Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટના શ્રમીકો ધીરજ રાખે સંયમતા દાખવેઃ ઓરિસ્સા-યુપી રાજયો સાથે સરકાર વાત ચલાવી રહી છેઃ ટ્રેનની વ્યવસ્થા કરાશે

આજે પણ કલેકટર કચેરીએ મજૂરોના ટોળાઃ દરવાજા ઉપર પોલીસ સાથે માથાકૂટ...: શ્રમીકો અંગે મુખ્યસચિવની બપોરે ૧ વાગ્યાથી વીસીઃ ટ્રેનની વ્યવસ્થા ટૂંકમાં થઇ જવાનો કલેકટરનો આશાવાદ

રાજકોટ તા. ૪ :..રાજકોટમાં પરપ્રાંતિય મજૂરો કંટાળી ગયા અને ગઇકાલે ટોળા સ્વરૂપે ર થી ૩ વિસ્તારમાં બહાર દોડી આવતા પોલીસને દોડધામ પડી હતી.

દરમિયાન ગઇકાલે આ બનેલી ઘટના અંગે આજે કલેકટર શ્રી રેમ્યા મોહને 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરના શ્રમીકો ધીરજ રાખે - સંયમતા જાળવે. ઓરિસ્સા-યુપી અને અન્ય રાજયો સાથે ગુજરાત સરકાર - અને કેન્દ્ર સરકાર સંયુકત રીતે વાટાઘાટો ચલાવી રહી છે, ત્યાંની સરકાર મજૂરો અંગે મંજૂરી આપે પછી મોકલવા અંગે વ્યવસ્થા કરાશે.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં પ૦ હજાર જેટલા પરપ્રાંતીય મજૂરો છે, તેમાંથી ર૦ થી રપ હજાર લોકોને પોતાના વતન જવુ છે. કલેકટરે જણાવ્યું હતું કે, અમે ટ્રેનની વ્યવસ્થા કરી રહયા છીએ, આ માટે સરકાર વાટાઘાટો ચલાવી રહી છે. ૧ થી ર દિવસમાં ટ્રેનની વ્યવસ્થા થઇ જાય તેવી શકયતા છે.

દરમિયાન આજે રાજયભરના કલેકટરો સાથે બપોરે ૧ વાગ્યાથી મજૂરો - આરોગ્ય અંગે મુખ્ય સચિવની ખાસ વીસી યોજાઇ છે, તેમાં પણ મહત્વનો નિર્ણય આવી શકે છે.

(11:50 am IST)