Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

કિરીટ જોષી હત્યામાં રાજકોટની લીન્ક? તપાસનો ધમધમાટ

જામનગરના એડવોકેટની હત્યાના ચકચારી મામલે નવો વળાંકઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને જામનગર પોલીસ ટીમો દ્વારા રાજકોટના ચોક્કસ વિસ્તારોના સીસીટીવી ફૂટેજો મેળવાતા ખળભળાટ : રાજકોટથી જામનગર જતા રસ્તા ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવાયાઃ દ્વારકાથી જામનગર તરફના સીસીટીવી ફૂટેજ પણ લેવાયા રાજકોટ લીન્ક પ્રસ્થાપિત કરવા ભારે ગુપ્તતા પૂર્વક ચકાસણી

રાજકોટ તા. ૪: જામનગરનાં જાણીતા એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યા પ્રકરણમાં સ્થાનિક પોલીસની મદદમાં રાજયના પોલીસ વડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને તેની ટેકનિકલ ટીમોને મદદમાં મોકલી હતી.

જામનગર અને અમદાવાદ પોલીસ ટીમે જામનગરમાં હત્યાની ઘટના પાસેના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા પરંતુ આ ફૂટેજો નબળા હોવાથી આ સમગ્ર મામલાની લીંક મેળવવા માટે જામનગર પોલીસની તપાસનીશ ટીમ સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમ રાજકોટ આવી હતી.

રાજકોટથી જામનગર તરફના ચોકકસ સીસી ટીવી ફૂટેજો મેળવ્યા હતા.

પોલીસ સૂત્રોના કથન મુજબ કિરીટભાઇ જોષીની હત્યા સાથે રાજકોટની લીંક હોવાની ચોકકસ શંકાના આધારે રાજકોટથી સીસીટીવી ફૂટેજ એકઠા કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી હત્યા સાથે રાજકોટની લીંક પ્રસ્થાપિત કરવા મથામણ ચાલી રહ્યાનું સુત્રો જણાવે છે.

ટોચના પોલીસ વર્તુળોમાંથી સાંભળતા નિર્દેશ મુજબ જામનગર અને અમદાવાદના બ્રાઇમ બ્રાન્ચની ખાસ ટીમે દ્વારકા અને જામનગર જતા વિસ્તારના કેટલાક સીસી ટીવી ફૂટેજો પણ મેળવ્યા છે.

જામનગરની હત્યા સ્થળેથી મળેલા સીસી ટીવી ફૂટેજો રાજકોટથી મેળવાયેલા સીસી ટલીવી ફૂટેજો અને દ્વારકાના સીસી ટીવી ફૂટેજો એક સાથે રાખીને હત્યા સાથે રાજકોટની લીંક હોવાની શંકા છે તેની પુષ્ટિ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ભારે ગુપ્તતા પૂર્વક મથામણ ચાલી રહ્યાનું જાણવા મળે છે.

(6:20 pm IST)