Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પ્રસંગમાં સસરા કહે એ જ કપડા પહેરવાના, કાર અને ફર્નિચરના પૈસાની માગણી કરી મોનાલીબેનને ત્રાસ

રાજકોટ માવતર ધરાવતી પરીણિતાની ફરીયાદઃ વાંકાનેરના પતિ ભવ્યાંક હેરમા, સાસુ નેહલબેન હેરમા, સસરા હિતેષભાઈ હેરમા અને દિયર ઋતુરાજ સામે ગુન્હો

રાજકોટ, તા. ૪ :. નાનામવા મેઈન રોડ પર રાજનગર સોસાયટીમાં માવતરે રીસામણે આવેલ પરિણીતાને વાંકાનેરમાં પતિ, સાસુ, સસરા અને દિયર ઘરકામ તથા કરીયાવર બાબતે મેણાટોણા મારી ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ આપતા ફરીયાદ થઈ છે.

મળતી વિગત મુજબ નાનામવા મેઈન રોડ રાજનગર સોસાયટીમાં માવતરના ઘરે રિસામણે આવેલા મોનાલીબેન ભવ્યાંક હેરમાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં વાંકાનેર નેશનલ હાઈવે ૨૭ ઉપર શાસ્ત્રીનગર સોસાયટી અરૂણોદય સોસાયટીમાં રહેતા પતિ ભવ્યાંક હિતેષભાઈ હેરમા, સાસુ નેહલબેન હિતેષભાઈ હેરમા, સસરા હિતેષભાઈ ઉર્ફે મુન્નાભાઈ દીલીપભાઈ હેરમા અને દિયર ઋતુરાજ હિતેષભાઈ હેરમાના નામ આપ્યા છે. મોનાલીબેને ફરીયાદમા જણાવ્યુ છે કે, પોતે એમએસસી સુધીનો અભ્યાસ કરેલ છે. પોતાના છએક માસ પહેલા વાંકાનેરના ભવ્યાંક હિતેષભાઈ હેરમા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે સાસરીયામાં પતિ, સાસુ, સસરા અને દિયર સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્ન બાદ દસ દિવસ સારી રીતે રાખેલ બાદ દાદાજી સસરા પહેલેથી જ દવાખાનામાં દાખલ હોઈ તેનુ અવસાન થતા તેના અવસાનનું કારણ પોતાને ગણી પતિ, સાસુ અને સસરાએ કહેલ કે તારા લીધે જ અવસાન થયુ છે અને પતિ, સાસુ, સસરા અને દિયર કરીયાવર બાબતે મેણાટોણા મારતા હતા અને સાસુ, સસરા ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરી મારકુટ કરતો હતો અને કહેતા કે 'તારે હવે અમે કહીએ એમ જ કરવાનું' અને રસોઈ તથા કપડા બાબતે સંભળાતા હતા. પ્રસંગમાં પણ સસરા કહે એ જ કપડા પહેરવાના અને તે બાબતે પતિ ઝઘડો કરી કહેતો કે 'તુ અમારા ઘરના કપડા પહેરતી જ નથી' કહી મારકુટ કરતો હતો. પોતાના લગ્ન થયાના પંદર દિવસ બાદ પોતાનું તેડુ મેલુ થયેલુ જેથી પોતે રાજકોટ માવતરે આવેલ બાદ પોતે સાસરીયે ગયેલ બાદ પોતાને ફુડ પોઇઝનીંગ થતા સારવાર માટે પતિ માવતરે મુકી ગયો અને કહેલ કે 'તારા બાપાને કે તારી સારવાર કરાવે, જેથી પોતાને સારવાર બાદ સારૂ થઇ જતા સાસરીયો ગયા ત્યારે પતિ વારંવાર સંભળાવતો કે 'તને તારા બાપના ઘરે જ ગમે છે' કહી ગાળો આપતો હતો. કયાંય બહાર જવુ હોય ત્યારે કાર બાબતે પતિ સંભળાવતા અને કહેતા કે તારા બાપાને કહે કે કાર લઇ આપે અને દિયર કહેતો કે કાર લઇએ પછી ભાભીના પપ્પા હપ્તા ભરી દેશે. કહી બંનેએ પોતાની પાસે કારની માગણી કરી હતી. તેમજ સાસુ, સસરા કરીયાવર બાબતે 'તારા પપ્પાએ ફર્નિચરના પૈસા નથી આપ્યા હવે તારા પપ્પાને કે ફર્નીચરના પૈસા આપે અને અમારા સ્ટેટસ મુજબ કરિયાવર લાવી નથી તેમજ અમારા સ્ટેટસ મુજબ લગ્ન કર્યા નથી તેમ મેણાટોણા મારતા હતાં. ત્યારબાદ લીંબડી દેવદર્શનને ગયા ત્યાં જમ્યા બાદ બીજા દિવસે પોતાની તબીયત બગડતા પતિ ફરી પોતાને સારવાર માટે રાજકોટ માવતરે મુકી ગયા અને કહેલ કે હવે તુ મરી જા તો પણ અમને કોઇ કાંઇ ન કહી શકે' અને પોતાને પહેરેલ કપડે જ રાજકોટ આવેલ ત્યારથી પોતે માવતરના ઘેર રહે છે. પોતાને કોઇ તેડવા ન આવતા ત્યારે પોતે પિતાને ત્રાસ બાબતેની વાત કરતા પિતાએ સમાધાનના પ્રયત્ન કરવા છતાં સાસરીયાઓએ ઝઘડો કર્યો હતો. બાદ પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એએસઆઇ આર. એ. મકવાણાએ તપાસ હાથ ધરી છે.

(3:22 pm IST)