Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મનપા દ્વારા કાલે વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત : વોર્ડ નં. ૧થી આ યાત્રાનો થશે પ્રારંભ : ૬૯ ટીપરવાન તથા વોર્ડ નં. ૧૭ની નવી વોર્ડ ઓફિસનું લોકાર્પણ : સંયુક્‍ત ડાયસ કાર્યક્રમ સાંજે ૪.૩૦ કલાકે પ્રમુખ સ્‍વામી ઓડિટોરીયમ ખાતે યોજાશે : મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ૪ : મહાનગરપાલિકા દ્વારા કાલે તા. ૫ના વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાશે. તેમ સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, સેનિટેશન કમીટી ચેરમેન અશ્વિનભાઈ પાંભરે જણાવ્‍યું હતું.

ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમીતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયેલ વિકાસ કામોની વિગતો લોકો સુધી પહોંચાડવાના પ્રયાસના ભાગરૂપે રાજય સરકાર દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનુ આયોજન કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૫ના રોજ વોર્ડ નં.૧થી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ, ૬૯ ટીપરવાન તથા વોર્ડ નં.૧૭માં નિર્માણ પામેલ વોર્ડ ઓફિસનું લોકાર્પણ રાજયના પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના મંત્રી દેવાભાઈ માલમના હસ્‍તે થશે. આ કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે. આ કાર્યક્રમનો ડાયસ કાર્યક્રમ પૂ. પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે સાંજે ૪.૩૦ કલાકે યોજાશે. ᅠᅠᅠ

આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા,ᅠરામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી,ᅠધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ,ᅠલાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.

(4:02 pm IST)