Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

છૂટછાટ નહિ મળતાં રાજકોટના વેપારીઓમાં આક્રોશ

૪૦-૪૦ દિવસથી વેપારધંધા બંધ રહેતા હવે વેપારીઓમાં ભારે અકળામણઃ સોશ્યલ મિડીયામાં બહાર આવતો છુપો રોષઃ જંગલેશ્વર સિવાય કયાંય ગંભીર સ્થિતી નથી તો સમગ્ર શહેરને બાનમાં લેવુ કેટલુ વ્યાજબીઃ વેપારીઓમાં ઉઠતા સવાલો

રાજકોટ તા. ૪: લોકડાઉન ૩.૦નો આજથી પ્રારંભ થયો છે પરંતુ તેમાં સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં વેપાર - ધંધા  શરૂ કરવા માટે કોઇ છૂટછાટ જાહેર નહિ કરાતા રાજકોટના વેપારીઓમાં પ્રચંડ રોષ ફેલાઇ ગયો છે અને તેઓ સોશ્યલ મિડીયામાં  પોતાનો રોષ ઠાલવી રહ્યા હોવાનું જાણવા મળે છે. રાજકોટમાં કોરોનાને કારણે છેલ્લા  ૪૦ દિવસથી  વેપાર - ધંધા ઠપ્પ રહેતા વેપારીઓમાં ભારે નાણાં ભીડ ઉભી થતાં તેઓ  મૂશ્કેલીમાં મૂકાયા છે અને વહેલામાં વહેલી તકે વેપાર - ધંધા શરૂ કરવાની  છૂટ મળે તેવુ પુછી રહ્યા છે. રાજકોટના વેપારીઓ એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે  રાજકોટમાં એક માત્ર જગલેશ્વરમાંથી જ કોરોનાના કેસ બહાર આવી રહ્યા છે ત્યારે સમગ્ર  રાજકોટ શહેરને બાનમાં લેવુ કેટલા અંશે વ્યાજબી છે.

દેશભરમાં લોકડાઉનનો અમલ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટના વેપારીઓ પણ સરકારના કાયદા -કાનુનને અનુસરી  સરકારને પ્રચંડ સહકાર આપી રહ્યા છે.  ત્યારે  હવે વેપારીઓમાં એવા સવાલ ઉઠી રહ્યા છે કે  છૂટના નામે  સરકાર અમારી સાથે રમત રમી રહી હોય એવુ લાગી રહ્યુ છે. વેપારીઓનુે કહેવુ છે કે ગયા રવિવારે સરકારે છૂટ આપી અને પાછી ખેચી લીધી હતી. આ રવિવારે પણ  લોકડાઉન પૂરૂ થતાં છૂટછાટ મળવાની આશા હતી  પરંતુ તે પણ ફળીભૂત ન થઇ. રાજકોટને ઓરેંજ ઝોન જાહેર  કરાયુ હોવા છતા રેડ ઝોન જેવા નિયમો અમલી બનાવાયા. જેને કારણે  વેપારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. વેપારીઓએ સરકારને રજૂઆતો કરી છે પરંતુ તે પણ સાંભળવામાં આવી નથી.

લોકડાઉનને કારણે  લાંબા સમયથી  વેપાર ધંધા બંધ રહેતા વેપારીઓને મોટુ આર્થિક નુકશાન થયુ છે એટલુ જ નહિ તેઓની પાસે સ્ટોક પણ પડી રહ્યો છે. તેના નિકાલની પણ વ્યવસ્થા થાય તે જરૂરી છે.  ૪૦-૪૦ દિવસથી વેપારીઓ ઘરમાં પૂરાઇ રહેતા નાના વેપારીઓ ખૂબજ માનસિક તાણ અનુભવી રહ્યા છે. ઘરની બહાર નહિ નીકળાતુ હોવાથી વેપારીઓમાં  ભારે અકળામણ થઇ રહી છે.

વેપારીઓનુ કહેવું છે કે સરકારે વહેલી તકે વેપાર-ધંધા શરૂ કરવાની છૂટ આપવી જોઇએ નહિતર કલ્પના પણ ન કરી શકાય તેવી આર્થિક નુકશાની જશે. વેપારીઓ પોતપોતાની વેદના હાલ સોશ્યલ મિડીયા પર ઠાલવી રહ્યા છે.સરકારને પૂરેપૂરો સહકાર આપતા વેપારીઓ  જ્યારે સંકટમાં છે ત્યારે. સરકાર તેમની કોઇ વાત સાંભળતી નથી તેવો પણ આક્ષેપ કરી રહ્યા છે. વેપારીઓ લાચાર અને નિઃસહાય બની ગયા હોય તેવી સ્થિતીનો સામનો કરી રહ્યા છે. વેપારીઓ એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે હવે સરકાર જો છૂટછાટ નહિ આપે તો  સવિનય લોકડાઉન ભંગનો  સત્યાગ્રહ પણ કરવો પડશે.  સૌથી વધુ મૂશ્કેલી નાના વેપારી અનુભવી રહ્યા છે.

સરકાર પોતાનુ વલણ સતત બદલતી હોય તે સામે પણ વેપારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. વેપારીઓનુ કહેવું છે કે જંગલેશ્વર કે જ્યાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેને સીલ કરી બાકીના વિસ્તારોમાં વેપાર-ધંધા શરૂ કરવા છૂટ મળવી જોઇએ કે જેથી ફરી આર્થિક પ્રવૃતિઓ ધમધમતી થઇ શકે.

વેપારીઓનુ એવુ પણ કહેવુ છે કે રાજકોટ સિવાય સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં વેપાર-ધંધાની છૂટ મળી છે ત્યારે રાજકોટ પાટનગર હોઇ એટલુ જ નહિ વેપાર ધંધાનું હબ હોઇ ઉપરાંત હોલસેલનુ પણ મોટુ માર્કેટ હોઇ  છૂટ આપવી જોઇએ કે જેથી રાજકોટથી બીજે માલ સપ્લાઇ કરી શકાય.

રાજકોટમાં વહેલી તકે વેપાર - ધંધા શરૂ થાય તે ઈચ્છનીય છે. સરકાર આ અઠવાડીયે જ કોઇ મોટી જાહેરાત કરે  તેવી  આશા વેપારીઓ રાખી રહ્યાં છે. ચેમ્બર સહિતની સંસ્થાઓ પણ રજૂઆતોનો દોર શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

(11:42 am IST)