Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

જમાઇ અને વેવાણે ડખ્ખો કરતાં ભગવતીપરાના ઝરીનાબેને ઝેર ગટગટાવ્યું: ગુનો દાખલ થયો

દિકરી મેરૂનને તેનો પતિ આરીફ અને સાસુ સારૂબેન સતત હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૪: ભગવતીપરામાં રહેતાં વિધવા મુસ્લિમ મહિલાએ પડોશમાં જ સાસરૂ ધરાવતી પોતાની દિકરીને તેનો પતિ અને સાસુ સતત હેરાન કરતાં હોઇ ગઇકાલે પણ દિકરીને ગેસના બાટલા બાબતે ગાળો દેતાં પોતે કંટાળી જતાં ઝેરી દવા પી લેતાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. પોલીસે મહિલાના જમાઇ અને વેવાણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે ભગવતીપરામાં આશાબા પીરની દરગાહ પાસે રહેતી ઝરીનાબેન અનવરભાઇ પઠાણ (ઉ.૪૦)ની ફરિયાદ પરથી તેેણીના જમાઇ આરીફ હાસમભાઇ જુણેજા તથા વેવાણ સારૂબેન હાસમભાઇ સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ઝરીનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરુ છું. મારા પતિ ૨૦૦૬માં ગુજરી ગયા છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. જેમાં મોટો અફઝલ નવાગામ રહે છે. એ પછી દિકરી અફસાના અને મેરૂન છે. આ બંનેના પણ લગ્ન થઇ ગયા છે. નાનો કાદર પણ પરણેલો છે તે મારી બાજુમાં જ રહે છે. દિકરી મેરૂનના લગ્ન છ વર્ષ પહેલા આરીફ હાસમભાઇ જૂણાચ સાથે થયા છે. તે અમારા મકાનની સામે જ રહે છે. બુધવારે સવારે હું ઘરે હતી ત્યારે દિકરી મેરૂન રડતી રડતી આવી હતી. મેં તેને શું થયું? તેમ પુછતાં તેણે કહ્યું હતું કે-મેં માર પતિ આરીફને ગેસનો બાટલો ભરવાનું કહેતાં પતિ અને સાસુ સારૂબેને મળી ઝઘડો કર્યો છે.

મારી દિકરી મારા ઘરે જ હતી ત્યાં જમાઇ આરીફ અને વેવાણ સારૂબેને આવી મને તથા મારી દિકરીને ગાળો દેવા માંડ્યા હતાં. પડોશીઓ ભેગા થઇ જતાં આ બંને જતાં રહ્યા હતાં. અવાર-નવાર જમાઇ તથા વેવાણ મારી દિકરીને હેરાન કરે છે. આ બંનેના ત્રાસથી કંટાળી જઇ મેં ઘરમાં ઉંદર  મારવાની દવા પી લેતાં ચક્કર આવવા માંડતા મારી દિકરી મને હોસ્પિટલે લઇ ગઇ હતી.  ઝરીનાબેનના આ કથનને આધારે બી-ડિવીઝનના હેડકોન્સ. એસ. એમ. માડમે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)