Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

પુતળીબા ઉદ્યોગ મંદિરના કામદારની નોકરીમાં પુનઃ સ્થાપિતની અરજી રદ

રાજકોટ તા. ૪ :.. અત્રેના કામદાર સુરભીબેન યાજ્ઞિકે તેઓને સામાવાળા પુતળીબા ઉદ્યોગ મંદિર ટ્રસ્ટે તા. ૧-૧ર-૯ર થી તા. ૩૧-૧૦-૦૧ સુધી સતત અને સળંગ નોકરી કરતા હોવા છતાં સંસ્થાએ તેણીને તા. ૩૧-૧૦-૦૧ નાં રોજ છૂટા કરતા, મજકુર કામદારે મેનેજમેન્ટનું આ પગલુ લેબર કોર્ટ, રાજકોટ સમક્ષ રેફરન્સ દાખલ કરી પડકારયેલ હતું. અને લેબર કોર્ટ, રાજકોટે તા. ૧૦-૧૧-૧૧ નાં ચુકાદાથી કામદારની તરફેણમાં ચુકાદો આપી નોકરીમાં પુનઃ સ્થાપિત કરવા અને ૪૦ ટકા પગાર ચુકવવા હુકમ કરેલ હતો.

પરંતુ મેનેજમેન્ટે કામદારને નોકરીમાં પુનઃ સ્થાપિત કર્યા બાદ તા. રર-ર-૧૧ ના રોજ ફરીથી નોટીસ પગાર અને બેકારી વળતર ઓફર કરી મજકૂર કામદારને તેઓની સંસ્થામાં જરૂરીયાત ન હોય, રીટ્રેન્ચ કરેલ. અરજદારે હકક, હિસ્સાની રકમ સ્વિકારેલી નહીં અને તેણીને કરવામાં આવેલ મની - ઓર્ડર પરત આવેલ. કામદારે ફરીથી લેબર કોર્ટ, રાજકોટમાં રેફરન્સ એલ. સી. આર. નં. ૧૪/૧૩ દાખલ કરી સંસ્થાનું આ પગલુ પડકારેલ હતું.મેનેજમેન્ટ વતી ટ્રસ્ટી ઇન્દુબેન છાયાએ લેબર કોર્ટ સમક્ષ જૂબાની આપેલ કે, મજકુર કામદારની ઉંમર હાલ ૬૦ વર્ષ થઇ ગયેલ છે, આથી વયમર્યાદાનાં કારણોસર પણ નોકરીમાં પુનઃ સ્થાપિત કરી શકાય નહીં. વિશેષમાં સંસ્થાએ ઔદ્યોગીક વિવાદધારા, ૧૯૪૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી, નોટીસ પગાર અને બેકારી વળતર ઓફર કરી મજકુર કામદારને છૂટા કરેલ છે અને તેણીની જગ્યાએ કોઇ નવા કામદારને નોકરીમાં રાખેલ.

મેનેજમેન્ટ વતી એડવોકેટ શ્રી પી. આર. દેસાઇએ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટનાં ચુકાદાઓ રજૂ કરેલા. અને દલીલ કરેલ કે, મેનેજમેન્ટે ઔદ્યોગિક વિવાદધારાની સેકશન-રપ (એફ)નું પાલન કરેલ છે અને મજકુર કામદારની જગ્યાએ કોઇ નવી ભરતી કરેલ નથી. આથી ઔદ્યોગિક વિવાદધારા કાયદાનાં સેકશન-રપ(જી) અને રપ (એચ) નો પણ ભંગ થતો નથી.

લેબર કોર્ટ, રાજકોટે આ કામમાં પક્ષકારોનાં પડેલ પુરાવાઓ તથા મેનેજમેન્ટનાં વ. શ્રી પી. આર. દેસાઇની દલીલો મજકૂર કામદાર-સુરભીબેનનો ચડત પગારે સળંગ નોકરીમાં લેવાનો રેફરન્સ રદ કરેલ છે.

ઉપરોકત રેફરન્સ કેસમાં પુતળીબા ઉદ્યોગ મંદિર ટ્રસ્ટ, રાજકોટ વતી એડવોકેટ શ્રી પી. આર. દેસાઇ અને શ્રી એસ. પી. વાઢેર રોકાયેલા હતાં. (પ-૧૯)

(3:59 pm IST)