Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

પુનિતનગરમાં ગોૈરવ ગોસ્વામીને કિશન ગઢવીએ લાફા મારી ગોઠણમાં છરી ઝીંકી

બે વર્ષ પહેલા બાવાજી યુવાન ગઢવી યુવાનની પત્નિને વ્હોટ્સએપથી મેસેજ કરતો હોવાની શંકા ઉપજતાં ત્યારથી ચાલતું મનદુઃખ ડખ્ખા પાછળ કારણભુત

રાજકોટ તા. ૪: પુનિતનગર પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં બાવાજી યુવાનને ગઢવી શખ્સે પહેલા લાફા માર્યા બાદ ગાળો દઇ ગોઠણમાં છરી ઝીંકી દેતાં ફરિયાદ થઇ છે. અગાઉ બાવાજી યુવાન ગઢવી યુવાનની પત્નિ સાથે વ્હોટ્ેસએપમાં મેસેજ કરતો હોઇ તેવી શંકા ગઢવી યુવાનને ઉપજી હતી. ત્યારથી ચાલતાં મનદુઃખને કારણે આ ડખ્ખો થયો હતો.

બનાવ અંગે પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગર પાસે વૃંદાવન સોસાયટી મેઇન રોડ પર શિવકૃપા ખાતે રહેતાં અને વૃષ્ટી સાઇન નામની કંપનીનો જાહેરાતના બોર્ડ લગાવવાનો કોન્ટ્રાકટ રાખી કામ કરતાં ગોૈરવ પંકજભાઇ ગોસ્વામી (ઉ.૨૩) નામના યુવાનની ફરિયાદ પરથી ખોડિયારનગરમાં રહેતાં કિશન દિલુભાઇ ગઢવી સામે ગુનો નોંધ્યો છે.

ગોૈરવએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું શુક્રવારે પોણા બે વાગ્યે ઓફિસેથી ઘરે જતો હતો ત્યારે પુનિતનગર ચોક રિક્ષા સ્ટેન્ડ પાસે કામ સબબ ઉભો રહતાં કિશન ગઢવી અચાનક આવી ગયો હતો અને મને ગાળો દઇ ત્રણ-ચાર થપ્પડ મારી દીધી હતી અને ધમકી આપી હતી કે મારી સામે કોઇ દિવસ આવતો નહિ, નહિતર મારી નાંખીશ. આ પછી હું મારું એકસેસ લઇ પુનિનગર રોડ પર આશાપુરા સર્વિસ સ્ટેશને  પહોંચ્યો હતો. અને ગાડી સર્વિસમાં મુકી બાજુની સ્મિત પાન નામની દુકાને ઉભો હતો ત્યારે ફરીથી કિશન આવ્યો હતો અને છરીથી હુમલો કરી ગોઠણ પાસે ઇજા કરી હતી. લોકો ભેગા થઇ જતાં તે ભાગી ગયો હતો.

ગોૈરવે પોલીસને જણાવ્યું હતું કે કિશનને હું ત્રણેક વર્ષથી ઓળખુ છું. બે વર્ષ પહેલા તેને મારા પર એવી શંકા કરી હતી કે હું તેની પત્નિને વ્હોટ્સએપથી મેસેજ અને કોલ કરી હેરાન કરુ છું. તે વખતે મનદુઃખ થયું હતું. ત્યારથી તે મારા પર ખાર રાખે છે અને માથાકુટ કરે છે. તાલુકાના પીએસઆઇ એસ.આર. સોલંકીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:24 pm IST)