Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ગણપતિબાપા મોરીયાઃ મનમોહક ઈકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ

ગણેશ મહોત્સવના આગમનના એંધાણ વર્તાયા...મંગલમૂર્તિનું નિરૂપણ કાર્ય શરૂ...: કેનાલ રોડ ઉપર દિપક બંગાળીના માર્ગદર્શન હેઠળ ભાવિકોની ઈચ્છા પ્રમાણે ગણપતિજી, વિશ્વકર્મા દેવ, નવદુર્ગા માતાજીની માટીની મૂર્તિ બનાવતા બંગાળી કારીગરો...:

ગણપતિ મહોત્સવની તૈયારીઃ રાજકોટ : ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગણેશજીની મૂર્તિ બનાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ બંગાળથી કારીગરો આવી ગયા છે ત્યારે કેનાલ રોડ ઉપર કારીગરો દ્વારા માટીની મૂર્તિ બનાવાઈ રહી છે. અવનવી ગણપતિ દાદાની મૂર્તિ બનાવવા માટે દિપક આર્ટવાળા દિપકભાઈનો સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૩ :. સુખકર્તા અને દુઃખહર્તા દેવ ગણપતિ મહારાજના ભવ્યદિવ્ય ગણેશ મહોત્સવના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ અષાઢ મધ્યાહને છે બાદ દેવાધિદેવ મહાદેવ ભોળાનાથની ભકિતમાં ભાવિકો તરબોળ થશે. બાદમાં ભાદરવા માસની ચતુર્થિથી અનંત ચૌદશ સુધી ગણેશ મહોત્સવમાં પણ ભાવિકો દુંદાળા દેવની આરાધના કરી ધન્ય થશે. ગણેશ મહોત્સવ હવે માત્ર મહારાષ્ટ્ર પુરતો જ સીમીત નથી રહ્યો. ગુજરાતમાં પણ ગણેશ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. સુરત, વડોદરા, અમદાવાદ ઉપરાંત રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણેશ મહોત્સવની ભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ગણેશ મહોત્સવના જાજરમાન આયોજનને દીપાવવા અત્યારથી જ ભાવિકો અને મંડળો, સોસાયટીઓ દ્વારા ધર્મભીના આયોજનો થઈ રહ્યા છે.

ગણપતિ મહોત્સવમાં ગણપતિબાપા મોરીયા...ના જયઘોષ સાથે અનેકવિધ આયોજનો કરતા હોય છે. જેમાં મંગલમૂર્તિ ગણપતિ ગજાનંદ મહારાજની મૂર્તિનુ સ્થાપન કરી ભાવિકો તેમની યથાશકિત અનુસાર પૂજન-અર્ચન કરતા હોય છે.

છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં પણ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણીમાં મુંબઈ, પૂનાની ઝાંખી રંગીલા રાજકોટમાં થાય છે. ભાવિકો દ્વારા ગણેશ મહોત્સવમાં તન, મન, ધન અને દિવ્યતાથી ઉજવણી કરતા હોય છે. સોસાયટી મંડળો ઉપરાંત ઘરે ગણપતિ મહારાજની મૂર્તિનું સ્થાપન કરતા હોય છે. દરરોજ સવાર-સાંજ આરતી, પાઠ અને સામાજિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે.

આમ તો દુંદાળાદેવનુ નામ જ મંગલમૂર્તિ છે. સુખકર્તા દેવ ગણપતિ મહારાજના તમામ સ્વરૂપો મનમોહક હોય છે. જેના સ્મરણ માત્રથી જ મનોકામના પૂર્ણ થાય છે. હાલ પ્રથમ પૂજનીય ગણપતિદાદાની મૂર્તિનું સ્થાપના પ્રથમ હોય છે, ત્યારે હાલ સોસાયટી મંડળો દ્વારા દુંદાળા દેવની મૂર્તિ પસંદગી કાર્યનો શુભારંભ થયો છે.

હવે મંગલમૂર્તિની પાવનકારી મૂર્તિ પણ હવે પ્રકૃતિને અનુરૂપ માટીના ઈકો ફ્રેન્ડલી સ્થાપના કરવાનું ચલણ ખૂબ વધ્યુ છે, ત્યારે મૂળ બંગાળના વતની અને કલાકારીગરીમાં ખૂબ નિપુણ દિપકભાઈ બંગાળી દ્વારા તેના કાર્યકુશળ બંગાળી કારીગરો દ્વારા માટીના ઈકો ફ્રેન્ડલી ગજાનંદ મહારાજની અનેક મૂર્તિઓનું ભવ્યદિવ્ય સિંહાસન સાથે આબેહુબ સાક્ષાત્કાર કરાવતી પ્રતિમાઓ બનાવી રહ્યા છે.

કેનાલ રોડ પર આવેલ વિશાળ જગ્યામાં દિપકભાઈ બંગાળી છેલ્લા ૨૫ વર્ષથી ગણેશ મહોત્સવ પૂર્વે ૨ માસ રાજકોટ આવી ગણેશ મૂર્તિ, શ્રી વિશ્વકર્મા દેવની મૂર્તિ તેમજ નવદુર્ગા માતાજીની માટીની મૂર્તિ ઈકો ફ્રેન્ડલી બનાવતા હોય છે. દર વર્ષે ૬૦૦થી વધુ ઈકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિઓ દિપકભાઈ બંગાળી અને તેમના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. સેંકડો લોકો ભાવથી આ ગણપતિ મૂર્તિનું પૂજન-અર્ચન કરીને ગણેશ મહોત્સવ ઉજવતા હોય છે.

દિપક આર્ટના દિપકભાઈ બંગાળીએ જણાવ્યુ છે કે હું ૧૯૯૪થી રાજકોટમાં પહેલા રામનાથપરા વિસ્તાર તેમજ હવે કેનાલ રોડ પર ભાડેથી જગ્યા રાખી માટીના ગણપતિ મહારાજ, શ્રી વિશ્વકર્મા દેવ તેમજ નવદુર્ગા માતાજીની મૂર્તિનું નિરૂપણ કરી રહ્યા છીએ. અમે સંપૂર્ણપણે માટીની જ મૂર્તિઓ બનાવીએ છીએ. અમે મૂર્તિ માટે નદી, તળાવની માટી ઉપરાંત આદિત્યાણા પાસેની નદીની માટી અને કલકત્તાની માટીનો મહત્તમ ઉપયોગ કરીને મૂર્તિઓ બનાવીએ છીએ. ભાવિકોની પસંદગી અને માપસાઈઝ મુજબ કલાત્મક રીતે મૂર્તિઓ બનાવી આપીએ છીએ.

દિપકભાઈ બંગાળીએ વધુમાં જણાવ્યુ કે અમે ગણપતિ મહારાજની મૂર્તિ ઉપરાંત વિશ્વકર્મા દેવ, માતાજીની મૂર્તિ માટીની બનાવીએ છીએ. અમે બંગાળના ચુનંદા કારીગરો દ્વારા પ્રથમ મૂર્તિ માટે સ્ટેજ તૈયાર કરીએ છીએ. બાદમાં ઘાસ, માટી, વાંસ અને ફીનીશીંગ તેમજ કલર તેવી રીતે અલગ અલગ સ્ટેજ ઉપર અલગ નિષ્ણાંત કારીગરો દ્વારા કામગીરી થતી હોય છે. અમારા ટીમ વર્કને કારણે અમારા કામથી અલગ ઓળખ ઉભી કરી છે.(૩૭.૬)

ગણપતિ મૂર્તિમાં લેવામાં આવતી સામગ્રી નદી કે ઘરમાં  પણ વિસર્જીત કરી શકાશે

રાજકોટઃ. છેલ્લા અઢી દાયકાથી રાજકોટમાં ગણપતિદાદા સહિતના દેવી-દેવતાઓની માટીની મૂર્તિઓ બનાવતા દિપકભાઈ બંગાળીએ જણાવ્યુ હતુ કે, અમે મૂર્તિ નિર્માણ માટે પ્રથમ લાકડા, પાટીયા, ખીલી, સુકુ ઘાસ, વાંસ, સુતળી, સુતરાઉ દોરાનું સમયાંતરે મૂર્તિનો આકાર બનાવી નદી, તળાવની માટીનો મહત્તમ ઉપયોગ કરીને મૂર્તિ તૈયાર કરવામાં આવે છે, બાદમાં ઈકો ફ્રેન્ડલી કલરથી મૂર્તિને નવુ રૂપ આપવામાં આવે છે.

દિપકભાઈ બંગાળીએ અમારી બનાવેલી મૂર્તિઓનુ વિસર્જન નદી, તળાવ કે દરીયા ઉપરાંત ઘરમાં પુરતા પ્રમાણમાં પાણીમાં આસાનીથી કરી શકાય છે. માટીની મૂર્તિમા સામાન્ય રીતે ભાવિકોનો ભાવ વધુ હોય છે. પ્રકૃતિ અનુસાર માટીના ગણેશજીની મૂર્તિ ખૂબ અલૌકિક બને છે.

મૂર્તિના નિપુણ કારીગર

શ્રી દિપકભાઈ બંગાળી, કેનાલ રોડ, રાજકોટ.

મો. ૯૫૧૦૯ ૧૯૬૪૩

(4:15 pm IST)