Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કિલ્લેબંધી દૂર થતા જંગલેશ્વર વિસ્તારનું જનજીવન ધબકયુ

ગઇકાલે જ રસ્તાઓ તંત્રે ખૂલ્લા કરી દીધા : હજુ પણ પતરા હટાવવાની કામગીરી ચાલુ : હવે માત્ર અંકૂર સોસાયટીમાં ૧પ૦૬ લોકો કોરોન્ટાઇન : સવારથી જ શ્રમિક લોકો પોત પોતાના ધંધે પહોંચ્યા : રિક્ષા ચાલકો ફરતા થઇ ગયા : આસપાસની સોસાયટીના હિન્દુ-મુસ્લિમ વેપારીઓની દુકાનો ધમધમી : રસ્તાઓ ઉપર ચહલ-પહલ દેખાણી : અનેક પરિવારો બહારગામ નિકળ્યા

જંગલેશ્વર વિસ્તારમાં ગઇકાલે પતરા હટાવવાની કામગીરી ચાલુ કરાઇ એ પૂર્વે સૌ પ્રથમ પટેલનગર વિસ્તારના પ૦ ફુટ રોડ ઉપર બનેલ આડસને દૂર કરવામાં આવી ત્યારની પ્રથમ તસ્વીરમાં હાજીભાઇ ઓડીયા અને અન્ય લતાવાસી ત્થા કર્મચારી સ્ટાફ નજરે પડે છે. જો કે અનલોક પહેલા આ વિસ્તારના કોંગ્રેસી અગ્રણી રહીમભાઇ સોરા, હારૂનભાઇ ડાકોરા સહિતનાએ તંત્રને આવેદન આપેલ. આ ઉપરાંત ઇબ્રાહીમભાઇ સોરા, અને તેમના સાથીદારોએ પણ આવેદન આપેલ અને અન્ય હિન્દુ-મુસ્લિમ ગ્રુપોએ પણ તંત્રને કન્ટેન્ટમેન્ટ ઝોન ખૂલ્લો કરવા થયેલી રજુઆતોને સમર્થન આપેલ હતું.

રાજકોટ, તા. ૪ : કોરોના વાયરસના લીધે 'હોટસ્પોટ' બનેલા જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ૪પ દિવસમાં એક પણ કેસ નહીં નોંધાતા રાજય સરકારની સૂચનાથી ગઇકાલે જંગલેશ્વર વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુકત થઇ જતા આ સમગ્ર વિસ્તાર આજ સવારથી ધમધમવા લાગ્યો છે.

જંગલેશ્વર આસપાસની એકતા કોલોની, ગોકુલનગર, પટેલનગર, ભરતવન સોસાયટી, ગ્રીન પાર્ક, મેહુલનગર, બુદ્ધનગર સોસાયટી, લેઉઆ પટેલ સોસાયટી, મહાત્મા ગાંધી સોસાયટી, તક્ષશિલા સોસાયટી, રાધાકિષ્નનગર, દેવપરા, વિવેકાનંદનગર, શિયાણીનગર, મહેશ્વરી સોસાયટી, અકુર સોસાયટી, આર.એમ.સી. કવાર્ટસ વિસ્તાર, નિલરત્નમ પાર્ક, નિલકંઠ પાર્ક સહિતનો વિસ્તાર આ ત્રિજયામાં આવતો હોઇ કોરોન્ટાઇન કરાયો હતો. અને આ વિસ્તારના ર૦થી વધુ રસ્તાઓ સંપૂર્ણ બંધ કરી દઇ દેવપરા પાસે મુખ્ય પ્રવેશદ્વાર બનાવી ત્યાં પણ સીલ કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારને 'કિલ્લેબંધી' થઇ ગઇ હતી. 

જો કે ૩૧મીએ લોકડાઉન-૪ પૂર્ણ થતાં અને ૧લી જુનથી અનલોક શરૂ થતાં આ વિસ્તાર આજે ખૂલશે. કાલે ખુલશે તેવી વાતો વહેતી થઇ હતી, પરંતુ ગઇકાલે આ સમગ્ર કિલ્લેબંધી હટાવી લેવામાં આવતા આ વિસ્તારના લોકો ફરી પોતાના રોજીંદા કામોમાં પ્રવૃત થઇ ગયા છે.

ગુજરાતભરમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ જંગલેશ્વર વિસ્તારમાં જ નોંધાયો હતો તે પછી તેનું સંક્રમણ ફેલાતા આ વિસ્તારમાં દર્દીઓ વધ્યા હતાં જે સામે તંત્રએ ગંભીરતા લઇ આ નિર્ણય લીધો અને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તંત્રને ભારે સફળતા મળ્યા બાદ થોડા દિવસ પહેલા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે નવી ગાઇડલાઇન મુજબ દરખાસ્ત કરતા ગઇકાલે જંગલેશ્વર અને આસપાસની સોસાયટીઓમાં લગાડેલા પતરા હટાવવાની કામગીરી શરૂ કરાઇ હતી જે આજે પણ ચાલુ રહી છે.

બીજી તરફ લાંબો સમય કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા આ વિસ્તારમાં ખાસ કરીને શ્રમિકો વધુ રહેતા હોઇ તેઓ પરેશાન થયા હતાં અને છેલ્લા કેટલાય દિવસથી હવે અમારી પાસે ખાવાનું નથી કે પૈસા નથી તેમ રજુઆતો કરવા લાગ્યા હતાં અને રોજગારી વિનાના થઇ ગયા હોઇ અકળાઇ ઉઠયા હતા અને વધુ પરેશાન થઇ ગયા હતા. એવા સમયે જ તેઓ મુકત થઇ જતા તેઓ પણ ગઇકાલે આ કિલ્લેબંધી દૂર થતા હર્ષિત થઇ ગયા હતા.

કિલ્લેબંધી હટતા જ આ વિસ્તારના હિન્દુ-મુસ્લિમ અને પરપ્રાંતિય શ્રમિકો પોત પોતાના ધંધા સ્થળે સવારથી રવાના થવા લાગ્યા હતા. રીક્ષા ચાલકો પણ પોતાના રિક્ષાઓ લઇ રોજી મેળવવા નિકળી ગયા હતાં. શ્રમિકો કામધંધે ચડતા જ આસપાસના કારખાનાઓ પણ ધમધમવા લાગ્યા હતાં એ ઉપરાંત આજે સવારથી જ ફરસાણ અને પાનની દુકાનો સહિતના વિવિધ ધંધાર્થીઓએ પણ પોતાના ધંધાઓ શરૂ કરી દેતા આ વિસ્તારની જે શેરી -ગલીઓ અને રસ્તાઓ સુમસામ બન્યા હતાં જે આજ સવારથી ત્યાં ચહલ-પહલ રાબેતા મુજબ જોવા મળી હતી.

બીજી તરફ છેલ્લા દોઢેક માસથી આ વિસ્તારના લોકો કિલ્લેબંધીમાં હોઇ અને વાહન વ્યવહાર પણ લોકડાઉનમાં ઠપ હોઇ મરણોતર પ્રસંગે હાજરી નહીં આપી શકતા અને અરસપરસ લોકડાઉનમાં ફસાયેલ  હોય તે લોકો પણ મુકિતના લીધે બહારગામ તરફ વાટ પકડી હતી.

આ વિસ્તારમાં ૭૧૦૮ મકાનોના ૪૧ હજાર ૪ર૮ જેટલા લોકો કોરોન્ટાઇન થયા હતાં જેમાં હિન્દુ-મુસ્લિમ બન્ને પરિવારોનો સમાવેશ થાય છે, પરંતુ બહુમત મુસ્લિમ વસતિ હોઇ તાજેતરના રમઝાન માસ અને ઇદ જેવા પર્વ પણ લોકડાઉનમાં પસાર થઇ ગયા બાદ અનલોક-૧માં મુકત થઇ જતા ગઇકાલે સૌ પોત પોતાના ઘરોમાંથી બહાર આવી જઇ રોજીંદા કામોમાં પ્રવૃત થવાની તૈયારી કરી લેતા એક અનેરી ખુશી વ્યાપી ગઇ હતી.

જયારે જંગલેશ્વર પાસે જ આવેલ અંકુર સોસાયટીમાં બહાર આવેલ એક પોઝીટીવ કેસ સારવારમાં હોઇ અને આજ વિસ્તારમાં એક કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નોંધાયેલ હોઇ હાલમાં અંકુર સોસાયટીના ૪૦૦ જેટલા મકાનોના ૧પ૦૬ જેટલા લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરાતા અંકુર સોસાયટીની કેટલીક શેરીઓને સીલ કરી દઇ બંદોબસ્ત ગોઠવી  દેવાયો છે. જો કે આ કન્ટેન્ટમેન્ટ ઝોન પણ જો નવા કોઇ કેસ ના  નોંધાય તો એક સપ્તાહ સુધીનો જ છે.

(3:14 pm IST)