Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

લગ્નવાંછુને છેતરતી ટોળકી ફરી મેદાનેઃ ત્રંબાના મુકેશ લુહાર સાથે પરણેલી કન્યા ત્રીજા દિવસે જ 'રફૂચક્કર'

લગ્ન માટે તેના ભાઇ-બનેવીને ૧II લાખ રોકડા અપાયા'તાઃ ગુંદાવાડીમાં ખરીદી માટે યુવાન લઇ ગયો ત્યાંથી નાશી ગઇઃ સાથે દાગીના-મોબાઇલ પણ લેતી ગઇ!: તારાપુરના રમણ મગન સહિત પાંચ સામે ઠગાઇનો ગુનો

રાજકોટ તા. ૪: લગ્નવાંચ્છુઓને છેતરતી વધુ એક ટોળકીનો કિસ્સો સામે આવ્યો છે. ત્રંબા રહેતાં અને લુહારી કામ કરતાં ત્રંબાના મુકેશ મનસુખભાઇ પીઠવા (ઉ.૨૮) નામના લુહાર યુવાન સાથે રૂ. ૧II લાખ મેળવી તારાપુરની યુવતિના લગ્ન કરાવાયા બાદ આ યુવતિ તેની ટોળકી સાથે મળી કાવત્રુ ઘડી યુવાનના ઘરમાંથી દાગીના, મોબાઇલ ફોન સહિતની મત્તા લઇ લગ્નના ત્રીજા જ દિવસે ગુંદાવાડીમાં ખરીદી કરવા લઇ જવાઇ ત્યાંથી ભાગી જતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે ત્રંબાના મુકેશ પીઠવાની ફરિયાદ પરથી ખંભાતના તારાપુરમાં ધર્મજ ચોકડી પાસે રહેતાં રમણ મગનભાઇ, આરતી જસાભાઇ ચાવડા (ઉ.૨૩), વિજય જસાભાઇ ચાવડા, દિલીપ ગગજીભાઇ ચાવડા (રહે. ટેકરાવ ફળીયુ જલુંદા ગામ જી. આણંદ) તથા આરતીની બહેન તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

મુકેશના કહેવા મુજબ તેના લગ્ન પાં છ વર્ષ પહેલા રાજકોટની યુવતિ સાથે થયા હતાં. પણ એકાદ વર્ષના લગ્નજીવન બાદ છુટાછેડા થઇ ગયા હતાં. તેને બીજા લગ્ન કરવા હોઇ અને તેના કુટુંબી સગા દિપક દાવડાના લગ્ન તારાપુરના રમણભાઇ મગનભાઇએ પૈસા લઇને કરાવી આપ્યા હોઇ દિપકભાઇ મારફત રમણભાઇનો કોન્ટેકટ કરતાં તેણે એક છોકરી છે પણ તેના માતા-પિતાને પૈસા આપવા પડશે તેવી વાત કરી મુલાકાત ગોઠવી હતી. એ પછી આરતી જસાભાઇ ચાવડા નામની છકરીના ફોટા મોકલાયા હતાં. જે પસંદ પડતાં ફુલહારવિધીથી લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. એ પછી દિકરીના માતા-પિતાને રૂ. ૧,૫૦,૦૦૦ આપવાનું કહેવાતા આ રકમ લેવા અને લગ્ન માટે બેડલા આવવાનું કહેવાતાં ૨૩/૬/૧૮ના રોજ આરતી અને તેના પરિવાજનો ત્યાં આવ્યા હતાં.

એ વખતે આરતી સાથે બીજા લોકો આવ્યા હતાં તેમાં તેનો ભાઇ વિજય જસાભાઇ, બનેવી દિલીપ ગગજીભાઇ અને આરતીની બહેન પણ હોવાનું રમણભાઇએ કહ્યું હતું. રમણભાઇએ ૧ાા લાખ રૂપિયા આરતીના બનેવીને આપ્યા હતાં. એ પછી પરિવારજનોની હાજરમાં ફુલહારવિધી કરી લગ્ન કરાવાયા હતાં. ત્યારબાદ આરતીને મુકેશ પોતાની ઘરે લઇ ગયો હતો. ૨૫/૬ના સાંજે આરતીને રોકડા રૂ. ૧૦ હજાર આપી ખરીદી કરવા ગુંદાવાડીમાં લઇ ગયો હતો. અહિ મુકેશ આરતીને એક 'મયુરભાઇ રાજદેવ ચોક'માં  ઉભી રાખી પોતે બીજી રેકડીએ ખરીદી કરવા ગયો હતો. એ દરમિયાન તેણી ગાયબ થઇ ગઇ હતી. શોધખોળ કરવા છતાં મળી નહોતી. તેની પાસે મુકેશનો વીવીો કંપનીનો ૧૧ હજારનો મોબાઇલ ફોન પણ હતો. બીજો એક ફોન પણ હતો. આ બંને નંબર પર ફોન કરવા છતાં તેણે રિસીવ કર્યા નહોતાં. એ પછી રમણભાઇને ફોન કરીને પુછતાં તેણે પણ જવાબ આપ્યો નહોતો.

આજ સુધી આરતી પણ પાછી ન આવતાં અને પૈસા પણ ન અપાતાં અને ઘરમાં તપાસ કરવામાં આવતાં આરતી ચાંદી-સોનાના દાગીના પણ લઇ ગયાનું જણાતાં કુલ રૂ. ૧,૭૯,૫૦૦ની ઠગાઇ થયાની ફરિયાદ નોંધાવાઇ છે. ભકિતનગરના પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(4:02 pm IST)