Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

ગુરૂવારથી ચોમાસુ - પવનો સક્રિય : ૧૦મી સુધી કોંકણ કવર કરશે

પવનો મુખ્યત્વે પશ્ચિમના જ ફૂંકાશે, તાપમાન નોર્મલ નજીક રહેશે, ભેજ વધશે, બફારો પણ વધશે : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એકિટવીટી ચાલુ જ રહેશે, વિસ્તારો વધશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૪ : દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ટૂંક સમયમાં જ મુંબઈ અને ગોવામાં પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના છે. દરમિયાન વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં ૭મી જૂનથી ચોમાસુ પવનો સક્રિય બની જશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ૭થી ૧૦ દરમિયાન કોંકણમાં બેસી જાય તેવી શકયતા છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એકિટવીટી ચાલુ જ રહેશે. જેના વિસ્તારો વધશે. પવનો મુખ્યત્વે પશ્ચિમના જ ફૂંકાશે. તાપમાન નોર્મલ નજીક જ રહેશે. ભેજનું પ્રમાણ વધશે એટલે બફારાનો અનુભવ થશે.

તેઓએ જણાવેલ કે છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ થોડી મંદ ગતિએ આગળ વધેલુ અને ભારતના દક્ષિણ, કેરળ, તામિલનાડુ, કર્ણાટક (અડધુ) તેમજ પૂર્વોત્તર રાજયો (આસામના અમુક ભાગો, નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુર સિવાય)માં ચોમાસુ પહોંચી ગયું છે.

અશોકભાઈ તા.૪ થી ૧૦ (સોમથી રવિ) જૂન દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ ગુજરાતમાં હાલ પ્રિ-મોન્સૂન ચાલુ છે અને હજુ ચાલુ જ રહેશે. પ્રિ-મોન્સૂન એકિટવીટીના વિસ્તારો વધશે. તા.૬ થી વાદળાનું પ્રમાણ પણ વધશે. પવનો મુખ્યત્વે પશ્ચિમના ફૂંકાશે. જયારે મહત્તમ તાપમાન નોર્મલ નજીક એટલે કે ૪૦ ડિગ્રી નજીક જ રહેશે. ભેજનું પ્રમાણ વધશે એટલે અસહ્ય બફારાનો અનુભવ થશે. આગાહીના પાછલા દિવસોમાં એટલે કે તા.૭ થી ૧૦ જૂન (ગુરૂથી રવિ) દરમિયાન કોંકણમાં ચોમાસુ બેસી જશે.

એક ઈસ્ટ વેસ્ટ સિયરઝોન (સામસામા પવનો) ૩.૧ કિલોમીટરના લેવલે ૧૨ ડિગ્રી નોર્થ ઉપર છે તેમજ એક અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં છે. તેમજ એક ટ્રફ ૧.૫ કિલોમીટરની ઉંચાઈએ પંજાબથી વેસ્ટ બેંગાલ સુધી જાય છે. જે હરિયાણા, નોર્થ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડમાંથી પસાર થાય છે. તેવી જ રીતે એક બીજો ટ્રફ ઉત્તરપ્રદેશથી મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી તરફ (વાયા પૂર્વ એમપી, વિદર્ભ થઈ આંધ્ર, મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી) જાય છે.(૩૭.૧૪)

 

(4:02 pm IST)