Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વરસાદ ઉડી ગયો, ચિંતાના વાદળો ઘેરાયા

આવતા ચાર-પાંચ દિ'માં સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવા કોઇ એંધાણ કે આગાહી નથી

રાજકોટ, તા. ૪ :  ગુજરાતમાં જુલાઇના ત્રીજા અઠવાડીયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જયાં પખવાડિયા પહેલા વાવણી થઇ ગયેલ ત્યાં હવે અઠવાડિયામાં વરસાદની જરૂર છે. નજીકના ભવિષ્યમાં સૌરાષ્ટ્રમાં કયાંય મુશળધાર વરસાદના એંધાણ કે આગાહી નથી. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મેઘકૃપાથી વિશેષ વંચિત રહી ગયા છે.

અષાઢ એ વરસાદનો ધોરી મહિનો ગણાય છે. આ મહિનામાં બારે મેઘ ખાંગા થતા હોય છે પરંતુ અત્યારે રાજયના મોટાભાગના વિસ્તારોમાં આકાશ કોરૂ ધાકોડ છે. વરસાદની રાહમાં ખેડૂતો અને અન્ય પ્રજામાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. જો અઠવાડિયામાં વાવેતર પર વરસાદ ન પડે કે ખેડૂતો પાણીની અન્ય કોઇ વ્યવસ્થા ન કરી શકે તો વાવણી પર જોખમ થઇ જશે.

રાજયના અત્યાર સુધીમાં મોસમના કુલ સરેરાશ વરસાદ પૈકી પ૪ ટકા વરસાદ થઇ ગયો છે. હાલ હવામાન ખાતાની વરસાદની આગાહી નથી પણ કુદરતી સંજોગો ગમે ત્યારે બદલાય શકે છે. ચોમાસાની મોસમના મંડાણ મોડા થયેલ એટલે હજુ આવતા દોઢ-બે મહિના ચોમાસાના જ ગણાય. જન્માષ્ટમી સુધીમાં બીજા તબક્કાનો સારો વરસાદ થઇ જવાની આશા છે. (૯.૧૧)

(4:07 pm IST)