Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ઢેબર રોડ પરથી વિલેશ પરમારનું પત્નિ અને મિત્રની નજર સામે જ અપહરણઃ ક્રાઇમ બ્રાંચે મુકત કરાવ્યો

મુળ સુરતનો કડીયા યુવાન વિલેશ આઠેક માસથી રાજકોટ રહેવા આવ્યો છેઃ ભકિતનગર પોલીસે ટોળકી સામે ગુનો નોંધ્યો : અગાઉ સુરત રહેતો ત્યારે મનિષ પંડ્યા પાસેથી કિયા કાર ગિરવે રાખી તેને રૃા. ૨.૫ લાખ આપ્યા હતાં: મનિષે રાજસ્થાનના રાજેશ જોષી પાસેથી કાર ખરીદી રકમ ચુકવી નહોતીઃ વિલેશ પાસેથી કાર પાછી મેળવવા મનિષ, રાજેશ અને પાંચ અજાણ્યાએ રાજકોટ આવી તેને ઉઠાવી લીધો : મોડી રાતે ચોટીલા પાસેથી પાંચેક શખ્સોને સકંજામાં લઇ લેવાયા

રાજકોટ તા. ૪: મુળ સુરતના અને હાલ રાજકોટ રહેતાં કડીયા યુવાને અગાઉ સુરતના એક પરિચીત બ્રાહ્મણ યુવાન પાસેથી કાર ગિરવે રાખી તેને રૃા. ૨.૫ લાખ આપ્યા હોઇ આ પૈસાની દેતીદેતી મામલે ચાલતી માથાકુટમાં બ્રાહ્મણ શખ્સ અને કારનો મુળ માલિક એવો રાજસ્થાની શખ્સ પાંચ અજાણ્યા શખ્સો સાથે રાજકોટ આવી ઢેબર રોડ રાજકમલ પંપ સામે શિવ ઓટો ગેરેજ ખાતેથી કડીયા યુવાનને મારકુટ કરી તેની પત્નિ અને મિત્રની નજર સામે જ કારમાં નાખી ઉઠાવી જતાં દેકારો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચની ટીમોએ મોડી રાતે ચોટીલા નજીક કારને આંતરી લઇ અપહૃતને મુકત કરાવી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ કરી હતી.

 આ બનાવમાં ભકિતનગર પોલીસે મુળ સુરતના અને હાલ રાજકોટ ઢેબર રોડ શ્રમજીવી સોસાયટી-૪/૫ના ખુણે રહેતાં અલ્પાબેન વિલેશભાઇ પરમાર (કડીયા) (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી રાજેશ જોષી, મનિષ પંડ્યા અને પાંચ અજાણ્યા વિરૃધ્ધ આઇપીસી ૩૬૫, ૩૮૬, ૩૨૩, ૫૦૪, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધાયો છે. કાવત્રુ ઘડી અલ્પાબેનના પતિ પાસે ગિરવે મુકાયેલી કાર અથવા તેના રૃપિયા કઢાવવા તેનું અપહરણ કરી જવાનો ગુનો નોંધ્યો છે. બનાવને પગલે હરકતમાં આવેલી ક્રાઇમ બ્રાંચની ટીમે ચોટીલા નજીકથી અપહૃતને મુકત કરાવી લઇ પાંચ રાજસ્થાની શખ્સોને સકંજામાં લીધા છે.

અલ્પાબેન પરમારે આ બારામાં મોડી રાતે ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોલીસને કહ્યું હતું કે હું દોઢેક વર્ષથી રાજકોટ માતા-પિતા સાથે રહુ છું અને મારા પતિ વિલેશ પરમાર કડીયા કામ કરે છે. આમારા બીજા લગ્નછે. અગાઉના લગ્નથી મારે એક દિકરી અને એક દિકરો છે. પહેલા હું સંતાનો સાથે પતિ વિલેશ સાથે સુરત રહેતી હતી. પણ ત્યાં કડીયા કામ ચાલતું ન હોઇ અમે રાજકોટ રહેવા આવ્યા છીએ. સુરત અમે સહકાર બંગલોઝમાં રહેતાં હતાં ત્યારે આગલી શેરીમાં રહેતાં મનિષ બાલકૃષ્ણ પંડ્યા કે જે ટૂર્સ પેકેજીંગનો ધંધો કરે છે તે આઠેક મહિના પહેલા મારા પતિ પાસે આવ્યા હતાં અને તેને રૃા. ૨.૫ લાખની જરૃર હોઇ તેના બદલામાં તેણે પોતાની કિયા કાર ગિરવે મુકવાની વાત કરી હતી.

તે વખતે મારા પતિએ કારના માલિક કોણ છે? તેમ પુછતાં નિલેષે પોતે રાજસ્થાનના રાજેશ જોષી પાસેથી રૃા. ૮ લાખમાં કાર ખરીદી લાવ્યાનું અને રૃપિયાની ખુબ જરૃર હોવાથી ગિરવે મુકવી છે તેવી વાત કરતાંમારાપતિએ તેને રૃા. ૨.૫ લાખ દીધા હતાં અનેકાર ગિરવે રાખી હતી. એ પછી અમેરાજકોટ રહેવા આવી ગયા હોઇ પતિએ તેના મિત્ર વિપુલ ગણેશભાઇ ગોસાઇ કે જેનું ઢેબર રોડ પર ગેરેજ છે ત્યાં આ કાર રાખી હતી. અમે આ કાર ચલાવતાં નહોતાં. બે મહિના બાદ મારા પતિએ નિલેષને રૃપિયા ચુકવી કાર પરત લઇ જવા કહેતાં તેણે હાલ પૈસાની સગવડ નથી પછી લઇ જઇશ તેમ વાત કરી હતી.

દરમિયાન ગત માર્ચ મહિનામાં હું ઘરે હતી ત્યારે સાંજે ચારેક વાગ્યે એક બહેન અને એક ભાઇએ આવી સીધુ -અમારી કિયા કાર કયાં પડી છે? તેમ પુછી પોતાનું નામરાજેશ જોષી જણાવ્યું હતું. તેમજ મારા પતિ બાબતે પણ પુછી મનિષ કયાં છે? કયાં રહે છે? મારે તેની સાથે રૃપિયાનો વહિવટ બાકી છે તેમ કહી જતાં રહ્યા હતાં.  એ પછી એ જ દિવસે સાંજે મનેઅનેમારા પતિને મનિષના ઘરે રાજેશે બોલાવ્યા હતાં. ત્યારે રાજેશે કહેલું કે મારે કાર જોઇતી નથી. તમે અને મનિષ વહિવટ સમજી લો, મારે પૈસા લેવાના છે.

એ પછી થોડા દિવસ બાદ રાજેશ જોષીએ મને તથા મારા પતિને ફોન કરી મનિષ બાબતે પુછી તેણે હજુ રૃપિયા આપ્યા નથી તેમ કહી મારા પતિ સાથે કડકાઇથી વાત કરી હતી. એ પછી અમે મનિષને વાત કરી વહિવટ પુરો કરવા કહ્યું હતું. જે  તે વખતે મનિષે પોતે ટૂરમાં છે આવીને હિસાબ પુરો કરશે તેવી વાત કરી હતી. એ પછી આજથી અઢી મહિના પહેલા ફરીથી રાજેશે અમારી ઘરે આવી ગાડી અને પૈસા બાબતેવાત કરી ધમકી આપી હતી કે હું તને રાતોરાત ગાયબ કરી દઇશ, ઉપાડી જઇશ. ત્યારબાદ પણ તે સતત ફોન કરી મારા પતિને કહેતો હતો કે  હું તમારા રૃપિયા આપી દઇશ, તમે કાર મને આપી દો.

દરમિયાન ચારેક દિવસ પહેલા મનિષે ફોન કરી કહેલું કે તે શનિવારે રાજકોટ આવશે અને ગાડીનો વહિવટ પુરો કરી નાંખશે. દરમિયાન ગઇકાલે તા. ૩ના રવિવારે બપોરે સાડા બારેક વાગ્યે ગેરેજવાળા  વિપુલભાઇનો ફોન આવ્યો હતો કે રાજેશ અને મનિષ આવ્યા  છે અને ગાડીની વાતકરવા તમને બોલાવે છે. આથી હું અને મારા પતિ વિપુલભાઇના શિવ ઓટો ગેરેજ ખાતે ગયા હતાં. જ્યાં મારા પતિને રૃા. ૨.૫ લાખ આપી દેવાય એટલે ગાડી સોંપી દેશે તેવું નક્કી થયું હતું. પણ રાજેશ ગેરેજ ખાતે પૈસા આપવા તૈયાર નહોતો.

આ દરમિયાન બોલાચાલી થતાં રાજેશ, મનિષ અને બે અજાણ્યા ઓફિસની બહાર નીકળી ગયા હતાં. આ લોકો બાદમાં ગેરેજ અંદર ન આવતાં હું અને મારા પતિ વિલેશ બહાર જોવા ગયા હતાં. ફરી સાંજના પાંચેક વાગ્યે અમે ગેરેજની ઓફિસમાં જતાં રહ્યા હતાં. એ દરમિયાન રાજેશ, ત્રણ અજાણ્યા આવ્યા હતાં અને મારા પતિને થપ્પડો મારી હતી. રાજેશે મારે કિયા ગાડી જોઇએ કાં મારા રૃપિયા જોઇએ, ગાડી નહિ મળે તો તને પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. એ દરમિયાન મારા પતિને રાજેશ અને અજાણ્યા બળજબરીથી ખેંચીને બહાર લઇ ગયા હતાં. હું બચાવવા જતાં મને પણ ધક્કો મારી પછાડી દીધી હતી.  વિપુલભાઇએ પણ મારા પતિને છોડાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની સાથે ઝપાઝપી કરી મારા પતિને રાજેશ અને અજાણ્યા સફેદ રંગની કારમાં નાંખી ઉઠાવી ગયા હતાં.

ઉપરોકત વિગતોને આધારે પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં એએસઆઇ એમ. બી. ગોસ્વામી અને નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળા અને તેમની ટીમોએ દોડધામ શરૃ કરી હતી અને અપહરણકારોને મોડી રાતે ચોટીલા પાસે આંતરી લઇ અપહૃતને મુકત કરાવ્યો હતો.

(1:28 pm IST)