Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

૧લી સપ્ટેમ્બરથી લોકમેળો : પાંચ દિવસ ચાલશે : રમકડાના ૧૭૮ સહિત કુલ ૩૪૭ સ્ટોલ : કલેકટરના અધ્યક્ષપદે મીટીંગ

૯૭ સ્ટોલની હરરાજી થશે : આઇસ્ક્રીમના આ વખતે ૧૬ સ્ટોલ : લોકમેળાનું સુંદર નામ આપનારને ઇનામ

રાજકોટ તા. ૪ : સમગ્ર સૌરાષ્ટ્ર જેનું આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યું હોય છે, એ રાજકોટનો સુપ્રસિદ્ઘ મેળો આ વખતે પણ પરંપરાગત્ત રીતે રાંધણછઠ્ઠથી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. અહીંના રેસકોર્સના મેદાનમાં રાંધણછઠ્ઠ એટલે તે તા.૧-૯-૧૮થી શરૂ થશે અને પાંચ દિવસ સુધી ચાલશે. રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, નોમ અને દશમ સુધી ચાલનારા આ મેળાને લોકો મનભરી માણી શકે એ પ્રકારે આયોજન કરવા માટે કલેકટર ડો. રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં આજે બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી છે.

રાજકોટની લોકમેળા સમિતિના અધ્યક્ષ અને કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, રાજકોટનો લોકમેળો માણવા માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રવાસીઓ આવે છે. આપણા લોકમેળા આનંદપ્રમોદનું માધ્યમ હોવા ઉપરાંત, પ્રવાસન પ્રવૃત્તિના પણ ઉદ્દીપક છે. આ લોકો મેળાને લોકો શાંતિથી માણી શકે એવું આયોજન કરવામાં આવશે.

આ બેઠકમાં કલેકટરશ્રીએ કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. જેમાં લોકમેળામાં વરસાદના સમયે ત્વરિત પાણી નિકાલની વ્યવસ્થા, કિચડ ના થાય એ માટે મોરમ, રેતી નાખવાની બાબત, આરોગ્યના સ્ટોલ, મુલાકાતીઓને પાણી મળી રહે માટે પાણી પુરવઠાની વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષાની બાબતમાં તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

પ્રાથમિક આયોજન મુજબ જોઇએ તો આ મેળામાં રમકડાના ૧૭૮ સ્ટોલ, ખાણીપીણીના ૧૪, મધ્યમ ચકરડીના ૪, નાની ચકરડીના ૨૮ સ્ટોલ ડ્રો કરી ફાળવણી કરવામાં આવશે. જયારે, ખાણીપીણીના ૫, રમકડાના ૩૨, યાંત્રિકના ૪૪, આઇસ્ક્રીમના ૧૬ સ્ટોલની હરરાજી કરવામાં આવશે. આ મેળામાં કૂલ ૩૪૭ સ્ટોલ ઉભા કરવામાં આવશે. તદ્દઉપરાંત, સુરક્ષા માટે વોચ ટાવર, ડિસ્પ્લે માટે એલઇડી મૂકવામાં આવશે. ચારચૌબંધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી હર્ષદ વોરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ચેતન ગણાત્રા, પ્રાંત અધિકારી શ્રી એ. ટી. પટેલ, નાયબ કલેકટર શ્રી યોગેશ જોશી તથા શ્રી પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી નિતેશ કામદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૨૧.૮)

(11:33 am IST)