Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

આકરા તાપ - ગરમી માટે હજુ તૈયાર રહેજો

આ સપ્તાહમાં પારો ૪૨ થી ૪૫ ડિગ્રીની રેન્જમાં : હિટવેવ સંભાવના

તા.૬,૭,૮ (બુધ-ગુરૂ-શુક્ર)ના ગરમીનો વધુ અનુભવ : રાજકોટ - અમરેલી - અમદાવાદમાં હાલમાં મહત્તમ નોર્મલ તાપમાન ૪૧ ડિગ્રી ગણાય : બપોર બાદ પવનનું જોર વધુ : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૪ : લોકડાઉનમાં ગરમીનો મિજાજ પણ જોવા મળી રહ્યો છે. આ સપ્તાહમાં પણ ગરમીનો જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે. ૪૨ થી ૪૫ ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે જયારે અમુક દિવસે ગરમ સેન્ટરોમાં હિટવેવની સંભાવના રહેલી છે. તા.૬,૭,૮ મેના ગરમીનો અનુભવ વધુ જોવા મળશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે ગત આપેલ આગાહી મુજબ મહત્તમ તાપમાન ૪૧ થી ૪૩ ડિગ્રી આસપાસ રહ્યુ હતું. ગઈકાલે અમદાવાદ - ૪૨.૬, સુરેન્દ્રનગર - કંડલા - ૪૨.૩, અમરેલી - ગાંધીનગર - ૪૨ અને રાજકોટમાં ૪૧.૯ ડિગ્રી તાપમાન નોંધાયેલ. હાલમાં નોર્મલ મહત્તમ તાપમાન રાજકોટ, અમરેલી, અમદાવાદમાં ૪૧ ડિગ્રી આસપાસ ગણાય.

અશોકભાઈએ તા.૪ થી ૧૧ મે દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમ જણાવેલ. ગરમી ૪૨ થી ૪૫ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. અમુક સેન્ટરોમાં હિટવેવની શકયતા છે. ખાસ કરીને તા.૬,૭,૮ (બુધ-ગુરૂ-શુક્ર) ગરમીની અસર વધુ જોવા મળશે. બપોર બાદ પવનનું જોર રહેશે. ૨૦ કિ.મી.થી વધુ ગતિથી પશ્ચિમી તો કયારેક દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ દિશામાંથી ફૂંકાશે. હાલમાં વાદળોનું પ્રમાણ ઓછું જયારે આગાહીના પાછલા દિવસોમાં વધુ જોવા મળશે. હાલના સમયમાં ઉપલા લેવલે અસ્થિરતા હોય છે જે ઉંચી રહેશે.

(3:52 pm IST)