Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જે કષ્ટોને આવકારે છે તે જ મહાવીરનો શિષ્ય હોય છેઃ પૂ. નમ્રમુનિ મ.સા.

મહાપુરુષોના ગુણકીર્તન કરતા ''સક્કારેમિ - સમ્માણેમિ'' નો લાઈવ કાર્યક્રમ યોજાયો : રાષ્ટ્રસંત પૂ.શ્રી નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે ભાવિકોએ ભગવાન મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક ઉજવ્યું

રાજકોટઃ ભગવાન મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક અવસરે મહાવીર અને તેમનાં અનુયાયીઓ એવા મહાપુરુષોના ગુણોનું ગુણાનુરાગ ભાવોને પ્રસરાવતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે લાઈવ પ્રસારણના માધ્યમે ઉજવવામાં આવેલ ''સક્કારેમિ સમ્માણેમિ'' કાર્યક્રમ, દેશ-વિદેશના હજારો ભાવિકોને ત્યાગી-તપસ્વી મહાપુરુષોના ગુણો પ્રત્યે અહોભાવથી નત-મસ્તક અને આત્મ નત કરી ગયો.

  આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ગુણ અને ગુણવાન વ્યકિત પ્રત્યે ગુણાનુરાગ કરીને સ્વયંની આત્મશુદ્ઘિ કરવાની પ્રેરણા આપતા સમજાવ્યું હતું કે, આજના પંચમ આરામાં, પ્રભુની અનુપસ્થિતિના દુર્ભાગી સમયમાં પણ પ્રભુના પ્રતિનિધિ સ્વરૂપ સંતોની પ્રાપ્તિનું જયારે આપણને સદ્બાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે તે મહાપુરુષોના જીવનદર્શન પરથી આપણી આત્મદ્રષ્ટિને ખીલવવાનો આ અવસર છે. મહાપુરુષોના જીવન દ્રષ્ટાંતો આપણને બોધ આપી જાય છે કે, તકલીફોની સામે હાર્યા વિના જે પોતાના સંકલ્પ પ્રત્યે અડગ રહે છે એમને જ સિદ્ઘિઓની પ્રાપ્તિ થતી હોય છે અને એ જ મહાવીર બની શકતા હોય છે. માટે જ, જીવનમાં ચાહે કેટલા પણ કષ્ટો કે તકલીફો આવે, આપણે ડરવું નથી કે ડગવું નથી. કેમકે, અંદરમાં જો વિશ્વાસ હોય તો મારનારી હાજર પરિસ્થિતિ વચ્ચે પણ તારનારી કોઈ એક પરિસ્થિતિ નું સર્જન થઈ જતું હોય છે. આપણી ક્ષમતા કે સહનશીલતાથી મોટું કોઈ દુઃખ મળી જાય, એવું કદી કોઈના જીવનમાં બનતું નથી. આ કાર્યક્રમ માત્ર સંતત્વ કે મહાપુરુષોના સત્કાર-સન્માનનો કાર્યક્રમ નથી પરંતુ એમના ગુણો પ્રત્યે ગુણાનુરાગી બનવાનો, એમના જીવન ચરિત્ર પરથી આપણા જીવનના ચિત્રને સુધારવાનો અને એમના પ્રભાવક પ્રસંગો પરથી સ્વયંની આત્મશુદ્ઘિની પ્રેરણા પામવા માટેનો આ અમૂલ્ય અવસર છે. ગુણવાનના ગુણોને નિહાળતા જો જદ્યન્ય રસ ઉપજે તો કર્મોની કરોડો ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો તીર્થઁકર નામ કર્મનો બંધ થઈ શકે. આપણે ગુણાનુરાગી બનીને સ્વયંના કેવળજ્ઞાનનું રિઝર્વેશન કરી લેવું જોઇયે.

આ અવસરે પૂજય શ્રી પરમ પવિત્રાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી, પૂજય શ્રી પરમ પ્રતિષ્ઠાજી મહાસતીજી ઉપરાંત પૂ. શ્રી પરમ અનુભૂતિજી મહાસતીજી, પૂજય શ્રી પરમ દિવ્યતાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી, પૂજય શ્રી પરમ આરાધ્યાજી મહાસતીજી તેમજ પૂજય શ્રી પરમ અનન્યાજી મહાસતીજીએ ગૌરવવંતા મહાપુરુષોની શૌર્યગાથાનું વર્ણન કરીને  ભાવિકોને પ્રભુ મહાવીર અને પ્રભુ મહાવીરના વંશ એવા વંદનીય સંતત્વ પ્રત્યે અહોભાવિત અને અભિવંદિત કરી દીધાં હતાં.

(4:22 pm IST)