Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ભગીરથ સોસાયટીના બુટલેગર પિતા-પુત્ર પાસામાં

બાપ દિલીપ સામે ૧૦ ગુના તો બેટા પ્રતિક વિરૂધ્ધ ૧૪ ગુનાઃ પોલીસ કમિશનર અગ્રવાલે બંનેને સુરત જેલમાં ધકેલવા આદેશ કર્યોઃ બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા અને ટીમે વોરન્ટની બજવણી કરી

રાજકોટ તા. ૪: સામા કાંઠે સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૭માં રહેતાં બુટલેગર પિતા-પુત્રને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક સાથે પાસામાં ધકેલી દીધા છે. બંને વિરૂધ્ધ દારૂ, ફરજમાં રૂકાવટ, મારામારી, ચોરી સહિતના ગુના અગાઉ નોંધાઇ ચુકયા હતાં.

ભગીરથ સોસાયટીમાં રહેતાં દિલીપ કરસનભાઇ ચંદારાણા (ઉ.૬૦) તથા પ્રતિદ દિલીપભાઇ ચંદારાણા (ઉ.૨૮)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત મુકવામાં આવતાં શ્રી અગ્રવાલે મંજુર કરી બંનેને સુરત જેલ હવાલે કરવા આદેશ કરતાં બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, ચંદ્રસિંહ ઝાલા, અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયા, પરેશભાઇ સોઢીયા, મનોજભાઇ ગઢવી, ચાંપરાજભાઇ ખવડ, મિતેષભાઇ આડેસરા અને પ્રતિકભાઇ રાઠોડે બજવણી કરી હતી.

પોલીસે જણાવ્યા મુજબ દિલીપ ચંદારાણા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, મારામારી, ચોરી, હત્યાની કોશિષ, દારૂના છ મળી કુલ ૧૦ ગુના તથા તેના પુત્ર પ્રતિક વિરૂધ્ધ ફરજમાં રૂકાવટના ત્રણ ગુના, રાયોટ,  હદપાર ભંગ, મારામારી, દારૂના મળી ૧૪ ગુના નોંધાઇ ચુકયા છે. બંનેને એક સાથે સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

(11:24 am IST)