Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

વ્યાજખોરીમાં ફસાયા હોવ તો તુરત પોલીસ કન્ટ્રોલ રૂમ અથવા ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરો

વ્યાજખોરીના કેસમાં પોલીસ કમિશનરની સુચનાથી તુર્ત કડક કાર્યવાહીઃ બે પકડાયાઃ રેલનગરના વ્હોરા યુવાનને વ્યાજ માટે સતત ધાકધમકી આપનારા બે શખ્સોને પકડી લઇ કાયદાનું ભાન કરાવાયું

રાજકોટ તા. ૪: વ્યાજખોરીના બનાવો ફરીથી સામે આવવા માંડતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આવા કેસમાં તુરત જ કાર્યવાહી કરવા સુચના આપી હોઇ પ્ર.નગર પોલીસે આવા એક ગુનામાં તુરત જ બે શખ્સની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

રેલનગર સાધુ વાસવાણીકુંજ રોડ મહર્ષી દયાનંદ સરસ્વતિ ટાઉનશીપમાં રહેતાં હુશેનભાઇ ઇસ્માઇલભાઇ શામ (વ્હોરા)ને બે શખ્સો દસ ટકે વ્યાજ આપી દર મહિને પાંચ પાંચ હજાર વ્યાજ વસુલી છેલ્લે લોકડાઉનને કારણે આ યુવાન વ્યાજ ન આપી શકતાં તેના ઘરે જઇ પઠાણી ઉઘરાણી કરી તેને ઉઠાવી જઇ હાથપગ ભાંગી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસ કમિશનર સુધી રજૂઆત આવતાં તેમની સુચનાથી ક્રાઇમ બ્રાંચ પીઆઇ એચ. એમ. ગઢવી અને પ્ર.નગર પીઆઇ વી. એસ. વણઝારાએ તુરત કાર્યવાહી કરી હતી.

પ્ર.નગર પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં બે આરોપી  શૈલેષ મુકેશભાઇ વાડોદરીયા (ઉ.૩૧-રહે. મનહરપ્લોટ ગોડાઉન રોડ ગુજરાત પાન પાસે) તથા તેજસ જગદીશભાઇ સુબા (ઉ.૨૭-રહે. મનહરપ્લોટ, આશાપુરા એપાર્ટમેન્ટ)ની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં જો કોઇ વ્યાજ માટે ગુનાખોરી આચરશે તો કડક કાર્યવાહી કરવામં આવશે. કોઇ વ્યાજખોરોનો ભોગ બન્યા હોય તો પોલીસ કન્ટ્રોલ રૂમ અથવા ડીસીબી પોલીસ સ્ટેશન (ક્રાઇમ બ્રાંચ) રેસકોર્ષ નજીક સંપર્ક કરવા જણાવાયું છે.

(4:05 pm IST)