Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

મચ્છર ઉત્પતિ અટકાવવા મ્યુ. કમિશ્નરનો એકશન પ્લાન

રાજકોટ : વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોની પ્રિ-ટ્રાન્સમિશન સિઝનના ભાગરૂપે આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને મેલેરિયા વિભાગની મિટીંગ યોજવામાં આવેલ, જેમાં મચ્છર ઉત્પતિ અટકાવવા તથા મચ્છરનો ઉપદ્રવ દેખાતો હોય તેવા કિસ્સામાં તેની સામે રક્ષણાત્મક કાર્યવાહી સત્વરે હાથ ધરવા સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં તમામ નાયબ કમિશન, બાયોલોજીસ્ટ, મેલેરિયા ઈન્સ્પેકટર, તમામ વોર્ડના સુપિરીયર ફિલ્ડ વર્કર હાજર રહેલ હતા તે વખતની તસ્વીર આ તકે મ્યુનિ. કમિશનર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ અટકાયતી માટે પોરાનાશક કામગીરી ઉપર ભાર મુકવામાં આવેલ, જેથી દરેક વોર્ડમાં મચ્છર ઉત્પન્ન ન થાય તેવી પરિસ્થિતી નિર્માણ કરવા જણાવવામાં આવેલ. ડેન્ગ્યુ, મેલેરિયા ફેલાવતા મચ્છર ઘરની અંદર સંગ્રહિત ચોખ્ખા પાણીમાં થતા હોવાથી લોકોને આવું પાણી પોરા ઉત્પન્ન થાય તે રીતે સંગ્રહિત ન કરવા લોકોને સમજાવવા માટે આરોગ્ય શિક્ષાણ આપવાની કામગીરી પર ભાર મુકવામાં આવેલ. તેમ છતાં લોકોના ધરોમાં મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી લોકો દ્વારા રાખવામાં આવે તો વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી સધન બનાવવાની સુચના આપવામાં આવેલ. વોર્ડમાં જરૂરીયાત મુજબ વધારાના વોલેન્ટીર્સ રાખી પોરાનાશક કામગીરી કરાવવા સુચના આપવામાં આવેલ. ફિલ્ડવર્કર અને વોલેન્ટીર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું બાયલોજીસ્ટ, મેલેરિયા ઈન્સ્પેકટર, સુપિરીયર ફિલ્ડવર્કર દ્વારા મોનીટરીંગ અને સુપરવિઝન કરવાની સુચના આપવામાં આવેલ હતી.

(4:32 pm IST)