠોના શંકરાચાર્યજી મહારાજને પણ અયોધ્યા રામજન્મભૂમિ ઉપર નિર્માણ પામનાર શ્રીરામ મંદિરના ભૂમિપૂજન અને શીલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ આપેલ નથી. અને આમ કરીને શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે દેખીતી રીતે દ્વૈપ રાખી સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરૂઓનું અપમાન કરેલ છે. આથી આ  અંગે યોગ્ય કરવા વિનંતી છે.

(2:49 pm IST)