Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ચુડાસમા પ્લોટમાં ગંદા પાણીની સમસ્યા યથાવત : કોર્પોરેટરોએ ગટરો સાફ કરાવી : પ્રશ્નના કાયમી ઉકેલ માટે નવી લાઇન નંખાશે

રાજકોટ તા. ૪ : શહેરના આમ્રપાલી વિસ્તારમાં આવેલ ચુડાસમા પ્લોટમાં છેલ્લા ઘણા દિવસથી ગંદુ પાણી વિતરણ થતું હોવાની સમસ્યા છે ત્યારે ગઇકાલે વોર્ડ નં. ૨ના કોર્પોરેટરોએ આ વિસ્તારની ભૂગર્ભ ગટરો સાફ કરાવી હતી. છતાં આજે પણ ગંદુ પાણી આવતા લતાવાસીઓમાં જબરો દેકારો બોલી ગયો હતો.

આ અંગેની વિગતો મુજબ ચુડાસમા પ્લોટ શેરી નં. ૪માં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળી જતા આ ગટરનું પાણી ૧૦ થી ૧૨ મકાનોમાં વિતરણ થતાં ગઇકાલે લતાવાસીઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી. આ દરમિયાન વોર્ડ નં. ૨ના કોર્પોરેટરો મનીષ રાડિયા, જયમીન ઠાકર, ડો. દર્શિતા શાહ, સોફિયાબેન દલ દ્વારા ગઇકાલે જ આ વિસ્તારમાં જેટીંગ મશીન વગેરે મોકલીને ભૂગર્ભ ગટરની લાઇનો સાફ કરાવી હતી. આમ છતાં આજે પણ ગંદુ પાણી આવતા ગૃહિણીઓનાં ટોળા સવારે એકત્રીત થયા હતા અને તંત્રવાહકો સામે રોષ ઠાલવ્યો હતો. વોર્ડ ઓફિસરને સ્થળ પર બોલાવી આજે પણ ગટરનું ગંદુ પાણી સવારે ૯.૨૦ વાગ્યે પાણી વિતરણ થતું હતું ત્યારે બોલાવી જાહેર આરોગ્ય માટે ખતરારૂપ તંત્રની બેદરકારીને અધિકારીઓને રૂબરૂ બોલાવીને બતાવ્યું હતું.  દરમિયાન કોર્પોરેટર મનીષ રાડિયા પણ સ્થળ પર દોડી ગયા હતા અને તાત્કાલીક તમામ ભૂગર્ભ ગટરની કુંડીઓ ખોલાવી જેટીંગ મશીન માઉન્ટેડ,રીક્ષા વગેરે સાધનો દ્વારા ઘનિષ્ઠ સફાઇ શરૂ કરાવી હતી. જેથી ગંદા પાણીની સમસ્યા હળવી થઇ શકે અને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે શેરીમાં પાણીની નવી પાઇપ લાઇન નાંખવા તજવીજ હાથ ધરી હતી.

(3:13 pm IST)