Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ન્યુ.રાજકોટમાં પાણીનો દેકારો : ૩ વોર્ડમાં નળ ન આવ્યાઃ મેયરના વોર્ડમાં એકાએક કાપ રદ કરી વિતરણ થયું

નર્મદાની પાઇપ લાઇનમાં પાણી બંધ થતા આજે વોર્ડ નં. ૧, ર, ૯ માં અનેક વિસ્તારો પાણી વગરના રહયાઃ વોર્ડ નં. ૧૦માં પાણીકાપ જાહેર થયેલ પરંતુ કોંગ્રેસના કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાના પ્રયાસોથી કાપ ઉઠાવી લેવાયો

રાજકોટ, તા., ૪: હાલમાં ઉનાળાનું તાપમાન વધી રહયું છે લોકોમાં પાણીની માંગ વધી છે. આવા વખતે જ મ્યુ. કોર્પોરેશન દ્વારા આજે શહેરના ૩ વોર્ડમાં એકાએક પાણીકાપ ઝીંકી દેવાતા આ ત્રણેય વોર્ડમાં પાણીનો જબરો દેકારો બોલી ગયો હતો. જો કે  આજે મેયરના વોર્ડમાં પણ પાણીકાપ જાહેર થયેલ પરંતુ એકાએક આ પાણીકાપ રદ કરી ત્યાં પાણી વિતરણ કરાતા આ બાબતે અનેકવિધ ચર્ચાઓ ચાલી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશના વોટર વર્કસ વિભાગે ગઇકાલે સાંજે જાહેર કરેલ સતાવાર યાદી મુજબ શહેરના વેસ્ટ ઝોન હેઠળના એટલે કે ન્યુ. રાજકોટ વિસ્તારમાં પાણી પુરૂ પાડતા ન્યારા પમ્પીંગ સ્ટેશનમાં નર્મદાની પાઇપ લાઇનમાંથી આજે નર્મદાનીર રાજકોટને મળતા બંધ થયા હતા. જેના કારણે આજે ૧પ૦ ફુટ રીંગ વિસ્તારમાં વોર્ડ નં. ૧ ના ગાંધીગ્રામ, જીવંતીકાનગર, રૈયા રોડ, શિવ પાર્ક, શાંતીનીકેતન, વિદ્યુતનગર સહિતના વિસ્તારોમાં તેમજ વોર્ડ નં. ર માં રંગ ઉપવન, હનુમાનમઢી, શિવપરા, છોટુનગર, એરપોર્ટ રોડ વિસ્તાર સહીતના વિસ્તારો અને વોર્ડ નં. ૯ના કેટલાક વિસ્તારો તથા વોર્ડ નં. ૧૦માં કેટલાક વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ રહેશે તેમ જાહેર થયેલ.

દરમિયાન ગઇકાલે સાંજે રોડ નં. ૧૦ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા સમક્ષ તે વિસ્તારની ગૃહીણીઓએ આ ઓચિંતા પાણીકાપ અંગે ઉગ્ર રજુઆત કરી હતી. આથી મનસુખભાઇ કાલરીયાએ તાત્કાલીક કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા  કરી અને આજનો પાણીકાપ ઉઠાવી લેવા ઉગ્ર માંગ ઉઠાવી હતી. અને વોર્ડ નં.૧૦માં પાણીકાપ રદ કરી પાણી વિતરણ થતા ગૃહીણીઓમાં રાહતની લાગણી ફેલાઇ હતી. (નોંધનીય છે કે વોર્ડ નં. ૧૦માંથી મેયર બીનાબેન આચાર્ય ચુંટાયા છે. આમ મેયરના વોર્ડમાં એકાએક પાણીકાપ રદ થતા આ બાબતે અનેકવિધ ચર્ચાઓ થઇ રહી હતી.)જયારે અન્ય ૩ વોર્ડમાં એટલે કે વોર્ડ નં. ૧-ર અને ૯ ના અનેક વિસ્તારોમાં નળ નહિ આવતા ગૃહીણોમાં દેકારો બોલી ગયો હતો.

(3:18 pm IST)