Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ધ્રોલના લ્યારા પાસે આખલો આડે ઉતરતા એક્ટિવા ફંગોળાયું ;રાજકોટની કોલેજીયન યુવતીનું કરૂણમોત :તેણીના ભાઈને ઇજા

પરિવાર સાથે લ્યારા કુળદેવીના દર્શને જતા રસ્તામાં અકસ્માત નડ્યો

ધ્રોલના લ્યારા પાસે આખલો આડો ઉતરતા રાજકોટની કોલેજીયન યુવતીનું કરૂણમોત નીપજ્યું છે જયારે એક્ટિવામાં પાછળ બેઠેલા તેણીના ભાઈને ઇજા પહોંચી છે

 આ અંગે મળતી વિગત મુજબ રાજકોટની યુવતી ભાઈ સાથે એક્ટિવા પર જતી હતી ત્યારે ધ્રોલના લ્યારા પાસે આખલો વચ્ચે આવતાં એક્ટિવા ફંગોળાઈ ગયું હતું અને કોલેજીયન યુવતી તથા તેનો ભાઈ ઉથલી પડ્યા. જેમાં સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું જ્યારે તેનો ભાઈ સારવાર હેઠળ છે. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી આ યુવતી પરિવારજનો સાથે લ્યારા કુળદેવીના દર્શન કરવા જઇ રહી હતી ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો.

  રાજકોટના સાધુ વાસવાણી રોડ પર નટરાજનગર પાસે કૈલાસપાર્ક-14માં રહેતા અને જિલ્લા પંચાયતમાં પ્યુન તરીકે નોકરી કરતાં પ્રવિણભાઇ પાટડીયાના કુટુંબીજનો ગઇકાલે રવિવારે જુદા-જુદા ટુ વ્હીલર પર લ્યારા ગામે કુળદેવીના દર્શન કરવા જવા નીકળ્યા હતા. જેમાં એક્ટિવા પર પ્રવિણભાઇની દિકરી વિદ્યા (ઉ.21) અને પુત્ર કરણ (ઉ.16) બેઠા હતા. વિદ્યા એક્ટિવા હંકારી રહી હતી. બધા લ્યારા પાસે પહોંચ્યા ત્યારે વાહનો આગળ પાછળ થઇ ગયા હતાં.

   દરમિયાન વિદ્યાના એક્ટિવા આડે અચાનક આખલો ધસી આવતાં તેણી અને પાછળ બેઠેલો ભાઇ ફંગોળાઇ જતાં બંનેને ઇજાઓ થઇ હતી. ધ્રોલ સારવાર અપાવી વિદ્યાને ગંભીર ઇજા પહોંચી હોવાથી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર વિદ્યા બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી.

(8:33 pm IST)