Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કોઠારીયા સોલવન્ટ પાસે યુએલસી ફાજલ જમીન ઉપર આવારા તત્વોના પગપેસારા : આડેધડ બાંધકામ

શેડ પણ બની ગયા : ભાડે અપાવવા માંડ્યા : કલેકટરને ચોંકાવનારી ફરીયાદ.... : કોર્પોરેશનમાં અમારા માણસો છે કહી લોકોને ધમકી : શેડ માં જીઇબીના કનેકશન પણ અપાઇ ગયા !! : કલેકટર-કોર્પોરેશનનું તંત્ર તાકિદે પગલા ભરે તેવી માંગણી : લોકોમાં ભારે ભય

રાજકોટ, તા. ૪ : કલેકટરને એક ફરીયાદ અરજી થઇ છે, જેમાં સરકારી ખરાબામાં દબાણ બાબતે ફરીયાદ કરી છે.

ફરીયાદમાં ઉમેરાયું છે કે રાજકોટ જિલ્લાના કોઠારીયાના કોઠારીયા સોલવેન્ટ પાસે નારાયણ પ્રાથમિક શાળા અને જુની ઘીયા બેરીંગ પાછળ સરકાર દ્વારા યુ.એલ.સી. અંતર્ગત ફાજલ થયેલ જમીન આવેલ છે આ જમીન ઉપર આવારા તત્વો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ના થાય તે હેતુથી આ જમીનને લાગુ અમુક કારખાના માલિકો દ્વારા કમ્પાઉન્ડ વોલ તેમજ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ ર વર્ષ પહેલા કલેકટરના હુકમથી ત્યાં ડિમોલિશન પણ કરવામાં આવેલ હતું. થોડા સમય પહેલા ત્યાં અમુક રાજકીય વગ ધરાવતા માથાભારે શખ્સો દ્વારા ત્યાંના વૃક્ષો તોડી પાડી ત્યાં બાંધકામ કરવાનું શરૂ કરેલ છે. અમુક શેડ તો બની પણ ગયા અને આ લોકોએ તેને ભાડે પણ આપી દીધેલ છે. ત્યાંના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવતા અમુક ગુંડા તત્વોને સાથે રાખી આ માથા ભારે તત્વોએ ધાક-ધમકી આપી કહેલ કે અમારા કામમાં અવરોધ નાખશો તો તકલીફમાં મુકાઇ જશો. આવી ધમકીઓથી ડરી ને ત્યાંના રહીશો ચૂપ થઇ ગયા હતા. હવે બાકીની જગ્યા ઉપર પણ બાંધકામ ચાલુ કરી દીધેલ છે. આ જમીનની કિંમત કરોડો રૂપિયાની થાય જે જગ્યા ઉપર આ લોકો દબાણ કરી અને શેડ બાંધી ભાડે ચડાવી આપે છે. કોઇ વિરોધ કરે તો કહે છે કે થાય એ કરી લેજો ટાઉન પ્લાનિંગ અને કોર્પોરેશનમાં અમારા જ માણસો છે કોઇ અમારૃં કાઇ બગાડી નહિ શકે. જોવાની ખુબી તો એ છે કે આ ખરાબાની જમીન પર જે શેડ બાંધવામાં આવ્યા છે જેની કોઇ પણ જાતની કાયદેસરતા નથી ત્યાં જીઇબીનું કનેકશન પણ મળી ગયેલ છે. સામાન્ય માણસને શેડ બનાવો હોઇ તો પહેલા પંચાયતની રજા ચિઠ્ઠૃી લેવી પડે ત્યારબાદ કોર્પોરેશનમાં પ્લાન મુકવો પડે, ત્યારબાદ બાંધકામ ચાલુ કરી શકાય જયારે આ લોકો સરકારી ખરાબાની કરોડોની કિંમતી જમીન પર મન પડે તેમ બાંધકામ કરી અને જમીન પચાવી લે છે.

પત્રનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આપશ્રી દ્વારા યોગ્ય પગલા લઇ આવી પ્રવૃત્તિ અટકાવવી નહીંતર નજીકના ભવિષ્યમાં ફરીવાર બહુ મોટું જમીન કૌભાંડ બહાર આવશે. આ પત્ર બાદ યોગ્ય પગલાઓ લેવાશે એ આશાએ જ પત્રની નકલ દરેક સરકારી સંસ્થા તેમજ દૈનિક અખબારો ને રવાના કરેલ છે. જો થોડા સમયમાં યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો ન્યાયાધીશોશ્રી, ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરી પીઆઇએલ દાખલ કરવાની અમોને ફરજ પડશે. તેમ પણ ફરીયાદ અરજમાં કહેવાયું છે.

પત્રની નકલ મ્યુ. કમિશ્નરને પણ પાઠવાઇ હોવાનું પણ નોંધનીય છે.

(3:37 pm IST)