Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

લોકડાઉન ખુલ્યા પછી પણ કામ નહોતું મળતું: આર્થિક ભીંસથી કંટાળી લોધા યુવાન રમેશ ઝરીયાનો આપઘાત

વિજય પ્લોટના યુવાને એસિડ અને ઝેર ભેગા કરી પી લીધાઃ બે પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૪: કોરોના મહામારીના લોકડાઉનને કારણે બધુ જ ઠપ્પ થઇ ગયું હતું. હવે લોકડાઉન ખોલી અનલોકનો પ્રથમ તબક્કો અમલી બનાવાયો છે. જો કે આમ છતાં અનેક લોકોને કામ રોજગારી મેળવવામાં ફાંફા પડી રહ્યા હોય તેવું લાગે છે. લોહાનગર પાસે વિજય પ્લોટમાં રહેતાં લોધા યુવાને આવા જ કારણોસર એસિડ અને મોનોકોટો નામની ઝેરી દવા ભેગા કરીને પી લઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વિજય પ્લોટ-૧૮માં રહેતો રમેશભાઇ ગુલાબભાઇ પતરીયા (ઉ.વ.૪૦) નામનો યુવાન સવારે એસિડ અને ઝેર ભેગા કરીને પી જતાં તેના ભાઇ અશોકભાઇએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ ટૂંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર રમેશભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. સંતાનમાં બે દિકરી છે. તેની પત્નિ જ્યોતિબેન મવડીમાં માવતરે ભીમ અગિયારસ કરવા ગઇ હોઇ બે દિવસથી ત્યાં રોકાઇ હતી. રમેશભાઇ છુટક સફાઇ કામ તેમજ કારખાનામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. લોકડાઉનને કારણે તે સતત અઢી મહિનાથી ઘરમાં હતો. લોકડાઉન ખુલ્યા પછી પણ બરાબર મજૂરી કામ મળતું ન થયું હોઇ આર્થિક ભીંસ અનુભવતો હતો. આ કારણે પગલુ ભર્યાની શકયતા તેના પરિવારજનોએ જણાવી હતી.  બે માસુમ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો છે.

(4:11 pm IST)