Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂ મુફદલ સૈફુદીન સાહેબનો કાલે ૭૫ મો જન્‍મદિન

‘‘સદા રહેજો બાકી સલામત એ મૌલા, હજારો વરસ એમ દોઆ છે હમારી''

રાજકોટ : શાંતિ અને અમનના દુત ૫૩ માં દાઇ અલ મુત્‍લક દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂ ડો. સૈયના વ મૌલાના અબુ જાઅફરૂસ્‍સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ની કાલે ૭૫ મી મિલાદ મુબારક (જન્‍મ દિવસ) હોય રાજકોટ સહીત સૌરાષ્‍ટ્રભરાં અનેરી ઉજવણી માટેની તૈયારીઓ થઇ રહી છે.

વિશ્વભરના લાખો દાઉદી વ્‍હોરા સમાજમાં ઉમંગની હેલી પ્રસરી છે. આધ્‍યાત્‍મિકતા, શ્રધ્‍ધા, ભક્‍તિ, ભાઇચારો, સર્વધર્મ સમભાવની ભાવના, માનવ જાતની સેવા, ભલાઇ માટેના કામો કરવાની તેમની ખેવનાવંદનને પાત્ર છે. પિતા પ૨ માં દાયી અલ મુત્‍લક ડો. સૈયદના વ. મૌલાના અબુલ કાઇદ જોહર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રી.અ.) ના સંપૂર્ણ કાર્યો વફાત બાદ તેઓએ સુપેરે સંભાળી લીધા છે.

કાલે તા. ૫ ના મંગળવારની રાત્રી રમજાનની લયલતુલા કદરની રાત (જાગરણ) છે. હી.૧૩૬૫ મી.તા.૨૩ મી રમજાન લયતુલા કદરની મુબારક રાતમાં સુરત શહેરમાં સૈફુદીન સાહેબ (ત.ઉશ.) નો જન્‍મ  (વિલાદત) થયો હતો. આ તેમની ૭૫ મી મીલાદ મુબારક (જન્‍મ દિવસ) ની રાત અને લયયતુલ કદરની મોટી જાગરણની રાત બન્ને સાથે આવતી હોય વ્‍હોરા સમાજમાં ખુશનો ઉમંગ બેવડાયો છે. આ રાતના મુસ્‍જીદોમાં વહેલી સવાર સુધી ઇબાદત થશે. દેશની પ્રગતી, ભાઇચારો, વિશ્વ શાંતિ માટે દુઆ કરાશે અને ડો. સૈયદના વ મૌલાના અબુ જાઅફરૂસ્‍સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉશ.) ના હકમાં ખાસ દુઆ કરી મુબારક બાદી પેશ કરાશે.

ઉલ્લેખનીય છે કે ૫૨ માં દાઇ અલ મુતલક ડો. સૈયદના સાહેબ (રી.અ.) ને ‘સકતુત દાઅવતીત તૈયબીયાહ' તથા ‘સૈફુદીન' તથા ‘અકીક ઉલ યમન' ટાઇટલ આપીને બિરદાવેલ હતા.

તાજેતરમાં સૌરાષ્‍ટમાં પાલીતાણા, સાવરકુંડલા, ઘોઘા, રાજુલા, શીહોર, ગારીયાધાર પધારેલ હતા અને ભાવનગર, મહુવામાં મસ્‍જીદનું ઉદ્દઘાટન કર્યુ હતુ. ઉજજૈન, અમદાવાદ, દેનમાલ, સીંગાપુર, શ્રીલંકા, કરાચી, દુબઇ, દારેસલામ વગેરે દેશોમાં પણ પધાર્યા હતા.તાજેતમાં સુરત શહેરમાં ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી હીઝ હોલીનેશ ડો. સૈયદના વ. મૌલાના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉશ.) ખાસ મુલાકાતે આવેલ. તથા જામએ તુસ સૈફીયાહ યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષા નિહાળેલ હતી.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સૈયદના વ મૌલાના આલી કદર મૌલા (ત.ઉ.શ.) એ વિશ્વના ઘણા દેશ-વિદેશોમાં પ્રવાસ કરી વાઅઝ કરેલ હતી. તેમજ સમાજીક, શૈક્ષણિક, આર્થિક વિકાસ સંબંધિત પર્યાવરણને લગતા કાર્યક્રમો કર્યા હતા. વ્‍યસન મુકત બનવાનો સંદેશો પ્રસરાવ્‍યો હતો. દરેક કોમના લોકો સાથે દુધમાં સાકર ભળે તેમ ભળી જવા તેમજ દરેક ધર્મના લોકોને માન સન્‍માન આપવા અનુરોધ કર્યો હતો.

સખત તાપમાનને ધ્‍યાનમાં રાખીને રમઝાન માસમાં રોજની ઇફતારી પ્રસંગે જમણવાર થાય છે તેમાં પણ ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.) આખા મહીનાનું મેનુ તૈયાર કરી વિશ્વભરમાં વસતા દાઉદી વ્‍હોરા સમાજના લોકોને મોકલાવે છે. તે રીતે જ બધે આ મેનુ પ્રમાણે જ જમણવાર ચાલી રહ્યા છે. જેમાં પહેલા ગરમ ચા અથવા દુધ ત્‍યાર બાદ જ ઠંડુ પ્રવાહી લેવા જણાવાયુ હોય છે.

ડો. સૈયદના વ મૌલાના આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) વિશ્વભરમાં દરેક દાઉદી વ્‍હોરા સમાજના ઘરે રોજે રોજ એક જ જગ્‍યાએથી જમણ પાકે અને દરેકના ઘરે ટીફીન દ્વારા પહોંચે તેવી વ્‍યવસ્‍થા અમલમાં મુકેલ છે. આ મહાઅભિયાનને સફળતા મળી છે. અમેરીકા, લંડન, આફ્રીકા, દુબઇ, કુવૈત, હિન્‍દુસતાન સહીત વિશ્વના દરેક ગામમાં જયા દાઉદી વ્‍હોરા સમાજ વસે છે ત્‍યાં ટીફીન પહોંચતા થઇ ગયા છે.

આવા મહાન રહેબર ૫૩ માં દાઇ અલ મુત્‍લક હીઝ હોલીનેશ ડો. સૈયદના વ મૌલાના અબુ જાઅફરસાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ની રાહબરીમાં વિશ્વભરમાં લાખો દાઉદી વ્‍હોરા સમાજ શાંતિ અને સદ્દભાવનાનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે. તેમની ૭૫ મી સાલગીરાહ ઉજવવા ઠેરઠેર વિવિધ આયોજનો થયા છે. ૨૩ મી રાત્રે રમજાન લયલતુલ કદરની રાતે ઇબાદત કરીને ૭૫ મો જન્‍મ દિવસ સાદાઇથી અને ખુદાની ઇબાદત સાથે ઉજવણી કરાશે.

- શેખ યુસુફઅલી જોહરકાર્ડવાલા,

મો.૯૪૨૮૮૯૪૭૫૨

(11:41 am IST)