Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

જિલ્લા પંચાયતની સમિતિઓની રચના વખતે નવાજુનીના ડોકિયાઃ ભાજપને કબજા માટે માત્ર ૧૯ સભ્યો જરૂરી

પ્રમુખને હટાવવા ર/૩ બહુમતી જરૂરી, સમિતિઓ રચવા માટે સાદી બહુમતી જ જોઇએ

રાજકોટ, તા, ૪: જિલ્લા પંચાયતમાં પખવાડીયા પહેલા સતારૂઢ થયેલા પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઇ ખાટરીયાની ખુરશી પર કુંવરજીભાઇ બાવળીયાના પક્ષપલ્ટાથી ખતરો સર્જાયો છે પ્રમુખને હટાવવા માટે ર/૩ એટલે કે ૩૬ પૈકી ઓછામાં ઓછા ર૪ સભ્યોના સમર્થનની જરૂર રહે છે પરંતુ સમીતીઓમાં શાસન પલ્ટા માટે સાદી બહુમતીની એટલે કે માત્ર ૧૯ સભ્યોના ટેકાની જરૂર રહે છે. ચાલુ મહિનાના અંતમાં પંચાયતની કારોબારી સહીતની વિવિધ સમીતીઓની મુદત પુરી થઇ રહી છે તે વખતે ભાજપના એજન્ડા  મુજબ કુંવરજીભાઇ જુથ નવાજુની સર્જે તેવી પુરી શકયતા છે પ્રમુખ કોંગ્રેસના હોય અને સમીતીઓમાં કબ્જો ભાજપનો આવે તેવી શકયતા નકારાતી નથી.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૩૪ અને ભાજપના બે સભ્યો ચુંટાયેલા છે કુંવરજીભાઇ જુથ પાસે દસેક સભ્યો છે કોંગ્રેસના બે મહિલા સભ્યો ખુલ્લેઆમ સામે પડયા છે કુંવરજીભાઇ જુથ અને ભાજપના બે સભ્યો તથા કોંગ્રેસના બે મહીલા સભ્યો સહીત કુલ ૧૪ જેટલા સભ્યો છે પ-૭ કોંગી સભ્યો અસંતુષ્ટ છે આ બધા સભ્યો એક થઇ જાય તો સાદી બહુમતી થઇ જાય છે પ્રમુખની ચુંટણી વખતે સામાન્ય સભામાં ભાજપ પ્રેરીત બળવો થાય તેવી પ્રબળ શકયતા છે સાદી બહુમતીથી ભાજપ સમીતીઓ પર શાસન જમાવી શકે છે પુરતો માથામેળ થયા પછી પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકવાની ભાજપની ગણતરી છે. જો કુંવરજીભાઇ જુથના સભ્યો અત્યારના દેખાવ અને દાવા મુજબ કોંગ્રેસનો સાથ નિભાવી રાખે તો કોંગ્રેસના શાસન સામેનો ખતરો ટળી શકે તેમ છે. કુંવરજીભાઇના પક્ષપલ્ટાથી જિલ્લા પંચાયતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.(૪.૧૫)

(4:01 pm IST)