Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વોર્ડ નં. ૧૬ના સેનેટરી ઇન્સ્પેકટર મૃગેશ વસાવા પર સફાઇ કામદાર મનોજ ઝાલા છરીથી તૂટી પડ્યો

નોકરી પર ન આવ્યો હોઇ ગેરહાજરી પુરતાં પત્નિ તથા બીજી બે મહિલા સાથે આવી હુમલો કરી ભાગી ગયો

રાજકોટ તા. ૪:  મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. ૧૬ના સેનેટરી ઇન્સ્પેકટર પર આ વોર્ડના સફાઇ કામદારે છરીથી હુમલો કરતાં ચકચાર જાગી છે. સફાઇ કામદાર પોતાની નોકરી પર આવ્યો ન હોઇ તેની ગેરહાજરી પુરતાં તે ઉશ્કેરાયો હતો અને હુડકો પોલીસ ચોકી પાછળ આવેલી વોર્ડ નં. ૧૬ની ઓફિસે પોતાની પત્નિ તથા બીજી બે મહિલાઓ સાથે પહોંચી હુમલો કર્યો હતો.

બનાવ અંગે ભકિતનગર પોલીસે બજરંગવાડી રાજીવનગર-૯માં રહેતાં અને વોર્ડ નં. ૧૬માં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં મૃગેશભાઇ આબાદસિંહ વસાવા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી મનોજ કિશોરભાઇ ઝાલા, તેના પત્નિ અને બે બીજી મહિલા (રહે. યાદવનગર મફતીયા પરા) સામે આઇપીસી ૩૨૪, ૫૦૪, ૧૧૪,  ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. 

મૃગેશભાઇ મુળ ભરૂચના વતની છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે પોતે હુડકો પોલીસ ચોકી પાછળ મારૂતિનગરમાં વોર્ડ નં. ૧૬ની ઓફિસે હતાં ત્યારે હાજરી ચેક કરતાં સફાઇ કામદાર મનોજ ઝાલા ગેરહાજર જણાતાં તેની ગેરહાજરી પુરી દીધી હતી. આ કારણે તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોતની પત્નિ તથા બીજી બે મહિલા સાથે વોર્ડ ઓફિસે આવી ગાળાગાળી કરી હતી. તેમજ છરી કાઢી માથામાં ઘા ઝીંકી દીધો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં મનોજ, તેની પત્નિ અને બે મહિલાઓ ત્યાંથી નીકળી ગયા હતાં. એએસઆઇ સુરેશભાઇ એન. મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(4:11 pm IST)