Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સિંચાઇ ખાતાના નિવૃત વર્ક આસીસ્ટન્ટ કોડીનારના વૃધ્ધ પ્રેમજીભાઇનું રાજકોટમાં અકસ્માત બાદ મોત

બસમાં બેસી રાજકોટ ગોંડલ રોડ ચોકડીએ ઉતર્યાઃ ત્યાંથી પરિચીતની કારમાં બેઠા અને પી.ડી.એમ. પાસે અકસ્માત સર્જાયોઃ શરીર પર ઇજા ન હોઇ અકસ્માત બાદ ગભરાઇ જતાં હાર્ટએટેક આવ્યાની શંકા

રાજકોટ તા. ૪: ગોંડલ રોડ પર પી. ડી. માલવીયા કોલેજ પાસે સવારે કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા સિંચાઇ ખાતાના નિવૃત કર્મચારી કોડીનારના ચમાર વૃધ્ધને મોઢા પર મુંઢ ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતું અહિ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃત્યુ અકસ્માતની ઇજાથી થયું કે અકસ્માત સર્જાતા ગભરાઇ જતાં હાર્ટએટેક આવવાથી થયું? તે જાણવા પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

જાણવા મળ્યા મુજબ કોડીનાર સુગર ફેકટરી સામે સેલીનીટી કોલોનીમાં રહેતાં સિંચાઇ ખાતાના નિવૃત વર્ક આસીસ્ટન્ટ પ્રેમજીભાઇ શકરાભાઇ મહિડા (ચમાર) (ઉ.૬૦) કામ સબબ આજે સવારે બસમાં બેસી રાજકોટ આવ્યા હતાં અને ગોંડલ રોડ ચોકડીએ ઉતર્યા હતાં. ત્યાંથી પરિચીત અશ્વિનભાઇ વજુભાઇ ચોૈહાણની કારમાં બેસીની રાજકોટ તરફ આવતાં હતાં ત્યારે પી.ડી. માલવીયા કોલેજ નજીક પાપડની બસ નં. જીજે૩બીટી-૯૭૯૮ સાથે કાર અથડાતાં પ્રેમજીભાઇનું મોઢુ સીટમાં અથડાયું હતું. દરવાજો દબાઇ ગયો હોઇ તે જાતે જ ધક્કો મારી બહાર નીકળ્યા હતાં. તે ગભરાઇ ગયા હોઇ સારવાર માટે સાથેના અશ્વિનભાઇ સહિતે તેમને સિવિલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

માલવીયાનગર પોલીસને જાણ થતાં એ.આર. મલેકએ જરૂરી કાર્યવાહી કરી હતી. શરીર પર કયાંય દેખીતી ઇજા નથી ત્યારે મૃત્યુ અકસ્માત બાદ ગભરાઇ જતાં હાર્ટએટેકથી થયાનું પ્રાથમિક તારણ હતું. મોતનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવશે. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. (૧૪.૬)

 

(11:48 am IST)