Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પીજીવીસીએલ દ્વારા DOP અને SOR વેન્‍ડર રજીસ્‍ટ્રેશન પોલીસીમાં સુધારો કરાયો : સબ ડિવીઝન પાસે ૮ લાખના પાવર

રાજકોટ તા. ૪ : પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ તેના D.O.P. (ડેલીગેશન ઓફ પાવર્સ), S.O.R. (શીડ્‍યુલ ઓફ રેટ્‍સ) અને નવી વેન્‍ડર રજીસ્‍ટ્રેશન પોલીસીમાં સુધારો કરવામાં આવ્‍યો છે. સરકારની ગુડ ગવર્નન્‍સ કાર્યપ્રણાલી હેઠળ કંપનીની વહીવટી પ્રક્રિયા વધુ સરળ બનાવવા તેમજ પીજીવીસીએલને સેવા પૂરી પાડતા વેન્‍ડરો/એજન્‍સીઓ/કોન્‍ટ્રાકટરોને પોષણક્ષમ ભાવો મળી રહે અને વધુ સારા વેન્‍ડરો પીજીવીસીએલ સાથે જોડાય અને તેમને સોંપેલ કાર્ય નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવો અગ્રીમ પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

D.O.P. (ડેલીગેશન ઓફ પાવર્સ)

પીજીવીસીએલ માં થતાં વિવિધ કામો જેવા કે HT/LT જોડાણો, કનેક્‍શન્‍સનું સ્‍થળાંતર, કામચલાઉ જોડાણો, PDC પુનઃજોડાણ વગેરે તેમજ સિવિલ વર્ક્‍સ જેવા કે કંપનીના ઉપયોગ માટે સ્‍ટોર હાઉસ અને ઓફિસ આવાસ માટે મકાન ભાડે લેવા, બિલની માપણી અને ચુકવણી અને પરિવહનમાં સત્તાઓ વધારવા માટે જરૂરી વહીવટી મંજૂરીની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતી સત્તાઓ એટલેકે ડી.ઓ.પી. / D.O.P. (ડેલિગેશન ઓફ પાવર્સ) માં સુધારો કરવાની માટે મંજૂરી હાલમાં જ આપવામાં આવી.

અત્‍યાર સુધી કાર્યરત તાંત્રિક મંજૂરીઓ ના ડી.ઓ.પી. (ડેલિગેશન ઓફ પાવર્સ) સબ ડીવીઝન લેવલે ૨ લાખ રૂ., ડીવીઝન લેવલે ૬ લાખ રૂ. અને સર્કલ ઓફીસ લેવલે ૧૦ લાખ રૂ. હતાં જે હવે વધારીને સબ ડીવીઝન લેવલે ૮ લાખ રૂ., ડીવીઝન લેવલે ૧૫ લાખ રૂ. અને સર્કલ ઓફીસ લેવલે ૨૫ લાખ રૂ. કરવામાં આવ્‍યા છે. આવીજ રીતે લાઈન કામ માટે આપવાના થતા વર્ક ઓર્ડર અગાઉ ડીવીઝન કચેરી દ્વારા ૧૦ લાખ સુધીના અપાતા હતા તે હવે રૂ. ૩૦ લાખ સુધી ઓનલાઈન પ્રક્રિયાથી આપવામાં આવશે.

S.O.R. (શીડ્‍યુલ ઓફ રેટ્‍સ)

પીજીવીસીએલમાં વર્ષ ૨૦૧૮-૧૯ ના S.O.R. (શીડ્‍યુલ ઓફ રેટ્‍સ) જુન-૨૦૨૨ સુધી અમલમાં હતા. વીજ વિતરણ ક્ષેત્રે વિવિધ કામગીરીઓ જેવીકે કેપિટલ વર્કની કામગીરી, HT/LT લાઈન મેઈન્‍ટેનન્‍સની કામગીરી, ટ્રાન્‍સફોર્મર મેઈન્‍ટેનન્‍સની કામગીરી, ડીસ કનેક્‍શન-રીકનેક્‍શનની કામગીરી, અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ સ્‍થાપિત કરવાની કામગીરી, લોખંડના ફેબ્રિકેશનની કામગીરી કરવામાં આવે છે. આ કામોમાં છેલ્લા ૩ વર્ષથી ભાવ વધારો થયો ન હતો. પીજીવીસીએલના કોન્‍ટ્રાકટર ભાઈઓ દ્વારા આ અંગે મેનેજમેન્‍ટને રજૂઆત કરવામાં આવેલ. પીજીવીસીએલ મેનેજમેન્‍ટ દ્વારા કોન્‍ટ્રાકટરો સાથે મીટીંગનું આયોજન કરી તેમની માંગણીઓને ધ્‍યાનમાં રાખીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને પ્રવર્તમાન ભાવોની સમીક્ષા કરવા એક કમિટીનું ગઠન કરેલ.

કમિટી દ્વારા યોગ્‍ય સમીક્ષા કરી જે કામોના S.O.R. અગાઉ ન હતા તેવા નવા ૪૪ કામોના S.O.R. બનાવી ઉમેરવામાં આવ્‍યા હતા. હાલના સમય પ્રમાણે મીનીમમ વેજીસમાં વધારો, ડીઝલની કિંમતમાં વધારો, હોલ પ્રાઈઝ ઇન્‍ડેક્‍સમાં વધારો વગેરે પરિબળોને ધ્‍યાને લઇ અને ભાવોની સમીક્ષા કરી ભાવવધારો મંજુર કરવામાં આવ્‍યો છે. અને તા. ૨૮.૦૬.૨૦૨૨ ના રોજ પરિપત્ર દ્વારા પીજીવીસીએલની દરેક કચેરીને આ અંગે જાણ કરેલ છે. આ ભાવ વધારો તા. ૦૧.૦૭.૨૦૨૨ કે તે પછીથી નવા બહાર પડતાં ટેન્‍ડરોને લાગુ પડશે. પીજીવીસીએલ મેનેજમેન્‍ટ દ્વારા કોન્‍ટ્રાકટર ભાઈઓના પ્રશ્નો અને યોગ્‍ય માંગણીઓ હલ કરતાં તેઓ પણ પોષણક્ષમ ભાવો મેળવી શકશે આથી તેમણે પીજીવીસીએલ મેનેજમેન્‍ટનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. ઉપરાંત કોન્‍ટ્રાકટરોને વિવિધ પ્રકારની ટ્રેઈનીંગ પણ આપવામાં આવે છે જેથી લાઈનકામ કે અન્‍ય કામોની યોગ્‍ય ગુણવત્તા જળવાઈ રહેશે.

(4:05 pm IST)