Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ઓનલાઇન પાસ પ્રથા બંધ કરોઃ રાજકોટની પ્રજામાં પ્રચંડ આક્રોશ

કારખાનેદારો-બીલ્ડરોને ઓન લાઇનમાંથી બાકાત રાખ્યા તો નાના વેપારીઓનો શું વાંક છેઃ દેકારો બોલી ગયો છે...: ૮૦% લોકોની ઓનલાઇન રીકવેસ્ટ રીજેકટ થાય છેઃ શું કલેકટર તંત્ર બધાને ખોટા જ સમજે છેઃ ઉઠેલો સવાલઃ એક તરફથી પાસ મળતો નથીઃ પ્લમ્બર-મીસ્ત્રી-ઇલેકટ્રીશયન-મજૂરોને ઓનલાઇન પાસ કાઢતા આવડતુ નથીઃ ઉપરથી શહેરની પોલીસ બળ પ્રયોગ કરી રહી છેઃ લોકોની નીરાશા ચરમ સીમાએઃ લોકો કહે છે આવુ અન્ય કોઇ જીલ્લામા નથી

રાજકોટ તા. ૪ :.. રાજકોટ કલેકટર તંત્રે પોતાની કચેરીએ ટોળા આવતા અટકાવવા  ઓનલાઇન પાસનું ગતકડૂ વહેતુ મૂકી દિધુ અને તેના કારણે રાજકોટની આમ જનતા ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગઇ છે.

લોકો પ્રચંડ આક્રોશ સાથે બોલી રહ્યા છે કે, ઓનલાઇન પાસ વ્યવસ્થા બંધ કરો ૮૦ ટકાની અરજી રીકવેસ્ટ રીજેકટ થાય છે, શું કલેકટર તંત્ર બધાને ખોટા જ સમજે છે.

કલેકટર-એડી. કલેકટરે ઓનલાઇન પાસની અરજી ચકાસવા બે ડઝન ટીમો બેસાડી, પણ આ ટીમમાંથી અનેક એવા કર્મચારીઓ છે કે જે નાના - નાના સવાલો ઉભા કરી રહ્યા છે, અને અરજીઓ ફગાવી દેતા હોય છે.

અધુરામાં પુરૂ પલ્મ્બર-મજૂરો-મીસ્ત્રી- કડીયા કામ કરતા માણસો - ઇલેકટ્રીશયન વિગેરેમાંથી ૯૦ ટકાને અરજીઓ કરતા આવડતી નથી. આ લોકોનો શું વાંક, તો નાના એવા ઘણા વેપારીઓ ભારે રોષ સાથે કહી રહ્યા છે કે, કારખાનેદારો-બીલ્ડરોને ઓન લાઇનમાંથી બાકાત રાખ્યા, એક બાંહેધરી પત્રક આપો અને ધડાધડ પાસ અપાયા, કલેકટર તંત્રે આવા કારખાનેદારો-બીલ્ડરોને   ૧૭ હજાર જેટલા પાસ આપી દિધા છે, અમારા નાના વેપારીઓનો શું વાંક - રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કંઇક કરે તેવી માગણીઓ ઉઠી છે.

એટલુ જ નહી રાજકોટમાં અનેકલોકો પોતાના સગાના ઘરે ફસાઇ ગયા છે, તેમને પોતાના જીલ્લામાં જવા માટે ઓનલાઇન અરજી કરવાની, આવી અરજીઓ થઇ પણ માંડ ૪ થી પ ટકા મંજૂર થઇ, તંત્ર એવુ કહે છે... પુરતા પુરાવા નહોતાં... હવે આમાં આ લોકો બીજા પુરાવા કયાંથી કાઢે તેવો સવાલ ઉઠયો છે.

લોકો કહે છે, રાજકોટમાં ઓનલાઇન પાસની પ્રથા છે, બીજા જીલ્લામાં તો કયાંય નથી, એક તરફથી પાસ મળતો નથી, ઉપરથી પોલીસ બળ પ્રયોગ કરી રહી છે, પ્રજાની નીરાશા ચરમસીમાએ છે.

(10:48 am IST)