Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વેપારીઓ - ઉત્પાદકોની પાપલીલાઃ રાજકોટ સહિત ૫ સ્થળે ફરાળી ભેળસેળ લોટ અંગે દરોડા

કુલ ૬૫૦૦ કિલો લોટ જપ્તઃ અમદાવાદના આરતી ગૃહ ઉદ્યોગમાંથી ૨૫૦૦ કિલો લોટ કબ્જે કરાયો...: રાજકોટના પાર્થ બ્રાન્ડમાં તપાસઃ ઘઉંના લોટનું મિશ્રણ કરાતું હોવાનો કમિશ્નર કોશીયાનો નિર્દેશ...

રાજકોટ, તા. ૪ :. રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કમિશ્નરની સૂચના બાદ જુદી જુદી ટીમોએ રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને દાહોદમાં દરોડા પાડી ૬૫૦૦ કિલો ભેળસેળીયો લોટ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર શ્રી કોશીયાએ ઉમેર્યુ હતું કે, ઉપવાસની સીઝનમાં વેપારીઓ, ઉત્પાદકો દ્વારા મોરૈયા, રાજગરા, શીંગોડાના લોટમાં ઘઉંના લોટનું મિશ્રણ કરાય છે. વેપારીઓ - ઉત્પાદકોની આ પાપલીલા સામે તંત્રે લાલ આંખ કરી પાંચ શહેરમાં દરોડા પાડયા હતા.

તેમણે ઉમેર્યુ હતુ કે લોટની તપાસમાં વીક આયોડીન સોલ્યુશનના ટીપા નાંખવાથી સ્થળ ઉપર જ ભેળસેળની જાણકારી મળી ગઈ હતી.

અમદાવાદના હઠવાડા વિસ્તારમાં આવેલા આરતી ગૃહ ઉદ્યોગમાં બે ટીમો ત્રાટકી હતી અને ૨૫૦૦ કિલો ભેળસેળીયો લોટ જપ્ત કરવામાં આવ્યો હતો.

ફુડ વિભાગે અમદાવાદમાં આરતી ગૃહ ઉદ્યોગ, ગાંધીનગરમાં મનપસંદ ફરાળી ગૃહ ઉદ્યોગ, રાજકોટમાં પાર્થ બ્રાન્ડ, સુરતમાં સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગ, દાહોદમાં શ્રી શ્રધ્ધા ગૃહ ઉદ્યોગમાં  દરોડા  પાડયા  હતાં. (૨-૯)

(4:01 pm IST)