Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

લીમડા ચોકમાં ડબલ સવારીમાં નંબર પ્લેટ અને માસ્ક વગર નીકળેલા યુવાને ટ્રાફિક પોલીસ સાથે ડખ્ખો કર્યો

હવા કર્યા બાદ પોલીસ મથકે લઇ જવાતાં ઢીલોઢફઃ માફી માંગી લેતાં મામલો થાળે

. કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકોએ બહાર નીકળતી વખતે ફરજીયાત અમુક નિયમોનું પાલન કરવાનું છે. માસ્ક પહેરવું પણ ફરજીયાત છે. અગાઉ ટુવ્હીલરમાં એક સવારીની જ છુટ હતી. પરંતુ અનલોકમાં ડબલ સવારીની છુટ અપાઇ છે. નિયમોનું પાલન કરવું ફરજીયાત હોવા છતાં અમુક લોકો સમજતાં નથી. લીમડા ચોકમાં આવા જ કારણોસર એક શખ્સે ટ્રાફિક પોલીસ સાથે માથાકુટ કરી હતી. આ શખ્સ નંબર વગરના ટુવ્હીલરમા બીજા એક શખ્સને બેસાડીને નીકળ્યો હતો. માસ્ક પણ પહેર્યુ નહોતું. ટ્રાફિક પોલીસે તેને અટકાવી નિયમો સમજાવતાં અને દંડની વાત કરતાં આ શખ્સ રોષે ભરાઇ ગયો હતો અને ઉશ્કેરાઇ જઇ ન બોલવાના શબ્દો બોલી ગયો હતો. એ પછી તેણે પોતાના મોબાઇલ ફોનથી ટ્રાફિક પોલીસનો વિડીયો ઉતારવાનું પણ શરૂ કર્યુ હતું. તેની હવા વધી જતાં નાછુટકે કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતાં ગાડી આવી હતી અને આ શખ્સને તેમાં બેસાડી પોલીસ મથકે લઇ જવાયો હતો. પરંતુ અહિ પહોંચતા જ તે જાણે કાયદો સમજી ગયો હોય તેમ ઢીલોઢફ થઇ ગયો હતો અને માફામાફી કરવા માંડ્યો હતો. પોલીસમેને પણ માનવતા દાખવી તેને માફ કરી દીધો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:17 pm IST)